કોલકાત્તા,તા.૧૧
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઇ દરરોજ કોઇને કોઇ રાજકીય હોબાળો સામે આવી રહ્યો છે. આ બધાની વચ્ચે બંગાળમાં એક વીડિયો વાયરલ થતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. વાયરલ વીડિયોમાં કલ્યાણ બેનર્જી કહી રહ્યા છે કે સીતાએ ભગવાન રામને કહ્યું કે સારું થયું મારું અપહરણ રાવણએ કર્યું હતું નહીં કે તેમના ચેલાઓએ, નહીં તો મારું હશ્ર (ભાગ્ય) પણ હાથરસ જેવું હોત.
વાત એમ છે કે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બેનર્જી દેવી સીતાને અપમાનજનક ભાષામાં કંઇક કહેતા દેખાઇ રહ્યા છે. હાવડાના ગોળીબારમાં બેનર્જીની વિરૂદ્ધ એફઆઇઆર નોંધાઇ છે. તો ભાજપના નેતા લૉકેટ ચેટર્જીએ કલ્યાણ બેનર્જીના નિવેદનની નિંદા કરી છે. તેમણે કહ્યું કે તે આપણી પરંપરા, મહાભારત, અને રામાયણનું અપમાન કરી રહ્યા છે. જેનો જવાબ તેમને ૨૦૨૧ વિધાનસભા ચૂંટણીમાં મળી જશે.
ભાજમુયો સભ્ય આશિષ જયસવાલે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીની વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવી છે. જયસવાલે કહ્યું કે ટીએમસી સાંસદના નિવેદનથી બંગાળી સમાજ દુઃખી છે. ફરિયાદ નોંધાઇ છે. તેમાં કહ્યું છે કે અમે ઇચ્છીએ છીએ કે તેઓ પોતાના કહેલા નિવેદન પર માફી માંગે.