ટંકારા તથા જામજોધપુર પંથકમાં જુગારની કલબ ઝડપાઈ, ૧૫ શખ્સો ૫૨.૫૦ લાખનાં મુદામાલ સાથે ઝડપાયા

0
44
Share
Share

રાજકોટ, તા.૧૭

રાજ્યભરમાં શ્રાવણીયા જુગારધામો પર પોલીસ દરોડા પાડી રહી છે ત્યારે ટંકારા નજીકથી મોટા પાયે ચાલતી જુગાર કલબ ઝડપાઈ છે. અહીં આરઆર સેલ રાજકોટે રેડ કરી ૨૫.૪૪ લાખથી વધુની રોકડ સાથે ૭ ને પકડી લીધા છે. દરોડા દરમિયાન ૮ મોબાઈલ ફોન, ૨ કાર મળી ૫૦.૮૪ લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બીજા દરોડામાં જામજોધપુરના મોટીગોપ ગામે વાડીમાં ધમધમતી જુગાર કલબ ઝડપાઈ હતી ત્યાંથી ૅ.૫ લાખની રોકડ સાથે ૮ પતાપ્રેમી દબોચાયા હતા.

પ્રથમ દરોડાની મળતી વિગત મુજબ રાજકોટ રેન્જની રીડર બ્રાંચને બાતમી મળી હતી કે ટંકારા પોલીસ મથકના વિસ્તારમાં આવતા સજ્જનપર ગામ નજીક ધૂનડા રોડ પર એક રહેણાંક મકાનમાં મોટાપાયે જુગાર કલબ ધમધમી રહી છે. આ અંગે ડી.આઈ.જી.પી. સંદીપસિંહને વાકેફ કરતા તેઓએ તુરંત રેઈડ કરવા સુચના આપી હતી. આરઆર સેલના પીએસઆઈ જે.એસ.ડેલા હેડ કોન્સ્ટેબલ રસીકભાઈ પટેલ, કોન્સ્ટેબલ શિવરાજભાઈ ખાચર સહિતની ટીમે બાતમીવાળા સ્થળે દરોડો પાડયો હતો. જ્યાં ધવલ ભગવાનજીભાઈ છાત્રોલા પોતાના રહેણાંક મકાનમાં નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોવાનુ સામે આવ્યું હતુ. ધવલ ઉપરાંત દરોડા દરમિયાન બાબુભાઈ રૂગનાથભાઈ ભાડજા, જીવરાજભાઈ મેઘજીભાઈ મોસાણ, હર્ષદ ભાણજીભાઈ સંઘાણી, પંકજ જેન્તીભાઈ છત્રોલા, રજનીકાંત ભવાનભાઈ જીવાણી, મહેશ રૂગનાથભાઈ કુંડારીયા પણ પતાટીચતા ઝડપાયા હતા.

દરોડામાં રૂા.૨૫ લાખ ૪૪ હજાર ૧૦૦ ની રોકડ રૂા.૪૦ હજારની કિંમતના ૮ મોબાઈલ ફોન, ૨૫ લાખની કિંમતની ૨ કાર મળી રૂા.૫૦ લાખ ૮૪ હજાર ૧૦૦ નો મુદામાલ કબ્જે કરી ધારાધોરણ મુજબ ટંકારા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.

બીજા દરોડામાં બાતમીના આધારે પીએસઆઈ જે.એસ.ડેલા અને તેના સ્ટાફના હેડ કોન્સ. સંદિપસિંહ ઝાલા તથા કુલદિપસિંહ ચુડાસમા વગેરેએ જામમનગર જીલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશનના વિસ્તારના મોટીગોપ ગામમાં આવેલી ભરતભાઈની વાડીના મકાનમાંથી દેવાણંદ ઉર્ફે દેવો માલદે નંદાણીયા, ભરત લખમણભાઈ નંદાણીયા, દેવા પેથાભાઈ પાથર, કરશન કાળુભાઈ પાથર, દિનેશ ગોરધનભાઈ સીરા, ગોવીંદ ભાયાભાઈ ડાંગર, ભરત કેસુરભાઈ ડાંગર, ભાવેશ રાજુભાઈ વરૂને તીનપતિનો જુગાર રમતા દબોચી લીધા હતા.

દરોડામાં રૂા.૨ લાખ ૫૩ હજારની રોકડ, ૧૯ હજારની કિંમતના ૭ મોબાઈલ ફોન, ૧ લાખની કિંમતના ૫ મોટર સાયકલ મળી રૂા.૩ લાખ ૭૨ હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો અને તમામ જુગારી વિરુઘ્ધ જામજોધપુર પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ-૪, ૫ મુજબ ગુનો દાખલ કરાયો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here