દ્વારકા સહિત રાજ્યમાં ૧૦ હજાર ખેડૂતોના એક દિવસના ઉપવાસ

0
7
Share
Share

પાક વીમા, દેવામુક્તિ તથા ખેડૂત નેતા પોલીસે ગુજારેલા સિતમ સામે ખેડૂતોનું ઓનલાઇન આંદોલન

ખંભાળિયા,તા.૨૯

પાક વીમા, દેવામુક્તિ તથા ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા પર પોલીસે ગુજારેલા સિતમ સામે ખેડૂતોનું નવતર ઓનલાઇન આંદોલન શરૂ થયું છે. જે અંતર્ગત રવિવારે દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યભરમાંથી ૧૦ હજાર ખેડૂતોએ પોતાના સ્થાને રહી ઉપવાસ કર્યા અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી આંદોલનને ડિજિટલી આગળ વધાર્યું. ખેડૂતોની વેદના એવી છે કે, લોકડાઉન પછી ખેડૂતોની હાલત દિન પ્રતિદિન કથળતી ગઈ છે. સરકારે જાહેરાતો પણ જાણે બધી કાગળ પર જ રહી ગઈ અથવા તો ટીવીની જાહેરાતોમાં જ અટવાઈ ગઈ હોય તેમ જમીન પર અમલ દેખાતો નથી. પાક વીમાની યોજના, કેન્દ્ર સરકારના આર્થિક પેકેજની કે રાજ્ય સરકારના આર્થીક પેકેજ, પાક ધિરાણ ભરવાની મુદત વધારાની હોય કે વ્યાજ માફીની વાત અંગે સરકાર જાહેરાત કરી આપે છે. પણ છ- છ માસ સુધી બેંકોમાં પરિપત્ર જ પહોંચતો નથી.

જેના કારણે ખેડૂતો પરેશાન થઈ જાય છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની વાત હોય કે ખેડૂતોની ખેત પેદાશના ભાવો બમણા કરવાની વાત હોય. ભાવો તો બમણા થાય નહિ પણ ખેડૂતોના ખાતર, દવા, બિયારણ અને ડીઝલના ભાવો ખુબ જ વધી જતાં ઉત્પાદન ખર્ચ બમણો થઈ ગયો. કોરોના કહેર વચ્ચે જ્યારે ખેડૂતોનો માલ પોષણક્ષમ ભાવો ન મળવાના કારણે ઘરમાં પડી રહ્યો હોય ખેડૂતો એને પી. એમ. કેર ફંડમાં દાન આપવા જાય તો પોલીસ દ્વારા રીઢા ગુનેગાર કે આંતકવાદીઓને જેમ મારવામાં આવે છે, તેમ ખેડૂતોને ઢોર માર મારવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો એકઠા થઇ વિરોધ પ્રદર્શન કરી શકે તેમ ન હોય,

પોતાની વેદના વ્યક્ત કરી સરકાર સામે પોતાનો ગુસ્સો ઠાલવી ખેડૂત અત્યારે પોતાની વેદના આંદોલન સ્વરૂપે રજૂ કરી શકે તેમ ન હોય, ત્યારે ખેડૂતોએ વિરોધ કરવાનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ખેડૂતોએ મુખ્ય ત્રણ માંગ ખેડૂતોને ચાલુ વર્ષનો ૧૦૦% પાકવીમો મળે, સરકારની નીતિઓના કારણે ખેડૂત દેવાદાર બની રહ્યો છે ત્યારે ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે, તથા રાજકોટમાં પોલીસ દ્વારા ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા સાથે થયેલા અત્યાચાર અંગે તેમને ન્યાય આપવામાં આવે. ઉપરોક્ત મુખ્ય ત્રણ માંગ સાથે ખેડૂતોએ ડિઝિટલ માધ્યમથી આંદોલન ચલાવ્યું છે. જેમાં ખેડૂતો એક દિવસના ઉપવાસ કરી તેનો વીડિયો બનાવી સોશિયલ સાઇટ્‌સ પર મૂકી વિરોધ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે દ્વારકા જિલ્લાની સાથે સાથે ગુજરાતભરમાંથી અંદાજિત ૧૦,૦૦૦ જેટલા ખેડૂતો પોતાનું કામ કરતા કરતા ખેતરમાંથી, પોતાના ઘરે બેસીને ઉપવાસ આંદોલન કર્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here