મુંબઈ, તા. ૨૮
અમિતાભ બચ્ચને નવા વર્ષને લઈ એક ટ્વીટ કરી હતી, જેમાં એક્ટરે લખ્યું હતું, નવું વર્ષ આવવામાં હવે થોડાંક જ દિવસો બાકી છે, વધુ મુશ્કેલી અનુભવવાની જરૂર નથી, બસ ૧૯-૨૦નો (ઓગણીસ-વીસ) ફરક છે. અમિતાભની આ ટ્વીટ પર ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપે જવાબ આપ્યો હતો. અનુરાગ કશ્યપે કહ્યું હતું, આ વખતે ૧૯-૨૦નો ફરક નથી. સર, આ વખતે બહુ મોટો ફરક છે. હાલમાં તો તમે મહેરબાની કરીને તમારી તબિયતનું ધ્યાન રાખો. તમે તમારા હિસ્સાનું કામ ૯૦ના દાયકામાં જ કર્યું હતું. ત્યારથી તમારી અંદરના બચ્ચનને અમે અમારી અંદર લઈને ફરીએ છીએ. આ વખતે સામે ગબ્બર હોય કે પછી લાયન કે પછી શાકાલ..અમે પણ જોઈશું. અનુરાગ કશ્યપે અમિતાભની ટ્વીટમાં જે જવાબ આપ્યો છે તે કટાક્ષમાં આપ્યો છે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાંથી શાહરુખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, રણબીર કપૂર જેવા સ્ટાર્સ નાગરિકતા સંશોધન કાયદાને લઈ કંઈ જ બોલ્યા નથી. આટલું જ નહીં જામીયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર હિંસા થઈ ત્યારે પણ આ સ્ટાર્સે કોઈ રિએક્શન આપ્યું નથી. અનુરાગ કશ્યપ, સ્વરા ભાસ્કર, હંસલ મહેતા, રિચા ચઢ્ઢા સહિતના સેલેબ્સે નાગરિતા સંશોધન કાયદાનો વિરોધ કર્યો છે અને તેઓ સતત આને લઈને ટ્વીટ કરતાં રહે છે. આટલું જ નહીં અનુરાગ કશ્યપ પાંચ મહિના બાદ ટિ્વટર પર પરત ફર્યો છે. અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો આવતા વર્ષે તેમની ‘ચેહરે’, ‘બ્રહ્માસ્ત્ર’, ‘ગુલાબો સિતાબો’ તથા ‘ઝૂંડ’ જેવી ફિલ્મ રિલીઝ થશે. ૨૯ ડિસેમ્બરે અમિતાભ બચ્ચનનું દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ૨૩ ડિસેમ્બરે ૬૬મો નેશનલ એવોર્ડ સમારંભ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ ગયો.