ટેક્સ ચોરી અંગે ઓનલાઈન જાણકારી આપી શકાશે

0
23
Share
Share

ઈ-ફાઈલિંગ પોર્ટલ ઉપર ઇન્કમ ટેક્સ ચોરીની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રખાશે, ઈનામ પણ મળશે

નવી દિલ્હી, તા. ૧૩

દેશમાં નાના મોટા અનેક વેપારીઓ ટેક્સ ચોરી કરતા હોવાનું ઘણીવાર ઇન્કમ ટેક્સની રેડમાં સામે આવ્યું છે. હવે આ ટેક્સ ચોરીને ઓછી કરવા માટે સીબીડીટીએ કહ્યું છે કે ’કરચોરી અથવા બેનામી સંપત્તિ હોલ્ડિંગ અંગેની માહિતી આપતી લિંક’ પર જઈને જો કઈ વ્યક્તિ આ અંગે જાણ કરશે તો તેની ગુપ્તતા જાળવવામાં આવશે અને તેને ઇનામ આપવામાં આવશે. આ માટે ઇ-ફાઇલિંગ પોર્ટલ https://www. income taxindiaefiling.gov.in શરૂ કરવામાં આવી છે. આ નવી સુવિધામાં કોઈપણ વ્યક્તિ ’બાતમીદાર’ પણ બની શકે છે અને તે ઈનામ મેળવવા માટે પણ હકદાર રહેશે.

વધુ વિગતે જણાવીએ તો, આવકવેરા વિભાગે નવી ’ઓનલાઈન’ સુવિધા શરૂ કરી છે, જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ સરકારને ગેરકાયદેસર સંપત્તિ, બેનામી સંપત્તિ અથવા વિદેશમાં કોઈપણ વ્યક્તિ અથવા કંપનીની કરચોરી અંગેની માહિતી આપી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ મંગળવારે આ વાત કહી. સીબીડીટીએ જણાવ્યું છે કે તેના ઈ-ફાઇલિંગ પોર્ટલ https://www. income taxindiaefiling.gov.in  પર, ’કરચોરી અથવા બેનામી સંપત્તિ હોલ્ડિંગ વિશે માહિતી આપતી કડી’ સોમવારે ખુલી ગઈ છે. આ સુવિધા હેઠળ, જે વ્યક્તિ પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) અથવા આધાર નંબર ધરાવે છે અથવા જેની પાસે પાન અથવા આધાર પણ નથી, તે ફરિયાદ નોંધાવી શકે છે. આ ઓનલાઇન સુવિધામાં, ઓટીપી આધારિત કાયદેસરતાની પ્રક્રિયા હેઠળ કોઈ પણ વ્યક્તિ આવકવેરા કાયદો ૧૯૬૧ના ઉલ્લંઘન, અપ્રગટ મિલકત કાયદો અને બેનામી ટ્રાંઝેક્શન અવગણના કાયદાના અંતર્ગત ત્રણ જુદા જુદા સ્વરૂપોમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. ફરિયાદ નોંધાયા પછી, વિભાગ દરેક ફરિયાદ માટે એક અનોખો નંબર આપશે અને તેનાથી ફરિયાદી આ વેબલિંક પર પોતાના દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવી છે તેની સ્થિતિ જોઈ શકશે. આ નવી સુવિધામાં, કોઈપણ વ્યક્તિ ’બાતમીદાર’ પણ બની શકે છે અને તે ઈનામ માટે પણ હકદાર રહેશે. હાલમાં અમલમાં આવેલી યોજના મુજબ બેનામી સંપત્તિના મામલામાં એક કરોડ રૂપિયા અને કાળા નાણાં વિદેશમાં રાખવા સહિતના કરચોરીના મામલામાં પાંચ કરોડ રૂપિયા સુધી આપવાની જોગવાઈ છે. આ પોલિસી પર કામ કરનારા બોર્ડ (સીબીડીટી)ના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે બેનામી સંપત્તિના મામલે બાતમીદારને ઓછામાં ઓછી ૧૫ લાખ અને વધુમાં વધુ ૧ કરોડની ઇનામી રકમ આપવામાં આવશે. જ્યાર વિદેશમાં બ્લેક મની મામલે જાણકારી આપનાર વ્યક્તિને વધુમાં વધુ ૫ કરોડ રુપિયા સુધીનું ઈનામ મળી શકે છે. અધિકારીએ જણાવ્યું કે બેનામી સંપત્તિની જાણકારી એકદમ સ્પષ્ટ હોવી જોઇએ તેમજ માહિતી આપનારની જાણકારી ગુપ્ત રાખવામાં આવશે.

ગત વર્ષે બેનામી સંપત્તિ સામે જે નિયમ લાવી હતી તેમાં આ પ્રકારનો કોઇ ઉલ્લેખ ના હતો. જોકે, આ પહેલા પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, ડીઆરઆઇ પહેલા ગુપ્ત બાતમી આપનારને ઈનામ આપતાં હતા પરંતુ આટલી મોટી રકમ પહેલીવાર આપવામાં આવશે. બેનામી સંપત્તિ રાખનારની ભાળ મેળવવી એ ટેક્સ અધિકારીઓ અને પ્રશાસન માટે ખુબ મુશ્કેલ કામ હોય છે. એક વરિષ્ઠ સીબીડીટી અધિકારીએ જણાવ્યું કે,’જો અમે બાતમીદારની મદદ લઇએ તો આ કામ ઝડપથી અને અસરદાર રીતે થાય છે. જાણકારી આપનારને પણ ઇનામ મળશે. આવું કરવાથી દેશભરમાં બેનામી સંપત્તિ રાખનારની મુશ્કેલી વધશે.’

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here