જો કેન્દ્ર સરકાર કોરોના રસી મફ્ત નહીં આપે તો અમે ફ્રીમાં આપીશું, કોરોના રસી વિશે ખોટી માહિતી ન ફેલાવશો
ન્યુ દિલ્હી,તા.૧૩
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે, જો કેન્દ્ર સરકાર કોરોના રસી મફત નહીં આપે, તો અમે દિલ્હીવાસીઓને કોરોના રસી મફત લગાવરાવીશું. કેજરીવાલે કહ્યું છે કે જો આવું થાય, તો દિલ્હી સરકાર તેના ખર્ચે લોકોને મફત રસી આપશે. દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું કે હું લોકોને અપીલ કરું છું કે કોરોના રસી વિશે ખોટી માહિતી ફેલાવવી નહીં.
તેમણે કહ્યું- મેં કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે દરેકને નિઃશુલ્ક કોરોના રસી આપવામાં આવે. જો કેન્દ્ર સરકાર આમ નહીં કરે અને જરૂરિયાત પડશે તો દિલ્હીના લોકોને નિઃશુલ્ક કોરોના રસી આપવામાં આવશે. અરવિંદ કેજરીવાલ ડો. હિતેશ ગુપ્તાના પરિવારને મળવા આવ્યા હતા, જેમણે કોરોના ફરજ દરમિયાન જીવ ગુમાવ્યો હતો. અહીં તેમણે કહ્યું- “અમે કોરોના લડવૈયાઓને પ્રોત્સાહિત કરવા માટેની યોજના શરૂ કરી હતી અને આ હેઠળ હું તેમના પરિવારને ૧ કરોડ રૂપિયાની સહાય આપવા આવ્યો છું.
દિલ્હી સરકારે બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ૧૦ મહિના પછી ૧૮ જાન્યુઆરીથી ૧૦ અને ૧૨ ધોરણ સુધીની સ્કૂલ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાહેર આદેશ મુજબ પેરેન્ટ્સની અનુમતિ પછી જ વિદ્યાર્થીઓ સ્કૂલે આવી શકશે. સ્ટૂડન્ટ્સે સ્કૂલ જવું અનિવાર્ય નહીં હોય.
કેજરીવાલે કહ્યું કે, “તેમની (ડૉ. હિતેશ ગુપ્તા) પત્ની શિક્ષિત છે અને અમે તેમને દિલ્હી સરકારમાં નોકરી આપીશું.” રાજધાની દિલ્હીમાં કોરોના રસી લાવવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. કોરોના રસી ‘કોવિશીલ્ડ’નો પહેલો જથ્થો પણ દિલ્હી પહોંચી ગયો છે. લોકોને રસી આપવાનું કામ ૧૬ જાન્યુઆરી એટલે કે શનિવારથી શરૂ થશે. આ રસી સૌ પ્રથમ હેલ્થ વર્કર્સને આપવામાં આવશે. સીએમ કેજરીવાલ દિલ્હીની એલએનજેપી હોસ્પિટલથી રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરશે.