ત્રાસવાદી સંગઠન પર રોકની અડચણો દૂર થવી જોઇએ

0
16
Share
Share

આ લડાઈમાં બેવડા વલણો ના અપનાવવા જોઇએ, સારા અથવા ખરાબ ત્રાસવાદી નથી હોતા : વિદેશમંત્રી જયશંકર

નવી દિલ્હી, તા. ૧૩

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને કહ્યું કે, આતંકવાદી અથવા આતંકવાદી સંગઠન પર પ્રતિબંધ લગાવવાની પ્રક્રિયામાં રોડા બનવાની પ્રવૃત્તિ બંધ થવી જોઇએ. ભારતે પરોક્ષ રીતે ચીનનું ઉદાહરણ આપ્યું, જેણે જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રયત્નોને વારંવાર નિષ્ફળ કરવાના પ્રયત્નો કર્યા. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, આપણે આ લડાઈમાં બેવડા વલણો ના અપનાવવા જોઇએ. આતંકવાદી આતંકવાદી છે. સારા અથવા ખરાબ આતંકવાદી નથી હોતા. જે આવું માને છે તેમનો પોતાનો એજેન્ડા છે અને જે તેને છુપાવવાનો પ્રયત્ન કરે છે તેઓ પણ દોષી છે.

તેમણે કહ્યું કે, આપણે આતંકવાદને રોકવા અને પ્રતિબંધ મુકવા માટે સમિતિઓના કામકાજમાં સુધારો કરવાનો રહેશે. પારદર્શિતા, જવાબદેહી અને પગલાં ઉઠાવવા સમયની માંગ છે. કોઈ પણ કારણ વગર સૂચિબદ્ધ કરવાના અનુરોધ પર રોક લગાવવાની પ્રવૃત્તિ બંધ થવી જોઇએ. આ આપણી સામૂહિક એકતાની શાખને ઓછી કરે છે. જયશંકર દરખાસ્ત ૧૩૭૩ (૨૦૦૧)ને સ્વીકાર્યા પછી આતંકવાદ સામેની લડતમાં આંતરરાષ્ટ્રીય સહયોગ અને ૨૦ વર્ષમાં આતંકવાદી કૃત્યોને કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટે જોખમ’ વિષય પર યુએનએસસીની મંત્રી બેઠકમાં સંબોધન કરી રહ્યા હતા.

મંત્રીએ આ મહિનામાં ૧૫ સભ્યોની સુરક્ષા પરિષદમાં ભારતના હંગામી સભ્ય તરીકેના બે વર્ષના કાર્યકાળની શરૂઆત પછી પ્રથમ વખત તેને સંબોધન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાંચ સભ્ય સ્થાયી અને ૧૦ અસ્થાયી સભ્ય છે. પાકિસ્તાનમાં વસતા આતંકવાદી અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે ભારતને લગભગ ૧૦ વર્ષ સુધી મથામણ કરવી પડી. પાકિસ્તાનના સદાબહાર સહયોગી ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ૧૨૬૭ અલકાયદા પ્રતિબંધ સમિતિ અંતર્ગત અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રયત્નોમાં વારંવાર રોડા નાંખ્યા.

આખરે મે ૨૦૧૯માં ભારતને મોટી રાજદ્વારી સફળતા મળી, જ્યારે ચીન દ્વારા પ્રસ્તાવ પર રોક હટાવવામાં આવ્યા બાદ સંયુક્ત રાષ્ટ્રએ અઝહરની વિરુદ્ધ પ્રતિબંધ લગાવી દીધો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here