જ્હાન્વીએ માતાના ઘરમાં પરિવાર સાથે દિવાળી ઉજવી

0
19
Share
Share

ચેન્નાઈમાં આવેલા શ્રીદેવીના વારસાગત ઘરને રિનોવેટ કરાવ્યા બાદ બોની કપૂર બન્ને પુત્રીને એ ઘરમાં લઈ ગયા

મુંબઈ, તા.૧૪

પરંપરાગત ભોજન, નવા કપડાં અને મીઠી યાદો સાથે જ્હાન્વી કપૂર માટે આખું અઠવાડિયું ઉત્સવના ઉમંગથી ભરપૂર છે. આ બધું જ જ્હાન્વી પોતાના પરિવાર સાથે મમ્મી શ્રીદેવીના દરિયાકિનારે આવેલા ચેન્નાઈ સ્થિત ઘરે માણ્યું હતું. ગયા અઠવાડિયે જ્હાન્વી કપૂર પિતા બોની કપૂર અને બહેન ખુશી કપૂર સાથે ચેન્નાઈ પહોંચી હતી. ચેન્નાઈમાં શ્રીદેવીનું વારસાગત ઘર આવેલું છે જેનું થોડા સમય પહેલા જ રિનોવેશન કરાવવામાં આવ્યું હતું. ચેન્નાઈમાં સુખદ સમય વિતાવીને હવે જ્હાન્વી અને તેનો પરિવાર મુંબઈ પરત આવી ગયા છે. જો કે, જ્હાન્વીએ જણાવ્યું છે કે ત્યાં વિતાવેલો સમય આનંદદાયક હતો અને વિવિધ કારણોસર તેના હૃદયની નજીક પણ છે.

આ ટ્રીપના દિવસો યાદ કરતાં જ્હાન્વીએ કહ્યું, મારી મમ્મીનું વારસાગત ઘર ચેન્નાઈમાં આવેલું છે. ઘણા વખતથી અમે ત્યાં રોકાવા નહોતા જઈ શક્યા કારણકે રિનોવેશન ચાલતું હતું. જો કે, પપ્પા છેવટે અમને ત્યાં લઈ જવામાં સફળ રહ્યા. આ બીચ હાઉસ છે, જે મમ્મીનું સપનું હતું. અમે મુંબઈમાં અમારા જીવનમાં એટલા વ્યસ્ત હતા કે, એ ઘરને રિનોવેટ કરાવવાનો વિચાર સુદ્ધાં નહોતો આવતો. મારા પપ્પાને અભિનંદન કે તેમણે આ મહામારીમાં ઘરનું સમારકામ કરાવ્યું. તેમણે ઘરનું જે રીતે રિનોવેશન કરાવ્યું છે તેનાથી હું ખૂબ ખુશ છું અને તેઓ પણ આ વાતે ભાવુક છે. પપ્પાએ મને અને ખુશીને કહ્યું કે, આ તમારી મમ્મીનું સપનું છે અને તે હંમેશા ઈચ્છતી હતી કે તમે બંને અહીં સમય વિતાવો. માટે જ આ ટ્રીપ અમારા સૌ માટે ખાસ હતી. મમ્મીની તરફના પરિવારજનોને લાંબા સમય બાદ મળીને અમે ખૂબ ખુશ થયા હતા. મુંબઈના ઘરે દિવાળી કેવી રીતે ઉજવવાના છે તે વિશે વાત કરતાં જ્હાન્વીએ કહ્યું, “મારી મમ્મી હંમેશા કહેતી હતી કે, દિવાળી, નવા વર્ષે અને બર્થ ડેના દિવસે આપણે નવાં અને બ્રાઈટ રંગના કપડા પહેરવા જોઈએ. હું ચોક્કસ આ દિવસે કંઈક નવું પહેરીશ અને હું લાંબા સમય બાદ સરસ રીતે તૈયાર પણ થઈશ. અમે દર વખતની જેમ ઘરે નાનકડી પૂજા કરીશું અને આ જ અમારું સેલિબ્રેશન હશે.”

તહેવારો દરમિયાન ઘરમાં તૈયારી કરવાની જવાબદારી કોના માથે હોય છે? આ વિશે વાત કરતાં જ્હાન્વીએ કહ્યું, “ઘરે તહેવારની ઉજવણી કરવા માટે જે કંઈપણ તૈયારી કરવાની હોય તેની મારી મમ્મીએ એક સિસ્ટમ બનાવી હતી. માટે અમારા ઘરનો મુખ્ય સ્ટાફ ઘરને લાઈટ્‌સ, ફૂલ અને દીવડાથી સજાવે છે.”

દિવાળી પહેલા જ્હાન્વી પોતાની મમ્મીના પૈતૃક નિવાસસ્થાને જઈને આવી છે ત્યારે બાળપણનો સમય અને તેના મીઠા સંભારણા વાગોળ્યા હતા. જ્હાન્વીએ કહ્યું, “અમે નાના હતા ત્યારે મમ્મીના ચૈન્નાઈ સ્થિત ઘરે જતા હતા ત્યારે ત્યાં ગલીઓમાં દીવડા જોતા હતા. પછી ભેગા થઈને સ્વાદિષ્ટ સાઉથ ઈન્ડિયન વાનગીઓ ખાતા હતા અને કેરીનો રસ પીતા હતા. કોઈ કારણોસર હંમેશાથી કેરીનો રસ મને ખૂબ ભાવે છે. મને લાગે છે ત્યારથી જ હું કેરીના રસને દિવાળી સાથે જોડતી આવી છું.

વર્કફ્રંટની વાત કરીએ તો, આ વર્ષની શરૂઆતમાં જ્હાન્વીની ફિલ્મ ગુંજન સક્સેનાઃ ધ કારગીલ ગર્લ રિલીઝ થઈ હતી. હવે જ્હાન્વી રૂહી અફઝાના અને દોસ્તાના ૨ માં જોવા મળશે. દિવાળીના તહેવારમાં જ્હાન્વી શું આશા રાખે છે તે વિશે વાત કરતાં તેણે કહ્યું હતું, હું ખૂબ સારું કામ કરવા માગુ છું અને મારા ક્રાફ્ટમાં નિપૂણ થઉં તેવી ઈચ્છા છે. આનાથી પણ વિશેષ હું ઈચ્છું છું કે કોરોના વાયરસ ગાયબ થઈ જાય અને થિયેટરો સંપૂર્ણપણે ચાલે. મારી આ વાતમાં સ્વાર્થ દેખાશે પણ હું દિલથી ઈચ્છું છું કે આમ થાય.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here