જ્યાં કોઈ રહેવા નથી આવ્યું, ડ્રેનેજ લાઈન નખાઈ નથી તે સોસાયટીમાં ૫૦ લાખના ખર્ચે રોડનું કામ શરૂ

0
24
Share
Share

રાજકોટ,તા.૨૮
શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશનની નજીક આવેલી પંચનાથ રિયલ હોમ સોસાયટી ડેવલપ થઈ રહી છે ત્યાં હજુ ઘણા મકાન બની રહ્યા છે તેમજ ભૂગર્ભ ગટર અને પાણીની લાઈનનું મોટાભાગનું કામ બાકી હોવા છતાં ત્યાં સીસી રોડ માટે ૫૦ લાખનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે અને કામ પણ ચાલુ થઈ ગયું છે અને જ્યારે ત્યાં ફરી ગટર બનાવશે ત્યારે આ રોડ ખોદવો પડશે એટલે કે કોન્ટ્રાક્ટરને બમણું કામ મળે અને બિલ્ડરને સુવિધાનો વધુ ભાવ મળે તે માટે મનપાના અધિકારીઓ પ્રજાની તિજોરીની ઘોર ખોદી રહ્યા છે. રાજકોટનો વોર્ડ નં.૧૮ જાણે ગેરરીતિઓનું કેન્દ્ર બની ગયું છે. અવારનવાર વિકાસના કામોમાંથી કૌભાંડ બહાર આવ્યા કરે છે અને વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે.
આજી ડેમ પોલીસ સ્ટેશન નજીક પંચનાથ રિયલ હોમ સોસાયટી ડેવલપ થઈ રહી છે ત્યાં ઘણા મકાનો બની રહ્યા છે અને હજુ પૂરી રીતે સોસાયટીમાં લોકો વસ્યા નથી. અડધા વિસ્તારમાં ગટર અને પાણીની લાઈન નખાઇ નથી છતાં સીસી રોડ બનાવવાનું કામ ચાલુ છે. નિયમ મુજબ જે વિસ્તારમાં ગટર અને પાણીની લાઈન હોય ત્યાં જ રોડ બનાવવાની મંજૂરી અપાય છે જેથી વારંવાર રોડ ખોદવો ન પડે પણ અહીં બિલ્ડર અને કોન્ટ્રાક્ટરને ખટાવવા માટે ૫૦ લાખ રૂપિયાનો સીસી રોડ મંજૂર કરી, ટેન્ડર બહાર પાડી કામ શરૂ કરાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેની સોસાયટી છે તે બિલ્ડર તેમજ કામ અપાયું છે તે કોન્ટ્રાક્ટરને ખટાવવા માટે જાણે આસિ. ઈજનેર, ડેપ્યુટી ઈજનેર અને સિટી ઈજનેર સુધીના અધિકારીઓ એજન્ટ બનીને કામ કરતા હોય તેમ નિયમોને નેવે મૂક્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here