મુંબઈમાં માસ્કના નિયમના પાલન માટે માર્શલ્સ તૈનાત
એક જ દિવસમાં ૧૩,૧૯૩ કેસો મળી આવ્યા, દેશમાં કોરોનાના કેસો આશરે ૧.૧ કરોડની નજીક પહોંચી ગયા
ન્યુ દિલ્હી,તા.૨૦
ભારતમાં વેક્સિનેશનના મહાઅભિયાન વચ્ચે કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. કોરોના એક જ દિવસમાં ત્રણ અઠવાડિયાની ટોચની સપાટીએ પહોંચ્યો છે. ભારતમાં શુક્રવારે ત્રણ અઠવાડિયામાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયો હતો. એક જ દિવસમાં ૧૩,૧૯૩ કેસો મળી આવ્યા હતા. આમ શુક્રવારે દેશમાં કોરોનાના કેસો આશરે ૧.૧ કરોડની નજીક પહોંચી ગયા હતા. જે અમેરિકા બાદ બીજા ક્રમે છે. દેશમાં મોતનો આંકડો પણ ૧,૫૬,૦૦૦ થયો છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં ત્રણ મહિનાની ટોચની સપાટી પહોંચી છે. જેને પગલે રાજ્યની સરકારે અનેક જિલ્લામાં લોકડાઉનની જાહેરાત કરી છે અને વર્ધામાં તો ૩૬ કલાકનો કરફ્યૂ પણ લાદી દીધો છે. મુંબઈમાં માસ્ક પહેરવાના નિયમનું પાલન કરવા માટે માર્શલ્સ તૈનાત કરાયા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૧૩,૧૯૩ નવા દર્દીઓ નોંધાયા છે, તો આ દરમિયાન ૧૦,૮૯૬ લોકો સ્વસ્થ થાય છે. દેશમાં એક દિવસમાં કોરોનાથી ૯૭ લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં અચાનક કેસો વધી જતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. જે છેલ્લાં ત્રણ મહિનામાં સૌથી વધુ છે. શુક્રવારે રાજ્યમાં કોરોના ૬,૧૧૨ લોકો પોઝિટિવ જાહેર થયા હતા. આમ કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને ૪૪,૭૬૫ થઇ છે. છેલ્લાં થોડાક દિવસોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આ વાયરસનો ફેલાવો અટકાવવા માટે મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં લોકડાઉન જાહેર કરાયું છે. આ બીમારીથી ૨૪ કલાકમાં ૪૪ લોકો મોતને ભેટ્યા છે. મુંબઇમાં ૨૪ કલાકમાં કોરોનાના ૮૨૩ કેસો નોંધાયા છે. યવતમાલમાં સ્થિતિ વણસતા લોકડાઉનના આદેશ જારી કરાયો છે. અમરાવતીમાં શનિવારના રાત્રિ આઠથી સોમવારે સવારના સાત સુધી લોકડાઉન જાહેર કરાયું છે. હાલમાં રાજ્યસરકાર કેસોમાં વધારો અટકાવવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ અને આરટી-પીસીઆર ટેસ્ટ વધારવા પર ભાર મુકી રહી છે. તાજેતરના દિવસોમાં કોરોનાના ૭૫ ટકા નવા કેસો કેરળ અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે.
મુંબઇમાં ટ્રેન સેવા શરૂ કરાતાં અને કેરળમાં શૈક્ષણિક સંસ્થાનો ખોલાતા આ કેસો વધ્યા હોવાનું માનવામાં આવે છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે કોરોનાએ દેશ છોડ્યો નથી. આપણે હજુ પણ સાવચેતીની જરૂર છે. દેશમાં કોરોનાના ચેપગ્રસ્તોનો કુલ આંકડો ૧,૦૯,૬૩,૩૯૪ પર પહોંચી ચૂક્યો છે. દેશભરમાં અત્યાર સુધીમાં ૧,૦૬,૬૭,૭૪૧ લોકો સંપુર્ણપણે સ્વસ્થ થઈ ચૂક્યા છે.
૮૨૩ જેટલા નવા કેસોને કારણે મુંબઇમાં ડિસેમ્બર પછી એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસો થયા હતા. માસ્ક નહિ પહેરેલા મુસાફરોને દંડ ફટકારવા માટે વધારાના માર્શલ્સ સબર્બન ટ્રેનોમાં તૈનાત કરાયા છે. એટલું જ નહીં કોરોનાના કેસ મળશે તો ઈમારતને સીલ કરવાની પણ જોગવાઈ કરાઈ છે. તાજેતરના સુધારેલી રિલીઝમાં બીએમસીએ કહ્યું છે કે હોમ ક્વોરેન્ટાઇનમાં રહેલા લોકોના હાથ પર સ્ટેમ્પ મુકવામાં આવશે. મુંબઇમાં લોકોને માસ્ક પહેરાવવાનું પાલન કરાવવા માટે હજારો માર્શલ્સ ઉતારી દેવાયા છે. મુંબઇ શહેરના સત્તા?વાળાઓનું કહેવું છે કે આશરે ૫,૦૦૦ માર્શલો હાયર કરાશે. જેમાં ૩૦૦થી વધુની તૈનાતી રેલ નેટવર્ક પર કરાશે.
દેશમાં કોરાના વાઇરસના ૧૧,૦૦૦થી સતત વધુ નવા કેસ નોંધાયા છે. જોકે દેશમાં નવા કેસો ઘણા સમયથી ૨૦,૦૦૦થી નીચે આવી રહ્યા છે. એ સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા ૧.૦૯ કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા ૨૪ કલાકમાં ૧૩,૯૯૩ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૧ લોકોનાં મોત થયાં છે.
દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ ૧,૦૯,૭૭,૩૮૭ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી ૧,૫૬,૨૧૨ લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને ૧,૦૬,૭૮,૦૪૮ લોકો માત આપી ચૂક્યા છે. પાછલા ૨૪ કલાકમાં ૧૦,૩૦૭ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા ૧,૪૩,૧૨૭ પહોંચી છે. રિકવરી રેટ વધીને ૯૭.૨૬ ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને ૧.૪૩ ટકા થયો છે. દેશમાં અત્યાર સુધીમાં ૧,૦૭,૧૫,૨૦૪ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૫,૨૭,૧૯૭ કોરોના રસી આપવામાં આવી હતી.