દારૂડિયાને પકડવા મોંઢું નહીં સૂંઘવાનો પોલીસને આદેશ

0
32
Share
Share

અમદાવાદ, તા. ૨૩

પીધેલાને પકડવાની વાત આવે ત્યારે પોલીસ સૌથી રહેલા તો તે વ્યક્તિનું મોઢું સૂંઘતી હોય છે. ભલે સિનિયર પોલીસ અધિકારીઓ દાવા કરે કે આ નિયમ માત્ર કાગળ પર છે, પરંતુ પોલીસ મોટાભાગના કેસોમાં દારુ પીધેલા લોકોને મોઢું સૂંઘીને જ પકડતી હોય છે. જોકે, હવે પોલીસકર્મીઓને આમ ના કરવા માટે સત્તાવાર આદેશ આપવાની તૈયારી ચાલી રહી છે. કોરોના ફેલાય નહીં તે માટે પોલીસકર્મીઓને પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા અને કોઈપણ આરોપી પકડાય તો સૌ પહેલા તેનો કોરોનાનો ટેસ્ટ કરવા કહેવાય છે. તેવામાં કોઈ દારુડિયાને પકડવા તેનું મોઢું સૂંઘવાના ચક્કરમાં કોઈ પોલીસકર્મીને કોરોના ના થઈ જાય તે માટે હવે ટોચના અધિકારીઓ સાબદા બન્યા છે.

પોલીસ વિભાગ હવે એક સર્ક્‌યુલર લાવી રહ્યો છે, જેમાં દારુડિયાને પકડવા મોઢું સૂંઘવાને બદલે અન્ય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તેમ જણાવાશે. વ્યક્તિએ નશો કરેલો હતો કે નહીં તે અંગે લેખિતમાં તેનું મોઢું સૂંઘવા અંગે કોઈ ઉલ્લેખ નહીં કરી શકાય.

સિનિયર પોલીસ અધિકારીઓનું માનીએ તો, કોઈ વ્યક્તિએ નશો કર્યો છે કે કેમ તે નક્કી કરવાના ઘણા માપદંડ છે. જેમ કે તે સીધો ઉભો રહી શકે છે કે નહીં, લથડિયાં ખાય છે કે કેમ, બોલવામાં તેની જીભના લોચા વળે છે કે નહીં વગેરે. આ સિવાય બ્લડ સેમ્પલના મેડિકલ રિપોર્ટ દ્વારા પણ તેણે દારુ પીધો છે કે નહીં તે કન્ફર્મ થાય છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ મામલે પરિપત્ર તૈયાર કરાઈ રહ્યો છે.

સામાન્ય રીતે દારુબંધીના કાયદાનો ભંગ કરનારાને પકડવા માટે પોલીસ મોટાભાગે શંકાસ્પદ વ્યક્તિનું મોઢું સૂંઘતી હોય છે. જોકે, વરિષ્ઠ અધિકારીઓને લાગી રહ્યું છે કે મોટાભાગની એફઆઈઆરમાં આ બાબતને એક ફિક્સ ફોર્મેટ તરીકે સ્વીકારી લેવાઈ છે. જ્યારે પણ કોઈ દારુડિયો પકડાય ત્યારે તેના પર થયેલી એફઆઈઆરમાં ભલે તેનું મોઢું કોઈએ ના સૂંઘ્યું હોય, પરંતુ ઉલ્લેખ તો તેનો જ કરાય છે.

હાલમાં જ નોંધાયેલી એક એફઆઈઆરમાં દર્શાવાયું હતું કે પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને એક એવો વ્યક્તિ મળી આવ્યો હતો કે જે સરખો ઉભો પણ નહોતો રહી શકતો, અને તેણે દારુ પીધો હોય તેમ લાગી રહ્યું હતું.

પોલીસે આ મામલે બે પંચની સાક્ષીમાં કેસ કર્યો હતો. તેની એફઆઈઆરમાં જણાવાયું હતું કે પહેલા તો પોલીસે જ શંકાસ્પદ વ્યક્તિનું મોઢું સૂંઘ્યું હતું, અને ત્યારબાદ પંચ પાસે પણ તેમ કરાવવામાં આવ્યું હતું. આ પ્રકારની મોટાભાગની ફરિયાદમાં વ્યક્તિના મોઢામાંથી વાસ આવતી હતી તેવો ઉલ્લેખ હોય છે, જેને હવે દૂર કરવામાં આવશે, તેમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

કોરોના પહેલા પોલીસ શંકાસ્પદ વ્યક્તિની નજીક જઈ તેનું મોઢું સૂંઘતી હતી, પરંતુ હવે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વ્યક્તિની આંખો અને તે બોલવા-ચાલવામાં સમર્થ છે કે નહીં તે ચેક કરાય છે. તેવામાં મોઢું સૂંઘવાનો એફઆઈઆરમાં થતો ઉલ્લેખ ખોટો મેસેજ પાસ કરે છે, જેને હવે અટકાવાશે તેમ પણ આ અધિકારીએ કહ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here