ડાયમંડ સિટી સુરતમાં એક જ દિવસમાં હત્યાની ત્રણ ઘટના, પોલીસ દોડતી થઈ

0
29
Share
Share

સુરત,તા.૧૧
ડાયમંડ સિટી સુરતમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં એક જ દિવસમાં હત્યાની ત્રણ ઘટનાઓ સામે આવી છે, જેને પગલે પોલીસ દોડતી થઈ છે. મળતી માહિતી પ્રમાણે રવિવારે શહેરના સહરા દરવાજા પાસે એક મહિલા, લિંબાયતમાં એક યુવક તેમજ ગોડાદરામાં યુવાનની હત્યાથી ચકચાર મચી ગઈ છે. હત્યાના બનાવને પગલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ શહેરના સહારા દરવાજા પાસે ઝુંપડપટ્ટીમાં ૬ લોકોના ટોળાએ એક મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી હતી. ઝુંપડપટ્ટીમાં ૫૪ વર્ષીય ગૌરીબેન તેમના પુત્ર સાથે રહેતા હતા. ૫ મહિના પહેલા ગૌરીબેનની ત્યાં જ રહેતા તરૂણ નામના શખ્સ સાથે બબાલ થઈ હતી. ગૌરીબેન ગઈકાલે બપોરે તરૂણ સાથે વાતચીત કરવા ગયા ત્યારે તેણે તેના સાગરીતો સાથે મળીને ગૌરીબેનની હત્યા કરી નાખી.
મળતી માહિતી પ્રમાણે ગોડાદરામાં માનસરોવર સોસાયટીમાં રહેતા સુરેશ ચૌધરીની રવિવારે ગોડાદરા સંકટ મોચન હનુમાન મંદિરની પાસે ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરાઈ હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, સુરેશ મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ગોલુ અને તેની ટોળકીએ સુરેશ પર ચપ્પુ વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. માહિતી મુજબ જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
શહેરના લિંબાયત વિસ્તારમાં પણ મોડીરાત્રે એક યુવકની હત્યા થતાં પોલીસ દોડતી થઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે બે અજાણ્યા શખ્સોએ એક યુવકને ચપ્પાના ઘા મારીને રહેંસી નાખ્યો હતો. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયતના જલશા બાવાની દરગાહ પાસે મોહસીન સલીમ ખાનની તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને હત્યા કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here