ટાટા જૂથ અને શાપૂરજી પલોનજી વચ્ચે વધુ વકરતો જતો વિવાદ : ૭૦ વર્ષના લાંબા ગાળાના સબંધોને ઠેસ પહોંચશે

0
27
Share
Share

મુંબઈ, તા. ૨૩

ટાટા જૂથના સૌથી મોટા શેરધારક મિસ્ત્રી ફેમિલી ટાટા જૂથથી અલગ થઈ જશે. રોકડની ખેંચમાંથી પસાર થઈ રહેલા મિસ્ત્રી ફેમિલીના શાપૂરજી પલોનજી ગ્રૂપે ટાટાના શેર્સ ગીરવે મૂકી ભંડોળ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જેને ટાટા જૂથે અટકાવી દીધો હતો. આ પગલાથી નાખુશ મિસ્ત્રી ફેમિલીએ ટાટા જૂથથી અલગ થવાનો નિર્દેશ આપ્યો છે.

ટાટા સન્સે મંગળવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, શાપૂરજી પલોનજી ગ્રૂપને દેવું ચૂકવવા નાણાંની જરૂર હોય તો તે મિસ્ત્રી ફેમિલી પાસેનો ટાટા સન્સનો ૧૮ ટકા હિસ્સો ખરીદવા તૈયાર છે. જોકે, શાપૂરજી પલોનજી ગ્રૂપે ટાટા સન્સના શેર્સને ગીરવે મૂકી ભંડોળ એકત્ર કરવાની ઇચ્છા દર્શાવી હતી. ટાટા જૂથના મતે આવું કરવાથી શેર્સ અયોગ્ય રોકાણકારોના હાથમાં જવાની આશંકા છે, જે ગ્રૂપ માટે જોખમી હશે.

ટાટાના પગલાના જવાબમાં શાપૂરજી પલોનજી ગ્રૂપે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કોઇ પણ પ્રકારના નુકસાનની શક્યતા નહીં હોવા છતાં ટાટા સન્સ દ્વારા ભંડોળ મેળવવાની પ્રક્રિયાને અટકાવવાનું પગલું તેમની બદલો લેવાની માનસિકતા દર્શાવે છે. શાપૂરજી પલોનજી અને ટાટા વચ્ચેનો સંબંધ ૭૦ વર્ષ જૂનો છે. તે પરસ્પર વિશ્વાસ, એકબીજા માટે સારી ભાવના અને મિત્રતાના પાયા પર બંધાયેલો છે. આજે મિસ્ત્રી ફેમિલી ભારે હૈયે એવું માને છે કે, હવે બંનેના હિતને અલગ કરવા તમામ હિસ્સેદારોના હિતમાં છે.” જોકે, શાપૂરજી પલોનજી જૂથે બંને જૂથના અલગ થવા બાબતે વધુ માહિતી આપી ન હતી. ટાટા સન્સના પ્રતિનિધીએ પણ આ બાબતે કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો.શાપૂરજી ગ્રૂપે સુપ્રીમ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે ટાટા ગ્રૂપથી અલગ પડવું જરૂરી બન્યું છે કારણ કે કાનૂની વિવાદ વધારે ચાલશે તો જીવનગુજારા અને અર્થતંત્ર પર અસર થઇ શકે  છે. ૨૦૧૬ના ઓક્ટોબરમાં સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સને ચેરમેનપદેથી હાંકી કઢાયા હતા. તે પછી ૨૦૧૬ ડિસેમ્બરથી મિસ્ત્રી ગ્રૂપ અને ટાટા ગ્રૂપ વચ્ચે કાનૂની લડાઇ શરૂ થઇ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here