ચારેય બાજુ તાનાશાહી છે, લોકશાહી અને સંવૈધાનિક સંસ્થાઓને ખત્મ કરાતી હોવાનો કોંગ્રેસ નેતાનો આરોપ
નવી દિલ્હી, તા. ૨૮
કૉંગ્રેસ પાર્ટી પોતાનો ૧૩૬મો સ્થાપના દિવસ મનાવી રહી છે. આ અવસર પર કૉંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીએ દાવો કર્યો છે કે દેશમાં વર્તમાન પરિસ્થિતિઓ આઝાદીના પહેલાની માફક છે અને તાનાશાહી તાકાતોથી દેશને બચાવવા માટે બધાએ એક થવું પડશે. પાર્ટી તરફથી જાહેર એક વિડીયોમાં સોનિયાએ એ પણ કહ્યું કે, કૉંગ્રેસને દરેક મોરચે મજબૂત બનાવવાની જરૂર છે.
સોનિયા ગાંધીએ આઝાદીના આંદોલન અને દેશના વિકાસમાં કૉંગ્રેસના યોગદાનનો ઉલ્લેખ કર્યો અને એ દાવો કર્યો કે, આજે ફરીથી પરિસ્થિતિઓ આઝાદીની પહેલા જેવી છે. જનતાના અધિકારો છીનવવામાં આવી રહ્યા છે. ચારેય બાજુ તાનાશાહી છે. લોકશાહી અને સંવૈધાનિક સંસ્થાઓને ખત્મ કરવામાં આવી રહી છે. બેરોજગારી ચરમ પર છે. ખેતરો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. દેશના અન્નદાતા પર કાળા કાયદા થોપવામાં આવી રહ્યા છે.”
કૉંગ્રેસના વચગાળાના અધ્યક્ષે કહ્યું કે, આવામાં આપણી જવાબદારી બને છે કે આપણે એકવાર ફરી દેશને તાનાશાહી તાકાતોથી બચાવીએ અને તેમની સામે ટક્કર લઇએ. આ જ સાચી રાષ્ટ્રભક્તિ છે. તેમણે કૉંગ્રેસ કાર્યકર્તાઓને આહ્વાન કર્યું, “જે તિરંગા નીચે આપણે આઝાદી મેળવી હતી, આજે એજ તિરંગા નીચે આપણે એક થવું પડશે. આ તિરંગો કૉંગ્રેસ અને દેશવાસીઓ માટે જીવવાની હિંમત છે, લોકોની આશાઓનું પ્રતીક છે અને દેશનું ગૌરવ છે. આપણે સામાન્ય જનતાના દિલને જીતવાનું છે.
ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ પાર્ટી આજે પોતાનો ૧૩૬મો સ્થાપના દિવસ મનાવી રહી છે. આ અવસર પર કૉંગ્રેસે એક હેશટેગ પણ ચલાવ્યો છે. કૉંગ્રેસ પાર્ટીના નેતા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આ હેશટેગ સાથે પોસ્ટ કરી રહ્યા છે.