તંત્રીલેખ….બેરોજગારીમાં વધારો

0
33
Share
Share

તાજેતરના નવા સંશોધનો અને સર્વેક્ષણો બતાવે છે કે શહેરી બેરોજગારીમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. શહેરી જીવનરીતિ જ એવી છે કે એમાં અમુક હદથી વધારે કરકસર લોકોને ફાવતી નથી. કારણ કે અનિવાર્ય ખર્ચ જ બહુ વધારે હોય છે. આજે ખ્યાલ આવે છે કે કરોડોનો નફો અને એનાથીય વધુનો વેપાર કરનારા પ્રાચીન ગુજરાતી વેપારીઓની જીવનશૈલી કેટલી સાદગીપૂર્ણ હતી. તેજી અને મંદી તો બજારનું ચક્ર છે ને એ ફરતું જ રહે છે. એનો પ્રભાવ જીવન પર ન પડે એની સાવધાની રાખવા માટે જ જુની પેઢીઓ સર્વ ઠાઠમાઠથી સદા મુક્ત રહેતી હતી.ભારતીય શહેરી નાગરિકો બેરોજગારીને સૌથી મોટી સમસ્યા તરીકે જોવા લાગ્યા છે. વિદ્યા પ્રવૃત્તિ અને યુનિવસટીઓ પરની તેમની શ્રદ્ધા સાવ ઓસરી ગઈ છે. શહેરી લોકોએ એ રહસ્ય જાણી લીધું છે કે કંઈ પણ ભણતર પૂરું કરો અને ગમે તેટલી શૈક્ષણિક મહેનત કરો તો પણ છેવટે તો તમારે અભ્યાસને આધારે નહિ પરંતુ તમારી પોતાની જુદી જ તાકાતને આધારે નોકરી મેળવવાની છે.આ જુદી જ તાકાત એટલે સાવ બોટમ લાઈનથી કોઈ પણ કામ ઉપાડી લેવાની તૈયારી. એવું પણ નથી કે બજારમાં કામ નથી. કામ છે પરંતુ એને દિલથી કરનારા જવાનો લઘુમતીમાં છે. થોડી ચાલાકી કે ઓવર કોન્ફિડન્સ કે ઊંચી ઊંચી વારતાઓ ક્યાંય ચાલતી નથી. સખત કામ કરવાનું અને ચોકકસ પરિણામો લાવી આપવાના હોય તો જ નોકરીનું સપનું જોઈ શકાય.બેરોજગારી કોઈ પણ દેશ માટે ઉધઈ સમાન હોય છે. કુશળ સત્તાધીશો જો અર્થતંત્રનું પેસ્ટ કન્ટ્રોલ કરી જાણતા ન હોય તો આખો દેશ ભૂકા સ્વરૂપે ફસકી પડે. પચાસથી વધુ દેશો આનો ભોગ બની ચૂક્યા છે. ભારતીય અર્થતંત્રની હાલત બિસ્માર છે. પરંતુ બેરોજગારીની હાલત તેનાથી પણ વધુ કંગાળ છે. ભારતીય અર્થતંત્ર માટે પ્રાર્થના કરી શકાય પરંતુ રોજગારીની સ્થિતિ ઉપર તો દયા ખાવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.એમાં પણ રોજગારની હાલત બે અંતિમ છેડાઓ વચ્ચે પીસાઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારની બેરોજગારી એક અલગ પ્રશ્ન છે અને શહેરીજનો ઉપર લટકતી બેરોજગારીની તલવાર અલગ સવાલ છે. બંને પ્રદેશના યુવાનો અને વયસ્કો જે નોકરી ઉપર પોતાનો ઘરસંસાર ચલાવે છે તે નોકરી પણ અત્યારે તો ડામાડોળ થઈ રહેલા ભારતીય અર્થતંત્રને કારણે અસ્થિરતા અનુભવી રહી છે. નોકરી કરવા કરતા નોકરી ચાલી જવાનો તણાવ ભારતના નોકરિયાતો ઉપર વધુ છે. આઝાદી પછી પહેલી વખત એવો સમય આવ્યો છે જેમાં નોકરી શોધવા માટે અને મળેલી નોકરી હાથમાંથી ચાલી ન જાય એ માટે સમાન કશમકશ કરવી પડે છે.અનેક વિકરાળ પ્રશ્નો અને રાજનેતાઓની ખતરનાક રીતે પથરાયેલી શતરંજ વચ્ચે પણ સિત્તેર ટકા લોકો એમ માને છે કે ભારત અત્યારે સાચા રસ્તે આગળ ધપી રહ્યો છે. જૂન ૨૦૧૭ થી સતત બેરોજગારી દર વધી રહ્યો છે. ઓક્ટોબર ૨૦૧૯ માં બેરોજગારીનો દર સહેજ ઘટયો. તો પણ ૮.૪૫ પટકાના ઊંચા દર સુધી બેરોજગારીનો દર પહોંચી ચુક્યો છે. ૨૦૧૪ થી મોદી સરકાર તખ્તેનશીન છે પરંતુ રોજગારી માટે કોઈ પણ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. છેલ્લા ચાર વર્ષમાં લેબર એમ્પ્લોયમેન્ટ ઘટી છે.વ્હાઇટ કોલર જોબને ચાહતા યુવાનોની સંખ્યા વધતી જાય છે પરંતુ ડિજિટલ ઇન્ડિયાની જેમ એ વચન પૂરું કરવામાં વર્તમાન સરકાર નિષ્ફળ નીવડી છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here