રાજકોટ,તા.૨૨
રાજકોટમાં મનપાની ચૂંટણી કરતા પણ કોઈ ઘટનાએ ચર્ચા જગાવી હોય તો એ છે રાજકોટના કિન્નરો અને ટ્રાન્સજેન્ડર મહિલા પાયલની. થોડા દિવસ પહેલા રાજકોટના ટ્રાન્સજેન્ડર મેહુલ ઉર્ફે પાયલ દ્વારા તેને ડુપ્લિકેટ કિન્નર સમજીને કિન્નરોએ તેનું અપહરણ કરી માર માર્યો હોવાની પોલીસમાં અરજી આપી હતી. ત્યારબાદ બે દિવસ પૂર્વે કિન્નરોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિર્વસ્ત્ર હાલતમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અને આજે ફરી તમામ કિન્નરો એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એકઠા થઇ લેખિત અરજી આપી ન્યાયની માંગ કરી હતી. કિન્નરોનું કહેવું છે કે, ડુપ્લિકેટ કિન્નરના નામે મેહુલ ઉર્ફે પાયલ અસલી કિન્નરોને બદનામ કરે છે જેની સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.
આ બનાવ અંગે કિન્નરોએ જણાવ્યું હતું કે, પાયલ એમ બોલે છે કે અમે તેને ઢોર માર માર્યો એ વાત સાવ ખોટી છે, અમે એને કંઈ નથી કર્યુ અને આ વાતના સાબિતી અમારી પાસે છે, એટલે જ અમે પોલીસને લેખિતમાં અરજી કરવા આવ્યા છીએ કે આવા ખોટા લોકોનું રક્ષણ ન કરો. અમારું અમારા સમાજ સિવાય બીજું કોઈ નથી માટે અમારો સાથ આપો. રાજકોટમાં રહેતા દરેક કિન્નરો પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા. તેઓએ જણાવ્યું હતું કે, અમારા વિરુદ્ધ ઈન્ટરનેટમાં અને સોશિયલ મીડિયામાં જે વાઇરલ થઈ રહ્યું છે એ બધું તદ્દન ખોટું છે,
અમારા સમર્થનમાં માત્ર અમે લોકો જ છીએ અને આ પાયલ વ્યક્તિ જ ખોટો છે, માટે અમે સૌને વિનંતી કરીએ છીએ કે સોશિયલ મીડિયામાં અમારા વિરુદ્ધ બધુ ખોટું વાઇરલ થાય છે એના પર વિશ્વાસ ન કરો. વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ગોંડલ ચોકડી અને ગ્રીનલેન્ડ ચોકડીએ આવા ૧૦થી ૧૨ ડુપ્લિકેટ કિન્નરો ફરે છે, આનાથી અમારો સમાજ બદનામ થાય છે, જે લોકો ખોટા કિન્નર બનીને ફરે છે એમને દંડ તો થવો જ જોઈએ.