તેનતલાવ ગામના પ્રેમી પંખીડાઓએ ઝાડ પર લટકી જીવન ટુંકાવ્યું

0
19
Share
Share

ચાંદોદ,તા.૨૭
ચાંદોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના તેનતલાવ ગામના પ્રેમી પંખીડાએ લગ્ન નહીં થઈ શકે એવું મનમાં લાગી આવતા સમળાના ઝાડ પર દોરડા વડે ફાંસો ખાઇ આપઘાત કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ચાંદોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રેમી પંખીડાઓના મૃતદેહને ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. ચાંદોદ પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ તાલુકાના તેનતલાવ ગામના લીમડી નવી વસાહતમાં રહેતા કનુભાઈ અંબાલાલ તડવીની દીકરી શ્વેતા ઉ.વ ૨૦ તથા ચંદ્રકાંત રામજીભાઈ તડવીનો દીકરો જતીન ઉ.વ ૧૯ આ બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાના ગાઢ પ્રેમ સંબંધમાં હતા.
પરંતુ એકબીજા સાથે લગ્ન ન થઈ શકે તેમ હોવાથી ૨૫ જાન્યુઆરીના રોજ રાત્રિના બંને ઘરેથી ભાગી ગયા હતા. પરિવારજનો દ્વારા શોધખોળ આદરવામાં છતાં તેઓનો પત્તો લાગ્યો ન હતો. દરમિયાન શનિવારના રોજ તેનતલાવથી માનપુરા ગામ જવાના રોડની બાજુમાં આવેલા ખેતરમાં સમળાના ઝાડ પર દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરેલા હાલતમાં બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.
ઘટના અંગે તેનતલાવના સરપંચ અલ્પેશ તડવી દ્વારા ચાંદોદ પોલીસને જાણ કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્ર પરમાર, ગલાભાઈ માલીવાડ, કોન્સ્ટેબલ દીપક પ્રજાપતિ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંનેના મૃતદેહનો કબ્જો મેળવી પીએમ અર્થે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રેમી પંખીડાઓએ આત્મહત્યા કરી લેતા પંથકમાં અનેકવિધ ચર્ચાઓ સાથે ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ચકચારી ઘટના અંગે આગળની વધુ સઘન તપાસ પીએસઆઇ આર એમ ચૌહાણ ચલાવી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here