જૂનાગઢ, તા.૧૧
જૂનાગઢના રાધાનગરમાં રહેતા વેપારીનુ અપહરણ કરી ૧૦ લાખની ખંડણી માંગવાના પ્રકરણમાં ચોથા આરોપીને પણ પોલીસે ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કર્યો છે. જૂનાગઢના વેપારી નિમેશ હરિષભાઈ ખાનવાણીનુ તાજેતરમાં કેટલાક શખ્સોએ ક્રાઈમ બ્રાન્ચના માણસોની ઓળખ આપી અપહરણ કર્યું હતુ. તે મામલે પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરી વેપારીને છોડાવી લીધો હતો અને ૩ આરોપીને ઝડપી લીધા હતા. દરમિયાન ગાંધીગ્રામ ખાતે રહેતા ચોથા આરોપી શુભમ ઉર્ફે ડોકટર અજય તાવડેને પણ ઝડપી લીધો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કર્યો છે. જ્યારે આ ગુનાનાં મુખ્ય સુત્રધાર નાજા દાસાભાઈ કરોતરાને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સામખીયાળી નજીક વિદેશી દારૂની ૧૦૬૨૦ બોટલ તથા ૨૦૬૪ બીયરનાં ટીન ભરેલા ટ્રક સાથે ચાલક ઝડપાયો
પૂર્વ કચ્છ જિલ્લાના ગાંધીધામ નજીક સામખીયાળી પાસેથી એલ.સી.બી.એ વિદેશી દારૂ બીયરનો જંગી જથ્થા સાથે ટ્રકના ચાલકને ઝડપી લઈ રૂા.૪૮.૭૩ લાખનો મુદામાલ કબ્જે કરી નાશી છૂટેલા બુટલેગર સહિતના શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કચ્છ સરહદી વિસ્તાર હોવાથી કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેવા હેતુથી બોર્ડર રેન્જ આઈ.જી.મોથલીયાએ સઘન પેટ્રોલીંગ હાથ ધરવા અને વાહન ચેકીંગ હાથ ધરવા આપેલી સુચનાને પગલે ઈન્ચાજર્ એસ.પી.સૌરભસિંઘના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પી.આઈ. એસ.એસ.દેસાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે જી.જે.૧૫.એ.ટી. ૨૦૯ નંબરના ટ્રકમાં વિદેશી દારૂ આવી રહ્યાની મળેલી બાતમીના આધારે સ્ટાફે સામખીયાળી નજીક વોંચ ગોઠવી હતી.
વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં સામખીયાળી ધોરી માર્ગ પર નીકળેલા ટ્રકને અટકાવી તલાશી લેતા જેમાંથી રૂા.૪૦.૬૫ લાખની કિંમતનો ૧૦૬૨૦ બોટલ દારૂ અને ૨૦૬૪ બીયરના ટીન સાથે રામચંદ્ર રામપ્રસાદ યાદવ નામના શખ્સની ધરપકડ કરી દારૂ બીયર, ટ્રક, મોબાઈલ અને રોકડ મળી રૂા.૪૮.૭૩ લાખનો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલા રામચંદ્ર યાદવની પ્રાથમિક તપાસમાં તેની સાથે ઝડપાયેલા વિનોદ યાદવ નાશી છુટતા તેની શોધખોળ હાથ ધરી છે.
ભુજ : દેશી બંદૂક સાથે શખ્સ ઝડપાયો
પશ્ચિમ ભુજ તાલુકાના હળાય ગામે રહેતો કાસમ ઈસ્માઈલ મણકા નામનો શખ્સ પાસે દેશી બંદૂક હોવાની મળેલી બાતમીના આધારે એલ.સી.બી.ના સ્ટાફે દરોડો પાડી કાસમ મણકાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી : ફેકટરીનાં સ્ટાફ કવાર્ટરમાં મહિલાનો આપઘાત
મોરબીના લક્ષ્મીનગર નજીક આવેલા પાટીદાર નામની ફેકટરીમાં કામ કરતા અને સ્ટાફ કવાર્ટરમાં રહેતી પારૂલબેન લલીતભાઈ લાકીયા નામની એક પરિણિતાએ કવાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બનાવ બાદ મૃતકને મોરબી સીવીલમાં પીએમ અર્થે ખસેડાઈ હતી જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે મહિલાના ૪ વર્ષ પહેલા લગ્ન થયા હતા. જોકે સંતાન ન હોવાનુ પ્રાથમીક તપાસમાં ખુલ્યું હતુ. બનાવ અંગેની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ આર.એ.જાડેજા ચલાવી રહ્યા હતા.