તંત્રીલેખઃ પક્ષપલ્ટુઓ માટે કપરો કાળ

0
15
Share
Share

રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ પક્ષની વંડી ઠેકીને રાજીનામુ ધરી દીધું હતું. જેના પગલે આ બધીય બેઠકો પર પેટાચૂંટણી યોજાનાર છે. રાજ્યસભાની ત્રણેય બેઠકો પર જીત મેળવ્યા બાદ હવે ભાજપની નજર પેટાચૂંટણી પર છે. જોકે, પક્ષપલ્ટુ ધારાસભ્યોને ટિકીટ આપવાના મુદ્દે ભાજપની નેતાગીરી ચિંતિત છે કેમકે, પેટાચૂંટણીમાં મતદારોએ પક્ષપલટુઓ ઘેર બેસાડી દીધા છે. જેના પગલે હવે પેટાચૂંટણીમાં આ રાજકીય સાહસ કરવું ભાજપને મોંઘુ પડી શકે છે. તે જોતાં ભાજપને મતદારો-ભાજપના કાર્યકરોનો મૂડ જાણવા ખાનગી સર્વે કરાવવા નક્કી કર્યું છે.રાજ્યસભાની ચૂંટણી વખતે જ કોંગ્રેસના ધારાસભ્ય મંગળ ગાવિત, પ્રવિણ મારૂ, જે.વી.કાકડિયા , સોમાભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા ,અક્ષય પટેલ, જીતુ ચૌધરી અને બ્રિજેશ મેરઝાએ રાજીનામું ધરી દીધુ હતું. પેટાચૂંટણી માટે ભાજપે અંદરખાને ઉમેદવારની શોધખોળ શરૂ કરી દીધી છે. સૂત્રોના મતે, કોંગ્રેસ છોડી પક્ષપલટો કરનારાં કેટલાંક ધારાસભ્યોને ટિકિટ આપવાનું વચન અપાયું છે.જોકે, કેટલાંક ધારાસભ્યોએ પોતાના અંગત કામો પાર પાડીને પેટાચૂંટણી લડવાથી દૂર રહેવા નક્કી કર્યું છે. હવે સવાલ એ ઉભો થયો છે કે, આ આઠેય બેઠકોમાં મોટાભાગની બેઠકો કોંગ્રેસ તરફી રહી છે. જો પક્ષપલટુને ભાજપ ટિકીટ આપે તો અલ્પેશ વાળી થાય તેવો ભાજપના નેતાઓને ડર સતાવી રહ્યો છે. કોંગ્રેસે પણ રાજ્યસભાની ચૂંટણી વખતે જ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત-કચ્છમાં પક્ષપલટુ ધારાસભ્યો વિરૂધૃધ અભિયાન છેડીને મતદારો-કાર્યકરોને અગાઉથી સતર્ક કરી દીધા છે જેના કારણે ભાજપ નેતાગીરીની ચિંતા વધી છે.આ તરફ, ભાજપના નેતાઓ વિચારી રહયાં છેકે,પક્ષપલટા વખતે ટિકીટનું વચન તો આપી દેવાયું છે પણ ભાજપના કાર્યકરો આ સ્વિકારશે ખરાં. આ ઉપરાંત સ્થાનિક મતદારો ભાજપના આયાતી માલને મત આપશે ખરાં. આ સવાલો ઉઠયાં છે ત્યારે ભાજપે અંદરખાને આ બધીય બેઠકો પર મતદારો અને ભાજપના કાર્યકરોનો મૂડ જાણવા ખાનગી સર્વે હાથ ધરવા નક્કી કર્યુ છે.ખાનગી સર્વેના ફીડબેક બાદ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે જેથી પેટાચૂંટણીમાં ઉમેદવારની પસંદગીમાં કાચુ કપાય નહીં. હાલમાં તો ભાજપના મંત્રીમંડળથી માંડીને સાંસદ, ધારાસભ્યોમાં મોટાભાગના મૂળ કોંગ્રેસીઓ જ છે જેના કારણે ભાજપમાં અંદરખાને તો રોષ ભભૂકેલો જ છે. આ બધીય કવાયત પાછળનું કારણ એ છે કે,જો પેટાચૂંટણીમાં હાર થાય તો પંચાયતો-પાલિકાની ચૂંટણી પર અસર થઇ શકે તેમ છે.ગુજરાત વિધાનસભાની વર્ષ ૨૦૨૨માં યોજાનારી ચૂંટણી પહેલા સેમિફાઇનલ સમાન ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ડિસેમ્બર માસમાં યોજાવાની શક્યતા છે. આ ચૂંટણીનું પરિણામ મુખ્યપ્રધાન રૂપાણી અને પ્રદેશ બીજેપી પ્રમુખ જીતુ વાઘાણીનું ભવિષ્ય નક્કી કરશે.રાજ્યસભાની ચાર બેઠકો માટે બીજેપીના ત્રણ ઉમેદવારો અભય ભારદ્વાજ, રમીલાબેન બારા ,નરહરિ અમીન અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકીએ ઝંપલાવ્યું હતું. જોકે કોંગ્રેસના ૮ ધારાસભ્યોના રાજીનામાં અપાવી દઈને બીજેપીના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતાડવામાં સફળતા મેળવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here