પટણા,તા.૨૯
બિહારના રાજદ પક્ષે હાલના મુખ્ય પ્રધાન નીતિશ કુમારને એવી ઑફર કરી હતી કે તમે તેજસ્વી યાદવને મુખ્ય પ્રધાન બનવા દો, હવે પછીની સંસદીય ચૂંટણીમાં અમે તમને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરીશું.
અરુણાચલ પ્રદેશની ભાજપ સરકાર સ્થિર હોવા છતાં અને કોઇ ઇમર્જન્સી નહીં હોવા છતાં ભાજપે ગયા સપ્તાહે અરુણાચલ પ્રદેશમાં જદયુના છ ધારાસભ્યોને ફોડીને ભાજપના સભ્ય બનાવ્યા હતા. આથી નીતિશ કુમાર ગુસ્સે થયા હતા. અગાઉની તેમની નારાજી તો હતીજ . બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે જદયુને ઓછી બેઠકો મળે એવા હેતુથી ભાજપે લોજપના ચિરાગ પાસવાનને ઊભો કર્યો હતો. ભાજપની એ ચાલ સફળ નીવડી હતી.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાજદ સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો હતો. બીજા ક્રમે ભાજપ આવ્યો હતો અને જદયુ ત્રીજા ક્રમે આવ્યો હતો. નીતિશ કુમાર સિવાય કોઇને મુખ્ય પ્રધાન બનાવી શકાય એમ નહોતા એટલે ભાજપે નીતિશનેજ શાસન ધુરા સોંપી હતી. પરંતુ અરુણાચલ પ્રદેશની ઘટનાએ નીતિશને વધુ નારાજ કરી દીધા. કોઇ કારણ વિના અરુણાચલ પ્રદેશના અમારા સભ્યોને કેમ તોડ્યા. નીતિશ કુમારે મુખ્ય પ્રધાનપદ છોડવાની ધમકી સુદ્ધાં ઉચ્ચારી.
આ પરિસ્થિતિનો લાભ લેતા લાગ જોઇને રાજદે સોગઠી મારી. રાજદે નીતિશ કુમારને એવી ઑફર મોકલી કે અમારી સાથે જોડાઇ જાઓ. આપણે ભાજપને રઝળતો કરી દઇએ. તમે તેજસ્વીને મુખ્ય પ્રધાન બનાવો અમે તમને વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવીશું.