દર્શન એટલે સત્ય અને જ્ઞાન શોધની વિદ્યા

0
52
Share
Share

દર્શન એટલે સત્ય અને જ્ઞાનની શોધની વિદ્યા;મનુષ્યનાં દુઃખો દૂર કરીને સુખ તરફ પ્રયાણ કરવાની વિદ્યા; પરમ તત્વનો સાક્ષાત્કાર કરવાની વિદ્યા. સાદી ભાષામાં દર્શન એટલે ‘જોવું’, પરંતુ અહીં આંખો દ્વારા કશું જોવાની વાત નથી, આંતરચક્ષુઓ દ્વારા જગત અને આત્માનું નિરીક્ષણ કરવાની વાત છે.આપણા વિદ્વાન ઋષિઓએ વેદોમાં સમાવિષ્ટ દાર્શનિક તત્વોની વિસ્તારપૂર્વક અને શંકા તથા તેના સમાધાન સાથેની વિવેચના જે ગ્રંથોમાં કરી છે તે ગ્રંથો વેદનાં “ઉપાંગ” અથવા “દર્શનશાસ્ત્ર” તરીકે ઓળખાય છે.સરળ ભાષામાં કહીએ તો જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધો વિશે અભ્યાસ કરનાર શાસ્ત્રને દર્શનશાસ્ત્ર કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં તત્વજ્ઞાન -ફિલોસોફીની દ્રષ્ટીએ જીવન જીવવાની વિચારણા જેમાં કરવામાં આવી છે, તે તત્વજ્ઞાનસાધક શાસ્ત્રોને દર્શનશાસ્ત્ર કહેવામાં આવે છે.હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શા માટે આવ્યો છું, જગત શું છે, તેને કોણે, કઈ રીતે અને શાને માટે રચ્યું છે, આ સંસારની આધારભૂત સત્તા કઈ છે, તેની ઉત્પતિ ક્યાંથી થઇ છે, તે જડ છે કે ચેતન છે, આત્માનું સ્વરૂપ કેવું છે, આત્માને સૃષ્ટિનિર્માતા સાથે શું સંબંધ છે, જીવનનું લક્ષ્ય શું છે, આ લક્ષ્યની પ્રાપ્તિ કઈ રીતે થાય વિગેરે પ્રશ્નો અંગેની વિસ્તૃત ચર્ચા-વિચારણા અને માર્ગદર્શન દર્શનશાસ્ત્રોમાં આપવામાં આવ્યું છે.ખરેખર તો વેદ એ સર્વ સત્ય વિદ્યાઓના મૂળભૂત ગ્રંથો છે. પરંતુ વેદોના ગહન સિદ્ધાંતોને સારી રીતે સમજવા માટે દર્શનોને જાણવાની આવશ્યકતા છે. આપણા પ્રાચીન ઋષિઓએ વેદમંત્રોનો સાક્ષાત્કાર કરીને મનુષ્યોના જીવન માટેના અતિ મહત્વપૂર્ણ વિષયોને વ્યવસ્થિત રીતે ક્રમબદ્ધ અને સૂત્રરૂપમાં સરળ વ્યાખ્યા સાથે દર્શનગ્રંથોમાં રજૂ કર્યા છે.દર્શનશાસ્ત્રોની સંખ્યા છ હોવાથી તે ‘ષડદર્શન’ તરીકે ઓળખાય છે. આ છ દર્શનશાસ્ત્રોનાં નામ અને એના રચનાકાર આ પ્રમાણે છેઃ
૧) સાંખ્ય દર્શન – કપિલ ઋષિ
૨) યોગ દર્શન – પતંજલિ ઋષિ
૩) ન્યાય દર્શન – ગૌતમ ઋષિ
૪) વૈશેષિક દર્શન – કણાદ ઋષિ
૫) પૂર્વમીમાંસા દર્શન – જૈમિનિ ઋષિ
૬) ઉત્તરમીમાંસા (વેદાન્ત) દર્શન -વ્યાસ ઋષિ
પાછળના સમયમાં બીજાં ઘણાં દર્શનશાસ્ત્રો રચાયાં છે, જેમાંથી મોટાભાગનાં વેદ આધારિત હોવાથી વૈદિક તો છે, પરંતુ ઉપર દર્શાવેલ છ દર્શન મૂળભૂત અને પ્રમાણભૂત દર્શન ગણાય છે. આ પ્રત્યેક ગ્રંથો પર અનેક આચાર્યોના સંખ્યાબંધ ભાષ્યગ્રંથો લખાયા છે. તેથી દર્શનોની અનેક શાખાઓ આજે ઉપલબ્ધ છે.ષડદર્શનો બે-બે ની જોડીમાં છે અને ત્રણેય જોડકાં દર્શનો નીચે મુજબ અલગ અલગ દ્રષ્ટિબિંદુ દ્વારા જીવન જીવવાની ફિલસુફી સમજાવે છેઃ
૧) સાંખ્ય-યોગ દર્શનોઃ મનોનિષ્ઠ એટલે કે મનની મારફત -સબ્જેક્ટિવ દ્રષ્ટિબિંદુથી,
૨) ન્યાય-વૈશેષિક દર્શનોઃ વસ્તુનિષ્ઠ એટલે કે વસ્તુ મારફત -ઓબ્જેક્ટીવ દ્રષ્ટિબિંદુથી,
૩) પૂર્વમીમાંસા-ઉત્તરમીમાંસા દર્શનોઃ પારગામી એટલે કે બુદ્ધિથી પર -ટ્રાન્સસેન્ડલ દ્રષ્ટિબિંદુથી,આ દર્શનોમાં બતાવેલ મુખ્ય સિદ્ધાંતો મુજબ સાંખ્ય-યોગ દર્શનો પરિણામવાદી (પરિણામ એટલે પરિવર્તન) છે, ન્યાય-વૈશેષિક દર્શનો પરમાણુવાદી છે, પૂર્વમીમાંસા દર્શન વસ્તુવાદી અને ઉત્તરમીમાંસા દર્શન વિવર્તવાદી (વિવર્ત એટલે મિથ્યા પરિવર્તન) છે.દર્શનશાસ્ત્રોના આસ્તિક દર્શન અને નાસ્તિક દર્શન એવા બે ભાગ પડે છે. આ ભાગો પાડવા માટેના પણ બે માપદંડ છેઃઆસ્તિક દર્શન એટલે કે જેને વેદમાં શ્રદ્ધા છે એવાં દર્શન અને નાસ્તિક દર્શન એટલે જેને વેદ માન્ય નથી એવાં દર્શન, જે અવૈદિક દર્શન પણ કહેવાય છે. આ માપદંડ અનુસાર તમામ છ દર્શનો વેદમાં શ્રદ્ધા ધરાવતા હોવાથી આસ્તિક દર્શનો છે.આસ્તિક દર્શન એટલે જે ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારે છે એવા દર્શન અને નાસ્તિક દર્શન એટલે જે ઈશ્વરના અસ્તિત્વમાં નથી માનતા એવા દર્શન. આ બીજા માપદંડ અનુસાર સાંખ્ય અને પૂર્વમીમાંસા એ બે ઈશ્વરનું અસ્તિત્વ ન સ્વીકારતા હોવાથી નાસ્તિક દર્શન છે.નવાઈ લાગે એવી વાત તો એ છે કે ઈશ્વરમાં અને વેદમાં બંનેમાં ન માનતા હોય તેવાં પણ ત્રણ દર્શન ઉપલબ્ધ છેઃ
૧) જૈન દર્શન
૨) બૌદ્ધ દર્શન
૩) ચાર્વાક દર્શન
હિંદુ સંસ્કૃતિની આ એક જમા બાજુ છે કે તેમાં પોતાના પ્રશંસકોને તો માનવામાં આવે છે, પરંતુ પોતાના તીવ્ર આલોચકોને પણ સાંભાળવામાં અને માનવામાં આવે છે. હિંદુ સંસ્કૃતિ એટલી ઉદાર છે કે તે દરેક દર્શનકારને પોતાના મૌલિક વિચારોની અભિવ્યક્ત કરવાની સંપૂર્ણ મોકળાશ આપે છે. એટલે જ્ઞાનના ક્ષેત્રમાં દર્શન જેવી ટોચની કક્ષાએ પહોંચ્યા હોવા છતાં જે વેદ અને ઈશ્વર બંનેમાં ન માનતા હોય, એવાં દર્શનોને પણ હિંદુ સંસ્કૃતિનાં માન્ય શાસ્ત્ર ગણવામાં આવ્યાં છે.વૈદિકકાળ પછીનો સમય ઉત્તર વૈદિકકાળ ગણાય છે અને તે પછીનો સમય દર્શનકાળ ગણાય છે. દર્શનશાસ્ત્રોના રચનાકાળ અંગે વિદ્વાનો એકમત નથી, પરંતુ ઈસ્વીસન પૂર્વે ૪૦૦ થી ૨૦૦ વર્ષમાં તે રચાયાં હોવાનું અનુમાન છે. તે પછી ઈસ્વીસન ૩૦૦ થી ૧૫૦૦ સુધીમાં કુમારિલ, વાત્સાયન, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય વિગેરે વિદ્વાનોએ આ દર્શનો ઉપર અનેક ભાષ્યગ્રંથો અને ટીકાગ્રંથોની રચના કરી. આ ગ્રંથોમાં દરેક વિદ્વાનોએ પોતપોતાના સ્વતંત્ર મતની સ્થાપના અને અન્ય મતનું ખંડન કરતી ગહન ચર્ચાઓ કરેલ છે.દર્શનો વેદને પ્રમાણ માને છે અને તેના સિદ્ધાંતોનાં બીજ વેદમાં પડેલાં છે.દર્શનોમાં આત્મા (બ્રહ્મ-પરમાત્મા) વિશે વિચાર છે.દર્શનોમાં કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતોનો સ્વિકાર કરેલો છે.સારા કર્મનું સારું ફળ અને ખરાબ કર્મનું ખરાબ ફળ એ સિધ્ધાંતમાં દર્શનો અતૂટ શ્રદ્ધા ધરાવે છે.અજ્ઞાન એ બંધનનું કારણ છે અને જ્ઞાન વડે મનુષ્ય મુક્ત થાય છે તેમ બધાં દર્શનો માને છે. વળી ફક્ત સૈદ્ધાંતિક નહિ, વ્યાવહારિક જ્ઞાનની જરૂરિયાત પણ અગત્યની છે.દર્શનોમાં શુદ્ધ નૈતિક જીવન પર ભાર મુકવામાં આવ્યો છે.દર્શન એ ક્લાસીકલ ગ્રંથ છે. પુરાણોમાં તમારી શંકાઓનું સમાધાન થતું નથી, જયારે દર્શનોમાં શંકાઓનું સમાધાન છે. દર્શનશાસ્ત્ર બૌધિક ભૂખની તૃપ્તિ માટે એટલે કે જીજ્ઞાસુઓ માટે છે. વિજ્ઞાન, ઇતિહાસ અને દર્શન લાગણીમુક્ત હોવા જોઇએ, કારણ કે જો એમાં તમે લાગણી ઉમેરો તો તમે સત્યને ન શોધી શકો. આમ દર્શન એ તટસ્થ ચિંતન છે.માનવજીવનનું અંતિમ લક્ષ્ય સર્વે દુઃખોમાંથી છુટકારો મેળવીને ચિર આનંદ પ્રાપ્ત કરવાનો છે. ભારતીય દર્શનશાસ્ત્રોનું લક્ષ્ય પણ મનુષ્યને દુઃખોના મૂળ કારણરૂપ અજ્ઞાનને દૂર કરીને મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ કરાવવાનું છે. મનુષ્યને પરમેશ્વરનો સાક્ષાત્કાર કરાવવાનું બીજું નામ જ દર્શન છે, જેમાં આ પરમ લક્ષ્ય પ્રાપ્ત કરવાના ત્રણ રસ્તા ભક્તિ, જ્ઞાન અને યોગ બતાવેલ છે.મૂળ દર્શન ગ્રંથો પર અનેક વિદ્વાનોએ ભાષ્ય રચીને પોતપોતાના સ્વતંત્ર મતની સ્થાપના કરી અને આ પ્રક્રિયા ઘણા લાંબા સમય સુધી ચાલતી રહી. જેને પરિણામે દરેક મતના પણ અનેક ફાંટા પડ્યા. સામાન્ય લોકો પોતપોતાની સમજ અને અનુકુળતા પ્રમાણે આ અલગ અલગ મતને અનુસરવા લાગ્યા, જેમાંથી જુદા જુદા સંપ્રદાયો રચાયા. જેમ કે શંકરાચાર્યના કેવલાદ્વૈતને અનુસરનારા શિવ સંપ્રદાય અને વલ્લભાચાર્યના શુદ્ધાદ્વૈતને અનુસરનારા વલ્લભ સંપ્રદાય તરીકે ઓળખાયા. અત્યારે હિંદુ ધર્મમાં અનેક સંપ્રદાયો છે, તે બધાનાં મૂળ આ દર્શનોની વિચારસરણી આધારિત છે. આ હકીકત પરથી દર્શનશાસ્ત્રોની અસર આપણી હિંદુ સંસ્કૃતિ પર કેટલા વ્યાપક પ્રમાણમાં થઇ છે તેનો ખ્યાલ આવે છે. આજે પણ અનેક ગુરુકુળોમાં દર્શનશાસ્ત્રો ભણાવવામાં આવે છે.જીવનનું કોઈપણ ક્ષેત્ર એવું નથી જ્યાં દર્શનના જ્ઞાનનો ઉપયોગ ના હોય. જ્ઞાનના ક્ષેત્રમાં આ જગત શું છે, તેનો નિર્માતા કોણ છે, આત્મા અને પરમાત્માનો સંબંધ શું છે જેવા પ્રશ્નોના જવાબ આપીને દર્શન આપણી જ્ઞાનપિપાસા શાંત કરે છે. વ્યવહારિક ક્ષેત્રમાં જીવનમાં આવી પડતાં દુઃખોનું નિવારણ કઈ રીતે કરવું તેની સમજણ આપે છે. સામાજિક ક્ષેત્રમાં સ્ત્રી-પુરુષનો સંબંધ અને પરિવાર વિશેની ચર્ચા તેમાં છે. નૈતિક ક્ષેત્રમાં જીવનનાં કાર્યો ઉચિત છે કે અનુચિત તેના માપદંડ બતાવે છે. આમ જીવનનાં અનેક ક્ષેત્રોમાં દર્શનના જ્ઞાનનો વ્યાપક પ્રભાવ છે.ઉપનિષદ કાળમાં સાંખ્ય વેદાંત સાથે જોડાયેલું હતું. આદિ વિદ્વાન કહેવાતા મહર્ષિ કપિલે તેને અલગ કરીને ‘સાંખ્યસૂત્ર’ રચના કરી, જેનાથી તે સ્વતંત્ર દર્શન તરીકે મહત્વના પદે પ્રસ્થાપિત થયું.મહર્ષિ કપિલ દ્વારા રચાયેલું આ દર્શન સૌથી પ્રાચીન છે. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે મહર્ષિ કપિલ દ્વારા રચાયેલ મૂળ ગ્રંથ હાલ ઉપલબ્ધ નથી. એટલું જ નહિ, મહર્ષિ કપિલના શિષ્ય આસુરિ અને તેમના શિષ્ય પંચશિખના લખેલા ગ્રંથો પણ હાલ ઉપલબ્ધ નથી.પ્રથમ શતાબ્દીમાં રચાયેલ ઈશ્વરકૃષ્ણની ‘સાંખ્યરિકા’ હાલ સૌથી જૂના ગ્રંથ તરીકે ઉપલબ્ધ છે. માત્ર ૭૨ શ્લોકનો આ નાનો ગ્રંથ આજે સાંખ્યદર્શનનો આધારગ્રંથ મનાય છે. આ દર્શનમાં છ અધ્યાય હોવાથી તે ષડધ્યાયી અથવા ષષ્ઠીતંત્ર નામે પણ ઓળખાય છે. મહર્ષિ કપિલ વિરચિત ‘સાંખ્યસૂત્ર’ નામનો ગ્રંથ હાલ ઉપલબ્ધ છે, પરંતુ તે ૧૬મી શતાબ્દીમાં વિજ્ઞાનભિક્ષુ દ્વારા રચાયેલ છે, તેવું ઘણા વિદ્વાનોનું માનવું છે.સ્થૂળ વ્યાખ્યા મુજબ સાંખ્ય એટલે સંખ્યા. સાંખ્યદર્શન સંખ્યાઓને લઈને મુખ્ય વિષયોનું વર્ણન કરે છે, તેથી તેનું નામ સાંખ્યદર્શન છે. બીજી વ્યાખ્યા મુજબ જેમાં સંખ્યાઓની પ્રધાનતા છે, તે સાંખ્યદર્શન છે.ગહન વ્યાખ્યા મુજબ સાંખ્યનો અર્થ છે વિવેક-વિચાર. આ સંસારમાં પ્રકૃતિ અને પુરુષ (આત્મા) વિશે ઘણું અજ્ઞાન પ્રવર્તે છે. વિવેક-વિચારથી આ અજ્ઞાન દૂર કરીને મોક્ષની પ્રાપ્તિ કરી શકાય છે. સાંખ્યદર્શનમાં વિવેક જ્ઞાન એટલે કે સાંખ્યની પ્રધાનતા હોવાથી તે સાંખ્યદર્શન તરીકે ઓળખાય છે.સાંખ્યદર્શન સૂક્ષ્મવિષયોનું વિવેચન કરે છે, જેમાં કપિલઋષિએ સ્થૂળભૂતોથી આગળ સૂક્ષ્મભૂતો, ઇન્દ્રિયો, અહંકાર, મહતત્વ, પ્રકૃતિ અને પુરુષનું સૂક્ષ્મતાથી વિવેચન કર્યું છે. ચોવીસ પ્રાકૃતિક તત્વો અને પચીસમો પુરુષ (આત્મા), આ પચીસ તત્વોને લઈને ઊંડું તત્વજ્ઞાન આ દર્શનમાં પ્રગટ કરવામાં આવ્યું છે.સાંખ્યદર્શનમાં પુરુષ (આત્મા) અને પ્રકૃતિ (માયા) એ બે જ ભેદ પડેલા હોવાથી તે દ્વૈત દર્શન ગણાય છે. દર્શનોમાં દ્વૈત એટલે બે ભેદમાં માનવાવાળા, અદ્વૈત એટલે જેના બે ભેદ નથી તે અર્થાત આત્મા અને પરમાત્મા એક જ છે તેમ માનવાવાળા તેમ જ અનેક ભેદમાં માનવાવાળા બહુત્વવાદી એમ ઘણા ફાંટા રચાયા છે.સાંખ્યદર્શન તેના સિદ્ધાંતો મુજબ પરિણામવાદી ગણાય છે, જે મુજબ ભૌતિક જગત જ્યાં સુધી દેખાય છે, ત્યાં સુધી તે વાસ્તવિક અને સત્ય હોય છે. પરિણામનો અર્થ વાસ્તવિક પરિવર્તન થાય છે. તેનાથી ઉલ્ટો મિથ્યા પરિવર્તનનો સિધ્ધાંત વેદાંતદર્શનમાં અપનાવવામાં આવ્યો છે, જે મુજબ બ્રહ્મને સત્ય અને જગતને મિથ્યા ગણવામાં આવ્યું છે.પ્રાચીનકાળમાં આ શાસ્ત્રને મોક્ષશાસ્ત્ર ગણવામાં આવતું હતું. મહાભારત, ગીતા, ઉપનિષદો, મનુસ્મૃતિ જેવાં પ્રાચીન તમામ શાસ્ત્રો પર સાંખ્યદર્શનની સ્પષ્ટ અસર જોવા મળે છે. ભગવાન બુદ્ધે પણ સાંખ્યદર્શનનો અભ્યાસ કરેલ હતો.પ્રકૃતિનાં મૂળભૂત તત્વો સત્વ, રજસ અને તમસની વિષમ અવસ્થામાંથી વિશ્વની રચના થાય છે.સત્વગુણ જ્ઞાન અને સુખ આપનાર છે. રજોગુણ ક્રિયાશીલતા અને લોભ આપનાર છે અને તમોગુણ અજ્ઞાન અને દુઃખ આપનાર છે. આત્મા તો બધાના સરખા જ હોય છે. પરંતુ આ ગુણોના પ્રભાવને કારણે કોઈ મહાત્મા બને છે તો કોઈ દુરાત્મા બને છે.સત્વ, રજસ અને તમસ આ ત્રણે ગુણો પ્રકૃતિમાં રહેલા છે. પુરુષ (આત્મા) ખરેખર તો નિર્ગુણ છે, પરંતુ આ બધાં ગુણોના સંગને કારણે તે સત્વગુણી, રજોગુણી અથવા તમોગુણી બની જાય છે. હવે જો પુરુષમાં વિવેકજ્ઞાન જાગે અને તેને સાક્ષાત્કાર થાય કે ‘આ ગુણો તો મારા નથી પણ પ્રકૃતિના છે’ તો તે મુક્તિનો અધિકારી બની જાય છે.પુરુષ (આત્મા) કર્તા નહિ પણ ભોક્તા છે. ભોક્તા બનવાથી તે દુઃખી થાય છે. વિવેકજ્ઞાનથી પુરુષનો મોક્ષ થાય છે. મોક્ષ એ પુરુષમાત્રનું અંતિમ ધ્યેય છે. જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી જન્મ-મરણના ફેરા અને કર્મફળને ભોગવવાનું ચાલુ રહે છે. સાંખ્યશાસ્ત્ર જ સાચું જ્ઞાન હોવાથી આ જ્ઞાન પામીને પુરુષ મુક્ત થાય છે.સત્વ, રજસ અને તમસની ત્રિગુણાત્મક પ્રકૃતિને આધુનિક વિજ્ઞાનનાં ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન સાથે સરખાવવામાં આવે છે.જીવનમાં ત્રણ પ્રકારનાં દુઃખ હોય છે. આધ્યાત્મિક એટલે શારીરિક રોગ અને માનસિક ચિંતા, આધિભૌમિક એટલે અન્ય મનુષ્યો કે પશુઓ દ્વારા થતું દુઃખ અને આધિદૈવિક એટલે કુદરતી આફતોથી વેઠવું પડતું દુઃખ. આ ત્રિવિધ દુઃખોમાંથી મુક્ત થવું એ જીવાત્માનું પરમ લક્ષ્ય છે. પરંતુ ફક્ત ભૌતિક સાધનોની મદદથી આ દુઃખોથી પૂર્ણ રીતે છૂટી શકાતું નથી. જયારે સમાધિ, સુષુપ્તિ અને મોક્ષ આ ત્રણ અવસ્થામાં જીવાત્મા બ્રહ્મની સમાન થઇને દુઃખરહિત થાય છે.પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ મહાભૂતો વિગેરે તત્વોની છણાવટ અહીં કરેલ છે.વિશ્વની રચના પ્રકૃતિએ કરી છે. સાંખ્યશાસ્ત્રને આ માટે ઈશ્વરની આવશ્યકતા જણાતી નથી. આમ સાંખ્યદર્શન સૌથી જૂનું નાસ્તિક દર્શન છે. પાછળથી રચાયેલ જૈન અને બૌદ્ધ દર્શનો પર સાંખ્યશાસ્ત્રની સ્પષ્ટ છાપ જોવા મળે છે.કેટલાક સાંખ્યકાર પ્રકૃતિની સાથે સાથે ઈશ્વરનો પણ સ્વીકાર કરે છે. પરંતુ તેમનો ઈશ્વર જગતનો રચનાકાર, પાલનહાર અને સંહાર કરનાર ઈશ્વર નથી. તેમના મતે આ બધું તો પ્રકૃતિ જ આપોઆપ કરે છે, પરંતુ તે માટેની પ્રેરણા ઈશ્વર દ્વારા મળે છે.સાંખ્ય અને યોગ એ જોડિયાં દર્શન છે. સાંખ્યદર્શન જીવનના સ્વરૂપને સૈદ્ધાંતિક રીતે સમજાવે છે અને જીવનનું લક્ષ્ય મોક્ષની પ્રાપ્તિ છે તે બતાવે છે. જયારે યોગદર્શન આ મોક્ષની પ્રાપ્તિનાં સાધનો અને માર્ગ બતાવે છે.મહર્ષિ પતંજલિ રચિત યોગદર્શન સાંખ્યદર્શનનું જોડિયું દર્શન છે. ૧૯૫ સૂત્રો ધરાવતું આ દર્શન પ્રથમ શતાબ્દીમાં રચાયેલું હોવાનું માનવામાં આવે છે. હાલના પાકિસ્તાનના પેશાવર પાસેના વિસ્તારમાં જન્મેલા મહર્ષિ પતંજલિ રાવલપિંડી પાસે આવેલ મહાન તક્ષશિલા વિદ્યાપીઠના આચાર્ય હતા. બધા ઋષિઓમાં મહર્ષિ પતંજલિ કેટલીક વિશેષતાઓ ધરાવે છે, કારણ કે તેમણે વૈદક, વ્યાકરણ અને યોગ એમ ત્રણ સાવ અલગ પ્રકારના વિષયો પર વિદ્વતાપૂર્ણ અને આધારભૂત ગ્રંથો રચ્યા છે. તેમની પ્રશંસા માટે રચાયેલ આ શ્લોક જૂઓઃ યોગ દ્વારા ચિત્તની શુદ્ધિ, વ્યાકરણ દ્વારા વાણીની શુદ્ધિ અને વૈદક દ્વારા શરીરની શુદ્ધિ – એમ મન, વાણી અને શરીર એ ત્રણેયની શુદ્ધિ કરનાર પતંજલિ ઋષિને કરબદ્ધ નમસ્કાર.‘યોગ’ શબ્દ યુજ ધાતુ પરથી બન્યો છે, યુજ એટલે જોડાવું. અર્થાત્‌ આત્માને પરમાત્મા સાથે જોડવાની ક્રિયાને યોગ કહે છે. એક અન્ય વ્યાખ્યા મુજબ ચિત્તની વૃત્તિઓનો નિરોધ યોગ છે. મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગ દ્વારા ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરીને પરમાત્મા સાથેના જોડાણનો રસ્તો બતાવ્યો છે.યોગસૂત્રો પર આધારભૂત ભાષ્ય વ્યાસ રચિત ભાષ્ય છે. આ વ્યાસ મહાભારતના રચયિતા વ્યાસ નથી. તે ઉપરાંત દસમી શતાબ્દિના વાચસ્પતિ મિશ્રની ભાષ્યની ટીકા તત્વવૈશારદી અને સોળમી સદીના વિજ્ઞાનભિક્ષુનું લખેલું એક વાર્તિક મળી આવે છે. ભોજ રચિત રાજમાર્તંડ નામની વૃતિ અને રામાનંદની મણિપ્રભા નામની ટીકા ઉપરાંત અનેક નાના-મોટા ગ્રંથો રચાયા છે.છ દર્શનોમાં યોગદર્શનનું એક વિશિષ્ટ સ્થાન છે. આ દર્શનમાં યોગનું વાસ્તવિક સ્વરૂપ, યોગનું ફળ, યોગનો ક્રિયાત્મક ઉપાય, યોગના ભેદ અને યોગના ઉપયોગમાં પડતી અડચણો અને તેના નિવારણ અંગે વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. યોગદર્શનનો મુખ્ય વિચાર સાંખ્ય દર્શનની જેમ પરિણામવાદ છે.સાધારણ માણસો તો યોગ એટલે અમુક શારીરિક ક્રિયાઓ એવું જ માનતા હોય છે, પરંતુ મહર્ષિ પતંજલિ રચિત આ દર્શનમાં આ શારીરિક ક્રિયાઓ (યોગાસન)નું વર્ણન તો સાવ નાનકડા ભાગમાં જ છે. તેનો મુખ્ય વિચાર તો એક આદર્શ જીવન પધ્ધતિ દ્વારા મન અને શરીરનું નિયંત્રણ કરીને મોક્ષની પ્રાપ્તિ કરવાનું છે.યોગશાસ્ત્ર મુજબ ત્રણ પ્રકારના સાધકો બતાવ્યા છે. ઉત્તમ સાધકો અભ્યાસ-વૈરાગ્ય દ્વારા, મધ્યમ સાધકો ક્રિયાયોગ દ્વારા અને અધમ સાધકો અષ્ટાંગ યોગ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. જ્યાં સુધી આત્મા શરીર અને મન પર નિયંત્રણ જમાવી ના શકે, ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી અને જ્યાં સુધી શાંતિ મળતી નથી ત્યાં સુધી પ્રજ્ઞા ઉપલબ્ધ થતી નથી. તેથી શરીર, મન તથા ઇન્દ્રિયોની શુદ્ધિ માટે મહર્ષિ પતંજલિએ આઠ સાધનો બતાવ્યાં છે. અષ્ટાંગ યોગ તરીકે ઓળખાતાં આ આઠ અંગો છેઃ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.યમથી પ્રત્યાહાર સુધીનાં પ્રથમ પાંચ અંગો અષ્ટાંગયોગનાં બહિરંગ અંગો છે, જયારે ધારણા, ધ્યાન અને સમાધિ અષ્ટાંગયોગનાં અંતરંગ એટલે કે આંતરિક અંગો છે.યમનો અર્થ છે સંયમ, જે પાંચ પ્રકારથી પાળવાનો હોય છેઃ સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. મહાત્મા ગાંધીજીએ મહર્ષિ પતંજલિના આ નિયમો પોતાની જાત માટે તો સંપૂર્ણપણે અપનાવ્યા જ અને લોકોને પણ તેનું દ્રઢ પાલન કરવાની શીખ આ જાણીતા કાવ્ય દ્વારા આપી હતીઃસત્ય, અહિંસા, ચોરી ન કરવી; વણજોઇતુ નવ સંઘરવું;બ્રહ્મચર્યને જાતે મહેનત; કોઈ અડે ના અભડાવું; નિયમ પણ પાંચ છેઃ શૌચ (શુદ્ધિ), સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણીધાન.આસન એટલે આંતરિક ચેતનાના વિકાસ માટે શરીર સારી રીતે સાથ આપે એ હેતુથી શરીરને કેળવવું તે.પ્રાણાયામ એટલે પ્રાણોની કસરત; શ્વાસ-ઉચ્છવાસની ગતિનું નિયંત્રણ. શરીરમાં રહેલા પાંચ પ્રાણને પ્રાણાયામ કરીને ચિત્તને એકાગ્ર અને મનને પ્રસન્ન રાખવાના હોય છે.પ્રત્યાહારમાં ઇન્દ્રિયોને વિષયોનો આહાર કરતી અટકાવીને અંતરાત્મા તરફ વાળવાની હોય છે.ધારણામાં ચિત્તને કોઈ એક પદાર્થ પર સ્થિર કરી ધ્યેયને ધારણ કરવાનું હોય છે.ધ્યાનમાં જે પદાર્થની ચિત્તમાં ધારણા કરી છે, તેના પર ચિત્તને સ્થિર કરીને લાંબો સમય ટકાવી રાખવાનું હોય છે.સમાધિ એ અષ્ટાંગયોગનું છેલ્લું સર્વોચ્ચ સોપાન છે. સમાધિમાં ચિત્તવૃત્તિનો સંપૂર્ણ નિરોધ થતાં આત્મા પરમાત્મામાં લીન થઇ જાય છે.સામાન્ય અર્થ મુજબ ન્યાય એટલે જુદીજુદી સાબિતીઓની મદદથી કોઈ ઘટના સાબિત કરવી એવો થાય છે. ન્યાયદર્શનમાં પણ એ જ વ્યાપક અર્થમાં ન્યાય એટલે જુદાંજુદાં પ્રમાણોની સહાયથી કોઈ અર્થ કે વસ્તુ-તત્વની પરીક્ષા કરવી એવો થાય છે. બીજા શબ્દોમાં જેની સહાયતાથી કોઈ સિધ્ધાંત પર પહોંચી શકાય તેને ન્યાય કહે છે. આવા ન્યાયનું પ્રતિપાદન (પ્રમાણ આપીને પુરવાર કરવું) કરનારા શાસ્ત્રને ન્યાયદર્શન તરીકે ઓળખવામાં આવે છે. સત્યને જાણવા માટેનાં જ્ઞાનનાં પ્રમાણો (સાધનો)ની વિસ્તૃત ચર્ચા આ દર્શનમાં કરવામાં આવી છે, એટલે આ દર્શન પ્રમાણશાસ્ત્ર પણ કહેવાય છે.ન્યાય કરવા માટે સાબિતીઓ પરથી અનુમાન કરવું પડે છે અને અનુમાન કરવા માટે તે કાર્ય પાછળનો હેતુ જાણવો અગત્યનો હોય છે. તેથી ન્યાયદર્શન હેતુશાસ્ત્ર પણ કહેવાય છે.ન્યાય માટે વકીલો જેમ વાદવિવાદ કરે છે, તેમ ન્યાયદર્શનમાં પણ ‘વાદ’નું મહત્વ છે. વિદ્વાનોની ગોષ્ઠિમાં ગહન વિષયની ચર્ચા-વિચારણા થાય તેને વાદ કહેવામાં આવે છે. તેના પરથી ન્યાયદર્શન વાદવિદ્યા અથવા તર્કશાસ્ત્ર પણ કહેવાય છે.ન્યાયદર્શનના મૂળભૂત ગ્રંથ ન્યાયસૂત્રના રચયિતા ગૌતમઋષિ છે. આ ન્યાયસૂત્રના પાંચ અધ્યાય છે અને દરેક અધ્યાય બે આન્હિકમાં વિભાજીત છે અને તેમાં કુલ ૮૪ પ્રકરણ અને ૫૨૮ સૂત્ર છે. એક મત મુજબ બુદ્ધના સમય પછી એટલે કે ઈ.સ. પૂર્વે ૬૦૦ વર્ષ પછીના સમયમાં તેની રચના થઇ છે. જો કે અન્ય મત અનુસાર આ દર્શન બુદ્ધની પહેલાંના સમયમાં પણ અસ્તિત્વમાં હતું.ન્યાયસૂત્ર પર આચાર્ય વાત્સ્યાયને વિસ્તૃત ભાષ્ય રચ્યું છે, જે ન્યાયસૂત્રનો એકમાત્ર પ્રમાણભૂત આધાર ગ્રંથ છે. વાચસ્પતિમિશ્ર દ્વારા રચાયેલ તાત્પર્યટીકામાં ન્યાયનાં રહસ્યોને સારી રીતે ઉજાગર કરવામાં આવ્યાં છે.દર્શન સાહિત્યમાં ન્યાયદર્શનની સૌથી અગત્યની દેન છે તેની શાસ્ત્રીય વિવેચન પધ્ધતિ. તેને લીધે પ્રમાણની વિસ્તૃત વ્યાખ્યા અને વિવેચન કરીને ન્યાયદર્શને જે તત્વોને પ્રસ્તુત કર્યા છે, તેનો ઉપયોગ અન્ય દર્શનોએ પણ ઘણો કર્યો છે.પંડિતોની સભામાં ન્યાયશાસ્ત્રનું સન્માન ઘણું ઊંચું છે. દરેક પંડિત માટે ન્યાય અને વ્યાકરણ એ બે વિષયોનો અભ્યાસ અનિવાર્ય હોય છે. શાસ્ત્રોના વિદ્યાર્થીઓનું અધ્યયન પણ આ બંને વિષયોના અભ્યાસથી જ શરુ થાય છે.ન્યાયદર્શનમાં ઈશ્વર તત્વનું ઘણું મહત્વ છે. ઈશ્વરના અનુગ્રહ સિવાય જીવ પ્રમેયોનું યથાર્થ જ્ઞાન મેળવી શકતો નથી. ન્યાયદર્શનમાં બાર પ્રકારનાં પ્રમેયો બતાવ્યા છે. ઈશ્વરની કૃપાથી જીવ આ બાર પ્રકારના પ્રમેયોનું જ્ઞાન મેળવીને આ જગતનાં દુઃખોમાંથી છુટકારો મેળવીને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર છે પરંતુ કર્મફળ ભોગવવામાં પરતંત્ર છે. ઘણા મનુષ્યોને સારાં કર્મ કરવા છતાં તેનું સારું ફળ મળતું નથી, કારણકે ફળ ઈશ્વરને આધીન છે અને પૂર્વે કરેલા કર્મોને પણ આધારિત છે. આમ ગીતાના ‘કર્મણ્યે વાધિકારસ્તે’ ના ઉપદેશનાં મૂળ ન્યાયદર્શનમાં છે.ન્યાયદર્શન મુજબ ઈશ્વર આ જગતની રચના, પાલન અને સંહાર કરનાર છે. જો કે આ દર્શનમાં ઈશ્વરનાં સ્વરૂપની વિસ્તૃત ચર્ચા કરેલ નથી, પરંતુ ઈશ્વરના અસ્તિત્વ સાબિત કરવાના અનેક તર્ક રજૂ કરેલ છે.જગતની ઉત્પતિ પરમાણુઓના સંયોજનથી થાય છે, પરંતુ તે માટેનું જરૂરી ચેતન-તત્વ ઈશ્વર દ્વારા પ્રદાન થાય છે. આમ ઈશ્વરની ઈચ્છા અને પ્રેરણાથી જ પરમાણુઓનું સંયોજન શક્ય બને છે.આ દર્શનમાં વિશેષ નામના પદાર્થના ગુણધર્મો સંબંધી દર્શનનું નિરૂપણ કરવામાં આવ્યું હોવાથી તે વૈશેષિક દર્શન તરીકે ઓળખાય છે. સાત જાતના પદાર્થોનું તેમાં વર્ણન હોવાથી આ દર્શન સપ્તપદાર્થી પણ કહેવાય છે.આ દર્શનની રચના કણાદ ઋષિએ કરી છે, જેઓ ઈસ્વીસન પૂર્વે ૨૦૦ વર્ષમાં થઇ ગયા. તેઓ ખેતરમાં પડેલા કણ (અનાજના દાણા) વીણીને ઉદરનિર્વાહ કરતા હતા, એટલે કણાદ તરીકે ઓળખાયા હતા. પરમાણુવાદના પુરસ્કર્તા હોવાથી, પરમાણુ એટલે કણ પરથી તેઓ કણાદ કહેવાયા હોય તેવું પણ શક્ય છે.વૈશેષિક દર્શનમાં દસ અધ્યાય છે અને દરેક અધ્યાયમાં બે આન્હિક છે. કુલ ૩૭૦ સૂત્ર ધરાવતા આ દર્શન પર પ્રાચીન કાળમાં ઘણાં ભાષ્ય તથા ટીકાઓ રચાઈ છે, પરંતુ હાલ તેમાંથી કોઈ પણ ઉપલબ્ધ નથી. અર્વાચીન કાલની જે ટીકાઓ હાલ ઉપલબ્ધ છે, તેમાં પ્રશસ્તપાદની ‘પદાર્થ ધર્મસંગ્રહ’, શ્રીવલ્લભની ‘ન્યાય લીલાવતી’, શિવાદિતમિશ્રની ‘સપ્તપ્રદાર્થ” અને શંકરમિશ્રની ‘કણાદ રહસ્ય’નો સમાવેશ થાય છે.વૈશેષિક દર્શન તેના સિદ્ધાંતો મુજબ પરમાણુવાદી ગણાય છે. કણાદઋષિએ બે કે વધુ વિજાતીય પરમાણુઓના સંયોજનથી પદાર્થો રચાય છે અને તેમાંથી સૃષ્ટિની રચના થાય છે, તેવા સિદ્ધાંતોનું વિસ્તૃત વિવેચન આ દર્શનમાં કરેલું છે. તેથી કણાદઋષિને વિશ્વના સૌ પ્રથમ પદાર્થ વૈજ્ઞાનિક અને પરમાણુ વૈજ્ઞાનિક કહેવા જોઈએ.આ દર્શન અધ્યયન કે શિક્ષણમાં બહુ ઉપયોગમાં લેવાતું ન હોવાથી તેમાં અનેક ત્રુટીઓ રહી ગયેલ છે અને તેમાં અન્ય દર્શનોની જેમ સુધારા-વધારા થયા નથી.વૈશેષિક દર્શનમાં વિશ્વની તમામ વસ્તુઓને સાત જાતના પદાર્થોમાં વહેંચવામાં આવી છેઃ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ. આ સાત પદાર્થોના વાસ્તવિક જ્ઞાનને પ્રાપ્ત કરવાથી મુક્તિ (મોક્ષ) મળે છે.દ્રવ્યોની સંખ્યા કેટલી છે, તેનું સ્વરૂપ કેવું છે, મૂળ પરમાણુમાંથી બનેલાં દ્રવ્યો કેટલાં છે, નિત્ય અને નીરવયવ દ્રવ્યો કેટલાં છે, તેમના ખાસ ગુણધર્મો ક્યા ક્યા છે, વિગેરે વિષયોની વિસ્તૃત છણાવટ આ દર્શનમાં કરવામાં આવી છે અને દ્રવ્ય વિગેરે પદાર્થોના તત્વજ્ઞાનથી મોક્ષ મેળવી શકાય એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.આત્મા અને મન. તે જ રીતે ચોવીસ પ્રકારનાં ગુણ અને ચાર પ્રકારના કર્મનું વર્ણન તેમાં છે.પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ ચાર મહાભૂતોના અંતિમ ભાગને પરમાણુ માનવામાં આવ્યાં છે. આમ અહીં પરમાણુવાદનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પરંતુ સાથે સાથે ઈશ્વરનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે.ઈશ્વરની ઈચ્છાથી બે કે વધુ વિજાતીય પરમાણુઓનું સંયોજન થાય છે અને તે રીતે સૃષ્ટિની રચના થાય છે. જે સમયમાં વૈજ્ઞાનિક પરિક્ષણનાં કોઈ સાધનો ઉપલબ્ધ નહોતાં, ત્યારે આપણા ઋષિઓએ પરમાણુના આ સિદ્ધાંતો રચ્યા હતા, તેના પરથી વૈશેષિક દર્શનની મહત્તા સિદ્ધ થાય છે.વૈશેષિક દર્શન મનુષ્યની બુદ્ધિની નજીક છે અને વસ્તુવાદી છે. તે દ્રશ્યમાન જગતને સત્ય માને છે.મીમાંસા એટલે ઊંડી વિચારણા કરીને તત્વનો નિર્ણય કરવો તે. આ દર્શનમાં વૈદિક કર્મકાંડની વિસ્તૃત ચર્ચાઓ કરેલ છે અને તેના પાલન થકી મુક્તિનો માર્ગ બતાવેલ છે, તેથી તેને મીમાંસાદર્શન કહે છે. મીમાંસાશાસ્ત્રમાં યજ્ઞોનું વિસ્તૃત વિવેચન છે, તેથી તેને યજ્ઞવિદ્યા પણ કહે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here