તાઓવાદ અને ઝેન તત્ત્વજ્ઞાન

0
29
Share
Share

ચાઇનીઝ તત્ત્વચિંતન, તાઓવાદ, ઝેન અને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોના ગૂઢ અભ્યાસી અમેરિકન લેખક રે ગ્રીગનો જન્મ ૧૬-૯-૧૯૩૮ના રોજ થયો હતો એમણે તાઓવાદ અને બૌદ્ધ મત વચ્ચે ક્યાં અને કેવું સામ્ય અને ભેદ છે તેની સુંદર સમજ સરળ શબ્દોમાં આપી છે. આ બન્ને વિચારધારાઓ માનવ જીવનમાં કઈ રીતે ઉપયોગી છે એની વાત એમના અનેક પુસ્તકો પ્રગટ કરી છે. ધ તાઓ ઓફ રિલેશનશીપ, ધ તાઓ ઓફ ઝેન, ધ તાઓ ઓફ બીઇંગ, ધ ન્યુ લાઓત્ઝુ, ધ સેગ્સ વે, ઇકોલોગસ, ઇકોપેથી ઇકોસીડ એ બધા એમના પ્રસિદ્ધ પુસ્તકો છે.’તાઓ’ એ રહસ્યમય, ગૂઢ સિદ્ધાંત છે જે આખા વિશ્વને ’સમ્યક્‌ માર્ગ’ બતાવે છે. પોતાના અસ્તિત્વને પૂરેપૂરૂં પામવા, એને માણવા અને એનો પૂર્ણ વિકાસ કરવા ધ્યાન અને આધ્યાત્મિક સાધના જરૂરી છે. આમાં વુ વેઇ (પ્રયત્નરહિત- આયાસ હીન ક્રિયા) ઝીરાન (પ્રાકૃતિકપણું), ચીન અને યાન્ગ (સ્ત્રી અને પુરુષ શક્તિ) ચી (જીવન ઊર્જા- પ્રાણ શક્તિ) અને વુ (અનસ્તિત્વ) જેવા મહત્ત્વપૂર્ણ વિષયો આવરી લેવાયા છે. આ ગ્રંથો તાત્ત્વિક, મનોવૈજ્ઞાનિક અને જૈવ વૈજ્ઞાનિક આયામોમાં રહેલા રહસ્યોને ઉદ્ધાટિત કરી જીવનનો અને આત્મ-સુખનો સાચો રાહ બતાવે છે.
રે ગ્રીગે એમના પુસ્તકોમાં ’તાઓ- તેહ-કિંગ’ના મૂલ્યવાન જ્ઞાનને પણ સમાવિષ્ટ કર્યું છે.’ધ તાઓ ઓફ રિલેશનશીપ’ આધ્યાત્મિક સંબંધો- સંહિતા છે. સ્વસ્થ સંબંધો કેળવવા પ્રેરણાની પરબ રૂપ બને છે. રે ગ્રીગ કહે છે ’તાઓ’ની જેમ પ્રેમ, સમય અને શબ્દોથી સીમિત થતો નથી. પ્રેમ નિત્ય, શાશ્વત, સનાતન, અમાપ છે. આપણી પાસે ને પાસે, સાથે ને સાથે પ્રત્યેક ક્ષણે પ્રેમ જોડાયેલો છે. એ તમારૂં મૂળ સ્વરૂપ છે. એ તમારૂં જીવન અને કર્મ જ છે. તમે તેનાથી અળગા થઈ શકતા નથી અને તે તમારાથી અળગો થતો નથી. એ આટલો નિકટ છે છતાં એને શોધતાં એ મળતો નથી ! જે જડતો નથી એ ખોવાતો નથી, જે મપાતો નથી તે અમાપ છે. પ્રેમ કેવી રીતે ઓળખાવે કે હું કોણ છું?તમે સ્વયં પ્રેમ સ્વરૂપ છો તો તમે પોતે તમને કેવી રીતે ઓળખાવશો? જેમ તાઓ મૂળ ઊર્જા કે શક્તિ છે તેમ પ્રેમ પણ મૂળ શક્તિ છે. એ વિવિધ રૂપો- નામો જોવા મળે છે.
પ્રેમ અનુભવી શકાય છે પણ વ્યક્ત કરી શકાતો નથી. વ્યક્ત કરો તો પણ એની અનંતતા હોવાના કારણે ઘણો બધા શબ્દોથી વ્યક્ત કરવાનો બાકી જ રહી જાય છે. પ્રેમ કમાઈ શકાતો નથી. પ્રેમ સ્વીકારી લેવાય છે, લેવાતો નથી.તમારા ભૌતિક સ્વરૂપની સાથે સંલગ્ન તમારા આધ્યાત્મિક સ્વરૂપનો પણ વિચાર કરો. થોડો સમય તમારા સ્થૂળ જગતને ભૂલો અને સૂક્ષ્મ જગતમાં પ્રવેશ કરો. કુદરતના સાંનિધ્યમાં રમમાણ થાઓ. એકમેકના ભાવાત્મક સાંનિધ્યની અનુભૂતિ કરો. હવામાં તરો, ધરતીને સ્પર્શો. એની સુગંધ લો, એનો સ્વાદ લો. વિચાર અને ભાવના પાતળા પવનમાં તમારા અહંકારને ઓગાળી અદ્રશ્ય થાઓ. તમે હાડ- માંસનું જીવતું જાગતું પૂતળું માત્ર નથી. તમારી વિશેષતાને જાણો. તમારા મન અને આત્મના ક્ષેત્રમાં જે અપાર સુખ રહેલું છે એના ઉપભોક્તા બનો. તે તમારૂં જ છે તો તમે એનાથી વંચિત શા માટે રહો છો ?
ઇશ્વરે સહજ રીતે સર્જેલા સ્ત્રી- પુરુષના ભેદને જાણો એના નૈસર્ગિક સ્વસ્થ સંબંધને માણો. બન્ને વચ્ચે શારીરિક માનસિક ભાવનાત્મક ભેદ હોવાને કારણે સમ્યક્‌ સંતુલન થવું જરૂરી છે. આ સંતુલન એમની સ્વાભાવિક કુદરતી પૃથક્તાને જાળવી રાખવાની ક્ષમતાથી જ આવે છે. એ પૃથકતામાં પણ ’આત્મિક’ એકતા જળવાઈ રહે ત્યારે સંતુલન ઊભું થાય છે. પુરુષ- સ્ત્રીના યિન- યાન્ગથી જ તાઓની રહસ્યમય સમગ્રતા- એકરૂપતા- એકતા ઉત્પન્ન થાય છે. એ આવે ત્યારે જ પુરુષ અને સ્ત્રીના સંબંધોમાં સ્વસ્થતા આવે છે અને સુખાનુભૂતિ ઉદ્દભવે છે. બન્ને પૂર્ણ સંતુલિત અસ્તિત્વ શરીર- મન- આત્માની એકતાથી જ પામે છે.જીવન યિન અને યાન્ગનો સંમિલિત સુમેળ છે. આમાં ગતિશીલ સમતોલનનો ખ્યાલ સમાયેલો છે. તે ખરેખર કોઈ એક આયામની કાયમી હયાતી નથી, પણ બન્ને વિરોધોના આંતરખેલની નિષ્પત્તિ છે. યિન અને યાન્ગની પર જે અવ્યક્ત શક્તિ છે તે ’તાઓ’ છે. ચીનનું પ્રાચીન તબીબી શાસ્ત્ર કહે છે કે શરીરમાં યિન અને યાન્ગના સંતુલનથી જ સ્વાસ્થ્ય ટકી રહે છે. જ્યાં જ્યાં આ સંતુલન તૂટી જાય છે ત્યાં ત્યાં બીમારી આવી જાય છે.માનવ શરીરને યિન અને યાન્ગના બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. શરીરની અંદરના ભાગોમાં પણ અવયવોને યિન અને યાન્ગના ભેદથી જુદા દર્શાવવામાં આવ્યા છે.આ વિભાગો વચ્ચેનું સંતુલન ચી (પ્રાણશક્તિ – જીવન ઊર્જા)ના સતત પ્રવાહથી થાય છે. એ મેરેડિયન તંત્રમાંથી પસાર થાય છે. દરેક અવયવ સાથે મેરિડિયન એવી રીતે સંકળાયેલું હોય છે કે જેથી યાન્ગ મેરિડિયન યિન અવયવો સાથે અને યિન મેરિડિયન યાંગ અવયવો સાથે જોડાયેલા રહે છે.લાઓ ત્સે ’તાઓ- તેહ- કિંગ’માં લખે છે- જે સ્વયંને અનુકૂળ બનાવશે તેનું રક્ષણ થશે. જે સ્વયંને નમાવી દેશે. તે સરળ બનશે. જે સ્વયંને ખાલી કરી દેશે તે પરિપૂર્ણ બનશે. જે સ્વયંને ઘસાવા દેશે તે પરિપુષ્ટ થશે. જે સ્વયંને વિનયી બનાવશે તે ઉપર ઉઠશે. એટલા માટે જે તત્ત્વદર્શી સરળતાને ધારણ કરે છે તે બીજાને માટે આદર્શ બને છે. તે પોતાનું પ્રદર્શન કરતો નથી એટલે પ્રસિદ્ધ બને છે. આત્મ-સ્તુતિ નથી કરતો એટલે માટે પ્રશંસા પામે છે. તે ગર્વ રહિત હોય છે એટલા માટે એનો આદર થાય છે. તે ઉન્મત નથી હોતો એટલા માટે સન્માન પામે છે. તે બીજાની સાથે પ્રતિસ્પર્ધા નથી કરતો; એટલા માટે એનું કોઈ વેરી નથી રહેતું.રે ગ્રીગે એમના પુસ્તકોમાં સંબંધો, સ્વાસ્થ્ય અને જીવનનું સંતુલન કેવી રીતે કરવું તે પૂર્વના તત્ત્વચિંતનની વિચારધારાને ધ્યાનમાં લઈ સુંદર પ્રકારે સમજાવ્યું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here