જેતપુરમાં ૪૨ લાખની લૂંટ ચલાવનાર બેલડી પોલીસના સકંજામાં

0
21
Share
Share

રાજકોટ તા.૨૨

જેતપરુમાં બુધવારે સવારે સોની બજારમાં ઘરેણા દેવા આવેલા ધોરાજીના સેલ્સમેનની આંખમાં મરચાની ભૂકી છાંટી, છરીથી હુમલો કરીને રોકડ,ઘરેણા સહિત ૪૨ લાખની લૂંટ કરનાર બન્ને આરોપીની ઓળખ પોલીસને મળી ગઇ છે. લૂંટને અંજામ આપનાર બન્ને શખસ જેતપુરના વતની અને હાલ રાજકોટ રહે છે. આ બેલડીએ અન્ય શખસોની લૂંટ કરી હતી.

જેતપુરના ઇતિહાસની સૌથી મોટી લૂંટની વિગત મુજબ, ધોરાજીમાં રહેતા અને રાજકોટમાં સોનાના ઘરેણા બનાવડાવી જિલ્લાના સોની વેપારીઓને માલ સપ્લાય કરતા સેલ્સમેન ચીમનભાઇ કારાભાઇ વેકરીયા નિત્યક્રમ બુધવારે સવારે જેતપુર સોની બજારમાં વેપારીઓને ઘરેણા દેવા આવ્યા હતા. નાના ચોક (સોનીબજાર) માં શ્રીહરી ગોલ્ડ નામના શોરૂમમાં ઘરેણા આપ્યા પછી ૯ઃ૫૦ વાગે પગપાળા પાછળ જ મતવા શેરીમાં અન્ય શો-રૂમમાં માલ દેવા રવાના થયા હતા. રમાકાંત માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે હેલમેટ પહેરીને ડબલ સવારી બાઇકમાં આવેલા બે શખસે સેલ્સમેનની આંખમાં મરચાની ભૂકી છાંટી હાથમાંથી ઘરેણા ભરેલો થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. સેલ્સમેને થેલો મજબૂત રીતે પકડી રાખતા તે ૫૦ ફૂટ સુધી ઢસડાયા હતા પરંતુ બન્ને લૂંટારા છરીથી હુમલો કરી ઘરેણા ભરેલો થેલો લૂંટીને ફરાર થઇ ગયા હતા.

થેલામાં રૂ. બે લાખ રોકડા અને અંદાજીત ૭૦૦થી ૮૦૦ ગ્રામ વજનના સોનાના ઘરેણા મળી ૪૨ લાખનો મુદ્દામાલ હતો. ૪૨ લાખની લૂંટ થયાની માહિતી જિલ્લા પોલીસવડા બલરામ મીણા, ડીવાયએસપી સાગર બાગમાર, એલસીબી પીઆઇ એ.આર. ગોહિલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્ત સેલ્સમેનને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જે સ્થળે લૂંટ થઇ હતી ત્યાં આસપાસ સીસીટીવી કેમેરા ન હોવાથી આ વિસ્તારને જોડતા તમામ માર્ગ પરથી સીસીટીવી ફૂટેજ એકત્ર કરતા બન્ને લૂંટારાની કડી મળી હતી. ફૂટેજના આધારે થયેલી તપાસમાં લૂંટને અંજામ આપનાર જેતપુરના ફૂલવાડી વિસ્તારમાં રહેતા સાકીબ અને સમીર ઉર્ફે ભડાકો નામના ટપોરીની ઓળખ મળી હતી. પોલીસે બન્નેના મોબાઇલની કોલ ડિટેઇલ પણ કઢાવી છે. પોલીસે લૂંટમાં સામેલ અન્ય શકમંદને અટકાયતમાં લઇ બન્ને મુખ્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here