થાન : કન્ટેનર વિજતારને અડતા પ્રૌઢાનું મોત, ત્રણ મહિલા સારવારમાં

0
14
Share
Share

સુરેન્દ્રનગર, તા.૨૪

થાનમાં રાજીવનગર વિસ્તારમાં રહેતી ચાર મહિલા બાયપાસ રોડ પર આવેલા એક કારખાનેથી બીજા કારખાને જતા ચાર મહિલા મજુર ભરેલા કન્ટેનરમાં વીજતાર અડી જતા શોર્ટ લાગતા એક પ્રૌઢાનું કરૂણ મોત નિપજ્યું છે જ્યારે ત્રણ મહિલા દાઝી જતા સારવાર માટે અત્રે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવના પગલે કન્ટેનરના ચાલકનો આબાદ બચાવ થયો હોવાનુ જાણવા મળ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ થાનમાં રાજીવનગર વિસ્તારમાં રહેતા ભાનુબેન દેવભાઈ વાઘેલા (ઉ.વ.૫૦), રેખાબેન વિનોદભાઈ માત્રાણીયા (ઉ.વ.૨૫), જાનુબેન સુરેશભાઈ સોલંકી (ઉ.વ.૫૦) અને લીલાબેન કમાભાઈ મેર (ઉ.વ.૫૫) ચારેય બાયપાસ પાસે તરણેતર રોડ પર આવેલા ભગવતી ઈન્ડસ્ટ્રી એસ્ટેટ પાસેથી કન્ટેનરમાં બેસી અન્ય કારખાનામાં સામાન ભરવાની મજુરી કામે જવા નીકળ્યા હતા.

તે દરમિયાન જ કન્ટેનરના ચાલકે કન્ટેનર હંકારતા ઉપરથી પસાર થતા વીજતાર કેબીનને અડી જતા ચાલક ઠેકડો મારી ઉતરી ગયો હતો પરંતુ કેબીનમાં બેઠેલા ભાનુબેન વાઘેલા, રેખાબેન માત્રાણીયા, જાનુબેન સોલંકી અને લીલાબેન મેર ગંભીર રીતે દાઝી જતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે અત્રે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગંભીર રીતે દાઝી ગયેલા ભાનુબેન વાઘેલાનુ કરૂણ મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય ત્રણ મહિલા મજુરોને દાખલ કરવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા થાન પોલીસ મથકનો સ્ટાફ અત્રે સિવિલ હોસ્પિટલમાં દોડી જઈ પ્રૌઢાનો મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મજુરી કામ કરવા જતા પ્રૌઢાએ અ-નંતની વાટ પકડતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. ભાનુબેન વાઘેલાને સંતાનમાં પાંચ પુત્રી અને બે પુત્ર હોવાનુ જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here