સુરેન્દ્રનગર, તા.૨૮
ઝાલાવાડમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની રેલમછેલ વચ્ચે ધ્રાંગધ્રાના ઈસદા ગામે કારમાંથી ૬૧૨ બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સની જ્યારે સાયલાના ચોરવીર (થાન) ગામે રૂા.૨,૧૦ લાખની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો કબ્જે કરી નાશી છુટેલા બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાયલા તાલુકાના ચોરવીર (થાન) ગામે રહેતો દલસુખ ઉર્ફે બગલ મનજી માથાસુરીયા નામના શખ્સે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યાની સાયલા પોલીસ મથકના પી.એસ.આઈ. આર.જે.ગોહિલને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી રૂા.૨,૧૦ લાખની કિંમતનો ૧૨૦ બોટલ દારૂ અને ૧૬૮૦ બિયરના ટીન કબજે કરી દરોડાની ગંધ આવી જતા બુટલેગર દલસુખ ઉર્ફે બગલ માથાસુરીયાની શોધખોળ હાથ ધરી છે.
જ્યારે ધ્રાંગધ્રા તાલુકા ઈસદ્રા ગામ નજીક એલસીબી સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે જી.જે.૬.એફ.સી. ૯૨૦૦ નંબરની કારને અટકાવી તલાશી લેતા કારમાંથી રૂા.૮૦ હજારની કિંમતનો ૬૧૨ બોટલ દારૂ સાથે અજુ જુમા માણેકની અટકાયત કરી કાર અને દારૂ મળી રૂા.૩.૮૫ લાખનો મુદામાલ કબજે કરી તાલુકા પોલીસ મથકના સ્ટાફે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.