જેતપુરના સાડી ઉધ્યોગે સોરઠની ઉબેણ નદીને પ્રદુષિત કરી નાખી !

0
24
Share
Share

૧૫ ગામોના ખેડૂતો ભારે હેરાન પરેશાનઃ પ્રદુષણ નિવારણ કચેરીના સતાવાળાઓ આથિક ચોકઠાં ગોઠવવામાં વ્યસ્ત ?

જુનાગઢ તા.૨૪

સોરઠની સરિતા એવી ઉબેણ નદી જેતપુરના અમુક મેલી મુરાદ ધરાવતા સાડીના કારખાનાદારોના પાપે મેલી દાટ અને પ્રદુષિત બની ગઇ છે, પરીણામે નદી કાંઠાના લગભગ ૧૫ જેટલા ગામડાઓના લોકો, પશુ અને પક્ષીઓના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છ.ે અનેક એકર ખેતીની જમીન બંજર થઈ જવા પામી છે. છતાં જૂનાગઢનું પ્રદૂષણ નિવારણ કચેરીના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી અને સેમ્પલ લેવાના નયા નાટકો કરી, લોકોના આરોગ્યની ચિંતા વગર હોતી હૈ ચલતી હે ની કોઈપણ કારણોસર નીતિ અપનાવી રહ્યા છે તેવા આક્ષેપો ખડા થયા છે અને લોકોમાં પ્રદૂષણ કચેરી સામે ભારોભાર અસંતોષ અને જેતપુરના અમુક પ્રદૂષણ ફેલાવતા લોભી લાલાઓ સામે રોષ વ્યકત થઈ રહ્યો છે.

સોરઠની સરિતા ઉબેણ નદીનાં પાણી એક વખત તેની શુદ્ધતા અને પવિત્રતાથી પ્રચલિત હટી અને તેના જ કારણે ઉબેણ નદીનાં કાંઠે ચોકી ગામે સાઈઠના દસકામાં ટીબી હોસ્પિટલ બનાવવામાં આવી હતી. જો કે, સમયાંતરે અનેક કારણોસર આ હોસ્પિટલ બંધ કરવામાં આવી હતી. પરંતુ કહેવાય છે કે, આ નદીના પાણીથી ગમે તેવા ચામડીના રોગોમાં રાહત થતી હતી આ ઉપરાંત ઉબેણ નદી ના કારણે ૧૫ જેટલા કાંઠાના ગામોને સિંચાઇ અને પીવાના પાણીની કાયમી નિરાંત હતી.

પરંતુ છેલ્લા ત્રણેક દાયકાથી આ નદી ઉપર કાળો દાગ લાગી ગયો છે અને રાજ્યના પ્રદૂષણ વિભાગની કચેરીના અધિકારીઓની લોલમલોલ અને રાજકીય નેતાઓની આળશ તથા જેતપુરના અમુક ઓછા ખર્ચે વધુ રુપિયા કમાઈ લેવાની લાલસા ધરાવતા મેલી મુરાદ વાળા સાડીના કારખાનેદારોના કારસ્તાનને કારણે આજે ઉબેણ નદી મેલી દાટ, અને પ્રદુષિત થઈ ગઈ છે તેવા આક્ષેપો સાથે નદી કાંઠાના લગભગ ૧૫ જેટલા ગામના લોકોના કૂવામાં તથા બોરમાં પણ લાલ પાણી આવવા લાગતા તંત્ર અને સરકારના બેધ્યાન ના કારણે છેલ્લા દશકાઓથી મૂંઝવણમાં મુકાયા છે.

જેતપુરના કારખાનેદારોના સાડીના ધોલાઈ ઘાટ અને અમુક સમયે પ્રદુષિત કદડાઓ  નદીઓમાં ઠલવાતા હોવાના આક્ષેપ સાથે ઉબેણ નદીના કાંઠે આવેલ ખેતરોના માલિકની જો વાત માનીએ તો, નદી કાંઠાના અનેક ખેતરો સુધી આ પ્રદૂષણ પહોચ્યું છે, અને ઘણો ભાગ પ્રદૂષણના કારણે બંજર બની રહ્યો છે, સિંચાઇ માટેના કુવાઓના  પાણી લાલ થઈ ગયા છે, જે પાકને અને જમીનને ભારે નુકસાની પહોંચાડી રહ્યા છે.

ઉબેણ નદીમાં એટલું પ્રદૂષણ ઠલવાય ચૂક્યું છે અને ઠલવાઈ રહ્યું છે કે, વહેતી નદીમાં ફીણના ફોરાઓ ઉડે છે, અને નદીની રેતી તથા કાંઠાનો વિસ્તાર પણ કલર વાળો થઈ ગયો છે. એના ઉપરથી એક વાત ચોક્કસ છે કે, ઉબેણ નદી હવે પ્રદુષિત કરી દેવામાં આવી છે, જેનો ભોગ ૧૫ થી વધુ ગામના લોકો, પશુ અને પક્ષીઓ બની રહ્યા છે.

પરંતુ, આવડું મોટું કારસ્તાન ચલાવનારા જવાબદારો સામે કોઈ જ પગલાં સરકાર કે તંત્રે ક્યારેય સામે ચાલીને લીધા નથી, હા જ્યારે લોકો વાંધા ઉઠાવે, ફરિયાદો થાય એટલે જુનાગઢ પ્રદૂષણ નિવારણ કચેરીના અધિકારી ટીમ સાથે ઉબેણ નદીના કાંઠે જાય, નિયમોનુસાર પંચની રુબરુમાં નદીમાંથી કલર યુક્ત પાણીના સેમ્પલ લેવામાં આવે, અને તે સેમ્પલ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે અને, અને બાદમાં કંઇ જ ના થાય… આવું તો દશકાઓથી સરકારી કચેરીઓ, તંત્ર દ્વારા ચાલી રહ્યું છે. પરંતુ વર્ષોથી તકલીફ ભોગવી રહેલી આમ જનતા માટે તંત્ર દ્વારા ક્યારેય ઉબેણ નદીને પ્રદુષિત કરતા જેતપુરના અમુક જવાબદાર સાડીના કારખાનેદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી નથી, કે તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી તેવા  લોકોનો પ્રદૂષણ નિવારણ કચેરી અને લાગતા વળગતા તંત્ર સામે સિદ્ધા આક્ષેપ થઈ રહ્યા છે.

જો જૂનાગઢના પ્રદુષણ બોર્ડની કચેરીની વાત કરીએ તો, અહીંના મુખ્ય અધિકારી પાસે અન્ય ચાજર્ છે તેવું લોકોને જણાવી રહ્યા છે, તથા સ્ટાફ ઓછો છે તેવી રેકર્ડ વગાડી રહ્યા છે, જો કે, અરજદારોની વાત મુજબ સાહેબનું નિવાસસ્થાન ગાંધીનગર છે અને અમુક દિવસ જ જૂનાગઢ ઓફીસે હાજર હોય છે, બાકી તો વિઝિટ અથવા અન્ય કચેરીમાં જતા હોવાથી ક્યારેક તો સાહેબ દિવસો સુધી અરજદારોને મળી શકે તેવી સ્થિતિમાં હોતા નથી.

જેનો સીધો લાભ જુનાગઢ જિલ્લાને પ્રદુષિત કરતા એકમો અને તેના માલિકો દ્વારા ઉઠાવાય રહ્યો છે, જો કે, જૂનાગઢની પ્રદૂષણ નિવારણ કચેરી સામે અનેક આક્ષેપો લોકોમાંથી વારંવાર સંભળાઈ ઉઠવા પામ્યા છે. છતાં કોઈ આગેવાનો દ્વારા અરજી કે ફરિયાદ થાય ત્યારે તાત્કાલિક સેમ્પલ સહિતની કાર્યવાહી થાય છે પરંતુ લોકોના પ્રાણ પ્રશ્નનું નિરાકરણ માટે જે કચેરીએ કામગીરી કરવી જોઈ તે કોઈપણ કારણોસર નબળી થઈ રહી છે, જેના કારણે સોરઠની ઉબેણ મેલી દાટ અને પ્રદુષિત બની ગઈ હોવાની લોકોની વ્યાપક ફરિયાદ છે.

ઉબેણ નદીના પ્રદૂષણ બાબતે તાજેતરમાં કિશાન ક્રાંતિ સંગઠન દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો થઈ હતી, અને બાદમાં પ્રદૂષણ કચેરી ઝાલણસર ગામે દોડી હતી, સેમપલ લેવાયા હતા, પરંતુ આ સેમ્પલના રીપોટર્ની અહીંની પ્રદૂષણ નિવારણ કચેરી હાલમાં રાહ જોઈ બેઠી છે, ત્યારે રિપોટર્ આવ્યા બાદ કેવા, કેટલા, અને કેટલા સામે પગલા ભરાય છે, તે તો સમય બતાવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here