દેશમાં ૮૦ લાખ લોકોએ કોરોનાને આપી માત, ૨૪ કલાકમાં ૪૪,૨૮૧ નવા કેસ

0
13
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૧

દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ભારતમાં અત્યાર સુધી ૮૦ લાખથી વધુ લોકો કોરોનાને માત આપી ચૂક્યાં છે. આ સાથે જ દેશમાં કોરોના એક્ટિવ કેસો પણ ઓછા થઈ રહ્યાં છે. જેના કારણે ભારતમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૪,૨૮૧ નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે આજ ગાળા દરમિયાન વધુ ૫૧૨ દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

નવા કેસો ઉમેરાવાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૮૬ લાખને પાર પહોંચી ચૂકી છે. જ્યારે આ જીવલેણ વાઈરસ અત્યાર સુધીમાં ૧.૨૭ લાખથી વધુ લોકોને ભરખી ચૂક્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દર્દીઓના સ્વસ્થ થવાનો દર એટલે કે કોરોના રિકવરી રેટ વધીને ૯૨.૭૯% અને મૃત્યુદર ૧.૪૮ ટકા પર પહોંચ્યો છે.

અત્યાર સુધી મળેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ નવા કેસ દિલ્હીમાં નોંધાયા છે. દિલ્હીમાં રેકોર્ડ બ્રેક ૭૮૩૦ નવા દર્દીઓ મળી આવ્યાં છે. જે અત્યાર સુધી દિલ્હીમાં એક દિવસમાં મળેલા સૌથી વધુ કેસ છે. આ સાથે જ દિલ્હીમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૪.૫૧ લાખ પર પહોંચી ચૂક્યો છે, જ્યારે ૭૧૪૩ લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.

કેરળમાં ૨૪ કલાકમાં ૬૦૧૦ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા ૪.૯૫ લાખ થઈ ગઈ છે. આ સિવાય સાઉથના અન્ય સ્ટેટ્‌સમાં તમિલનાડુમાં ૨૧૪૬, આંધ્ર પ્રદેશમાં ૧૮૮૬, તેલંગાણામાં ૧૨૬૭ નવા કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યાં છે. આ રાજ્યોમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો ક્રમશઃ ૭.૪૮ લાખ, ૮.૪૮ લાખ અને ૨.૫૨ લાખ થઈ ગયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here