ડિસેમ્બરમાં નવા સંસદ ભવનનું ભૂમિ પૂજન, બે વર્ષમાં તૈયાર થશે

0
24
Share
Share

આ કામગીરી દરમિયાન સંસદના સત્રો અવરોધ વગર ચાલુ રહે તેવા પગલાં લેવાશે : અત્યાધુનિક ભવન બનશે

નવી દિલ્હી, તા. ૨૪

નવા સંસદ ભવનનું બાંધકામ ડિસેમ્બરમાં શરૂ થશે અને ૨૦૨૨ની દિવાળી વખતે આ ઇમારત તૈયાર થઈ જવાનો અંદાજ છે. લોકસભા સેક્રેટેરિયેટે જણાવ્યું હતું કે, સૂચિત ગાળામાં સંસદના સત્રો અવરોધ વગર ચાલુ રહે તેના તમામ પગલાં લેવાયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નવા સંસદભવનના બાંધકામ વખતે હવા અને અવાજનું પ્રદૂષણ નિયંત્રિત કરવાના પૂરતા પગલાં પણ લેવાયા છે. નવા સંસદ ભવનમાં તમામ સાંસદોને અલાયદી ઓફિસ મળશે અને ‘પેપરલેસ ઓફિસ’ના ભાગરૂપે તે લેટેસ્ટ ડિજિટલ ઇક્વિપમેન્ટ્‌સ અને ટેક્નોલોજીથી સજ્જ હશે. નવી ઇમારતમાં ભારતનો લોકશાહી વારસો દર્શાવવા ભવ્ય ‘બંધારણ હોલ’નું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત, તેમાં સ્ઁજ માટે લાઉન્જ, લાઇબ્રેરી, વિવિધ સમિતિઓના રૂમ, ભોજન માટે મોટી જગ્યા અને પૂરતી પાર્કિંગ સ્પેસ હશે.

નવા સંસદ ભવનનું ભૂમિ પૂજન ડિસેમ્બરમાં થવાની શક્યતા છે. જેમાં અન્ય રાજકીય હસ્તીઓ અને અધિકારીઓ સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાની ધારણા છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું કે, “નવા સંસદ ભવનના નિર્માણમાં ગુણવત્તા અને સમયસર કામ પૂરી કરવાની બાબતે કોઈ સમાધાન કરવામાં નહીં આવે.” નિર્માણ કાર્ય પર દેખરેખ રાખવા વિશેષ સમિતિની રચના કરવામાં આવશે. જેમાં લોકસભા સેક્રેટેરિયેટ, હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલય, સીપીડબલ્યુડી, એનડીએમસી તેમજ પ્રોજેક્ટના આર્કિટેક્ટ કે ડિઝાઇનરનો સમાવેશ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને ટાટા પ્રોજેક્ટ્‌સે નવા સંસદ ભવનના પ્રોજેક્ટની રૂ.૮૬૧.૯૦ કરોડની બિડ જીતવામાં સફળતા મળી હતી. નવા સંસદભવનના લોકસભા ચેમ્બરમાં ૮૮૮ સભ્યોની ક્ષમતા હશે. જ્યારે રાજ્યસભામાં ૩૮૪ સભ્યો બેસી શકશે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં મળેલી સમીક્ષા બેઠકમાં સંસદના બંને ગૃહમાં સભ્ય સંખ્યાની વૃદ્ધિને ધ્યાનમાં રાખીને નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અત્યારે લોકસભાની સભ્ય સંખ્યા ૫૪૩ છે. જ્યારે રાજ્યસભાના સભ્યોનો આંકડો ૨૪૫ છે. સંસદની વર્તમાન ઇમારત બ્રિટિશ શાસન સમયની છે. જેની ડિઝાઇન એડવિન લ્યુટ્યન્સ અને હર્બર્ટ બેકર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ બંને નિષ્ણાતોએ જ નવી દિલ્હીનું નિર્માણ અને આયોજન કર્યું હતું. વર્તમાન સંસદ ભવનનો પાયો ૧૨ ફેબ્રુઆરી, ૧૯૨૧ના રોજ નાખવામાં આવ્યો હતો અને તેના બાંધકામને છ વર્ષ લાગ્યા હતા. એ સમયે સંસદની ઇમારતનો બાંધકામ ખર્ચ રૂ.૮૩ લાખ થયો હતો. ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા લોર્ડ ઇરવિને ૧૮ જાન્યુઆરી, ૧૯૨૭ના રોજ તેનું ઉદ્‌ઘાટન કર્યું હતું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here