ન્યુ દિલ્હી,તા.૨૨
ટૂલકિટ કેસમાં ધરપકડ કરાયેલ પર્યાવરણીય કાર્યકર દિશા રવિની ન્યાયિક કસ્ટડી સમાપ્ત થવા પર સોમવારે પટિયાલા હાઉસ કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડો.પંકજ શર્માની કોર્ટમાં રજૂ કરી. આ દરમિયાન દિલ્હી પોલીસે કોર્ટમાંથી દિશા રવિના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, આ આદેશને ફગાવીને કોર્ટે દિશાને ફક્ત એક દિવસના રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો હતો.
મળતી માહિતી મુજબ શુક્રવારે નીચલી અદાલતે દિશા રવિના પાંચ દિવસના પોલીસ રિમાન્ડની મુદત પુરી થયા બાદ તેને ત્રણ દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપી હતી. દિશાને શનિવારે ૧૩ ફેબ્રુઆરીએ બેંગલુરુથી દિલ્હી પોલીસના સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. દિશા ઉપર રાજદ્રોહ અને અન્ય આરોપો હેઠળ કેસ દાખલ કરાયો છે.
શનિવારે દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં દિશા રવિની જામીન અરજી સામે વિરોધ નોંધાવ્યો હતો, અને આક્ષેપ કર્યો હતો કે તે આ દસ્તાવેજ (ટૂલકિટ) ખાલિસ્તાન સમર્થકો સાથે તૈયાર કરી રહી છે. તે જ સમયે, તે ખેડૂત પ્રદર્શનની આડમાં ભારતને બદનામ કરવા અને દેશમાં અશાંતિ ફેલાવવાના વૈશ્વિક ષડયંત્રનો ભાગ હતી.