ટ્રમ્પનો મોટ ઝટકોઃ મહાભિયોગની પ્રક્રિયા શરુ, આજે મતદાન

0
14
Share
Share

વોશિંગ્ટન,તા.૧૨

ડેમોક્રેટિક પાર્ટીના ત્રણ સાંસદોએ સોમવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ દાખલ કર્યો છે. સાંસદોએ તેમના પર આરોપ લગાવ્યો કે તેઓ તેમના સમર્થકોને છેલ્લા અઠવાડિયે કેપિટલ બિલ્ડિંગ (યુએસ સંસદ)માં હિંસા ભડકાવવા માટે ઉશ્કેરતા હતા. આ પ્રસ્તાવ સાંસદ જેમી રસ્કિન, ડેવિડ સિસિલીન અને ટેડ લ્યુ દ્વારા લાવવામાં આવ્યા છે અને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના ૨૧૧ સભ્યો દ્વારા તેને ટેકો મળ્યો છે. આ દરખાસ્ત પર આવતી કાલે મતદાન લેવામાં આવશે.

મીડિયામાં બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, આ પ્રસ્તાવના પગલે ૬ જાન્યુઆરીએ નિવૃતમાન રાષ્ટ્રપ્રમુખ પર ’દેશદ્રોહ માટે ભડકાવવાનો’ આરોપ મૂકાયો છે. તેમાં ઉમેર્યું હતું કે, જ્યારે ઈલેક્ટોરલ કોલેજની મત ગણતરી થઈ રહી હતી ત્યારે ટ્રમ્પે તેમના સમર્થકોને કેપિટલ બિલ્ડિંગ (સંસદ સંકુલ) પર ઘેરાબંદી માટે ઉશ્કેર્યા હતા અને લોકોએ હુમલો કર્યો હોવાથી મત ગણતરીની પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી.

આ ઘટનામાં પોલીસ અધિકારી સહિત પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતા. રિપબ્લિકન સાંસદોએ સોમવારે સદનમાં ડેમોક્રેટિક સભ્યોની વિનંતીને નકારી કાઢી હતી, જેમાં ટ્ર્‌મ્પને રાષ્ટ્રપ્રમુખ પદ પરથી હટાવવા માટે ઉપરાષ્ટ્રપ્રમુખ પેંસને ૨૫માં સંશોધનને લાગુ કરવા માટે આહ્વાન અને સર્વસંમતિની માંગ કરવામાં આવી હતી.

સત્તાના દુરુપયોગના આરોપમાં ટ્રમ્પ સામે પ્રતિનિધિ સભામાં ડિસેમ્બર ૨૦૧૯માં મહાભિયોગ પ્રસ્તાવ પસાર થયો હતો. ટ્રમ્પની સામે ભ્રષ્ટાચારોના આરોપોની ઘણા સપ્તાહ સુધી તપાસ થયા બાદ ડેમોક્રેટિક પાર્ટીની બહુમતીવાળી પ્રતિનિધિ સભાએ પ્રેસિડન્ટ પર ડિસેમ્બરમાં પદના દુરુપયોગ અને કોંગ્રેસ (સંસદ)ની કાર્યવાહીમાં અડચણ ઊભી કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, બે સપ્તાહ બાદ ચાલેલી સુનાવણી બાદ સેનેટમાં આ આરોપોને ફગાવી દેવાયા હતા.

કેલિફોર્નિયાના પૂર્વ ગવર્નર આર્નોલ્ડ શ્વાઝેંનેગરે યુએસ કેપિટલમાં ટ્રમ્પ સમર્થકોના હંગામા અને હિંસાની સરખામણી નાઝીઓ સાથે કરી છે અને ટ્રમ્પને એક નિષ્ફળ નેતા જણાવ્યા છે, જે ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી ખરાબ પ્રેસિડન્ટ તરીકે ઓળખાશે. રિપબ્લિકન નેતાએ રવિવારે સોશિયલ મીડિયા પર એક વિડીયો રીલિઝ કરી કહ્યું કે, બુધવારે અમેરિકામાં જે પણ થયું તેને નાઝીઓના નાઈટ ઓફ બ્રોકન ગ્લાસની યાદ અપાવી દીધી. વર્ષ ૧૯૩૮માં નાઝીઓએ જર્મની અને ઓસ્ટ્રેલિયામાં હુમલા દરમિયાન યહુદીઓના ઘરો, સ્કૂલો અને વેપારી સંસ્થાઓ પર તોડફોડ કરી હતી, જેને ’ક્રિસ્ટલનાટ કે નાઈટ ઓફ બ્રોકન ગ્લાસ’ કહેવાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here