અબુજા,તા.૨૨
તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ જૉન મગુફુલીએ કેટલાંય મહિનાઓ સુધી પ્રાર્થના દ્વારા કોવિડ-૧૯ને માત આપવાનો દાવો કર્યા બાદ આખરે હવે દેશમાં વાયરસના કેસ હોવાની વાત સ્વીકારી લીધી છે. રાષ્ટ્રપતિ મગુફુલીએ પૂર્વ આફ્રિકન દેશના લોકોને સાવચેતીના ઉપાય કરવાનું અને માસ્ક પહેરવાનો અનુરોધ કર્યો.
મગુફુલીએ મહામારી દરમ્યાન કોવિડ-૧૯ રસી સહિત વિદેશમાં નિર્મિત સામાનોને લઇ ચેતવણી આપી છે. રાષ્ટ્રપતિનું આ નિવેદન જાંજીબારના ઉપરાષ્ટ્રપતિના નિધનના થોડાંક દિવસ બાદ આવ્યું છે. તેમની પાર્ટીએ નેતાના કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ કરી હતી. રાષ્ટ્રપતિના મુખ્ય સચિવનું પણ તાજેતરમાં જ નિધન થયું હતું પરંતુ મોતના કારણનો ખુલાસો કરાયો નથી.
મુખ્ય સચિવના અંતિમ સંસ્કારના અવસર પર મગુફુલીએ અજાણી ‘શ્વસન’ બીમારીમાંથી છૂટકારો મેળવવા માટે ત્રણ દિવસની પ્રાર્થનામાં સામેલ થવાનું આગ્રહ કરું છું. આ નિવેદન રાષ્ટ્રીય પ્રસારક પર શુક્રવારના રોજ પ્રસારિત કરાયું હતું. તાન્ઝાનિયાએ ગયા વર્ષે એપ્રિલથી જ દેશમાં કોવિડ-૧૯ના કેસને લઇ કોઇ માહતી આપી નથી અને રાષ્ટ્રપતિ સતત એ વાતનો દાવો કરતા રહ્યા છે કે તેમણે માત આપી દીધી છે.
તાન્ઝાનિયામાં કોવિડ-૧૯ના સત્તાવાર રીતે ૫૦૯ કેસ છે પરંતુ સ્થાનિક લોકોએ કહ્યું કે કેટલાંય લોકોએ શ્વાસમાં તકલીફ થવાની ફરિયાદ કરી છે અને હોસ્પિટલમાં નિમોનિયાના દર્દી પણ વધ્યા છે. ડબલ્યુએચઓના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનોમે શનિવારના રોજ એક નિવેદનમાં કહ્યું હતું કે તાન્ઝાનિયાએ વાયરસની સમસ્યાનો સ્વીકાર કરવો તેમના નાગરિકો, પાડોશી દેશો અને વિશ્વ માટે ખૂબ સારું રહેશે. ટેડ્રોસે મગુફુલીને ‘આકરી કાર્યવાહી’ કરવાનો પણ અનુરોધ કર્યો હતો.