જૂનાગઢ યાર્ડની તમામ બેઠકોમાં ભાજપનો વિજય

0
21
Share
Share

જુનાગઢ તા. ૧૭

સોરઠના સહકારી ક્ષેત્રની શાન સમી જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભવ્યાતિ ભવ્ય ભગવો લહેરાયો છે, અને તમામે તમામ ૧૬ બેઠકો ભારે બહુમતી સાથે કબજે કરી એક નવો ઇતિહાસ સર્જ્યો છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની શુક્રવારે યોજાયેલ ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની આગેવાનીમાં ચૂંટણી જંગમાં ઉતરેલા ખેડૂત વિકાસ પેનલના તમામ ૧૨ ઉમેદવારો ભારે મતોની બહુમતિ સાથે વિજય થયા છે જ્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત સમિતિના સૂપડા સાફ થઈ જવા પામ્યા છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની શુક્રવારે ખેડૂત વિભાગની ૧૦ તથા ખરીદ વેચાણ સંઘ વિભાગની ૨ સીટ સહિત કુલ ૧૨ સીટ નું મતદાન થયું હતું જેમા મતદારોએ ઉત્સાહભેર ૯૬.૦૧ ટકા જેટલું મતદાન કર્યું હતું ત્યારથી જ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભવ્યતા ભવ્ય વિજય થશે તેવું રાજકિય પંડીતો પોતાની ગણતરી માંડી રહ્યા હતા  દરમિયાન આજે સવારે માર્કેટિંગ યાર્ડ ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને તંત્રની સુવ્યવસ્થિત વ્યવસ્થા સાથે મતગણતરીનો પ્રારંભ થયો અને ગણતરી શરુ થતાની સાથે જ ભાજપના ઉમેદવારો જંગી લીડ મેળવી રહ્યા હતા ત્યારે જ કોંગ્રેસ પ્રેરિત  ઉમેદવારોએ પોતાની હાર સ્વીકારવા માંડી હતી.દરમિયાન મતગણતરી પૂર્ણ થઇ ત્યારે ભાજપ પ્રેરિત ખેડૂત વિકાસ પેનલના ખેડૂત વિભાગના ૧૦ ઉમેદવારો તથા ખરીદ વેચાણ સંઘના ૨ ઉમેદવારો ભવ્ય લીડ સાથે વિજેતા ઘોષિત કરાયા હતા. અત્રે નોંધનીય છે કે, આ અગાઉ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની વેપારી વિભાગની ૪સીટો બિનહરીફ થતાં ભાજપને ફાળે ગઈ હતી, આમ માર્કેટિંગ યાર્ડમાં ૧૬ ડિરેકટરો ભાજપ પ્રેરિત ખેડૂત વિકાસ પેનલના ચૂંટાયેલા જાહેર થવા પામ્યા છે.   ચૂંટણી પરિણામો બાદ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ અને માર્કેટીંગ યાર્ડના ચૂંટાયેલા ડિરેક્ટર કિરીટ પટેલ એ જય હિન્દ સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિકાસ પેનલનો આ ઐતિહાસિક વિજય છે, અને આ વીજય જૂનાગઢ તાલુકાના ખેડૂતોનો વિજય છે. કિરીટ પટેલે જણાવ્યું હતું કે, મેં ચૂંટણી પૂર્વે જ જણાવ્યું હતું કે અમારી હરીફ પેનલને ૧૨૫ થી વધારે મત નહીં મળે જે આજે સાબિત થયું છે અને ખેડૂતોને ભરમાવી મત માંગવા નીકળેલા લોકો માટે આ ગાલ પર તમાચો સમાન છે. કિરીટ પટેલે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કિસાન સંશોધન બિલ પ્રારિત થયા બાદ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય દર્શાવે છે કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ અને અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં પર સોરઠના કિસાન ભાઈઓને પૂર્ણ વિશ્વાસ છે અને આજનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડનું પરિણામ આગામી ગુજરાત વિધાનસભાની ૮ સીટો પર પણ સાર્થક થશે.  વિજય વેળાએ કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઈ ગજેરા, વિનુભાઈ હપાણી, વાઇસ ચેરમેન નટુભાઇ તથા હરજીભાઈ જેવા તેમના પૂર્વગામીઓની વિકાસગાથાને અમારી ટીમ આગળ ધપાવશે અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડને સૌરાષ્ટ્રનું અવલ નંબરનું યાર્ડ બનાવાશે, તે માટે અમારા ૧૬ ડિરેકટરોનો સંકલ્પ રહેશે. તેમ જણાવી વધુમાં ઉમેર્યું હતું કે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓ માટે સંપૂર્ણ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. સાથોસાથ પારદર્શક વહિવટ થશે. સાથોસાથ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વિશ્વાસ શ્રદ્ધા સાથે આવનારને ખેડૂત નહીં પણ ઈશ્વરનું રુપ ગણાશે. પરિણામો બાદ જુનાગઢ સહકારી ક્ષેત્રના આગેવાન અને કોંગ્રેસ પ્રેરિત પેનલના અગ્રણી કિશોરભાઈ હદ વાણી એ જણાવ્યું હતું કે, અમો જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી લોકશાહી ઢબે યોજાય તેવું ઇચ્છતા હતા. ખરેખર તો ૨૦૧૫ માં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ૩૦૦ મતદારો હતા અને હાલમાં ૯૯૭ મતદારો બનાવી દેવાયા છે, માત્ર ત્રણ વર્ષમાં ૨૫ નવી મંડળીને રજીસ્ટર કરવામાં આવી છે, જૂનાગઢના રજિસ્ટ્રારે જુનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં હરીફ જૂથને મદદ કરી છે અને હરીફ ટીમે સામ-દામ-દંડ-ભેદ અને એમ કેને પ્રકારે મતદારો તથા ઉમેદવારોને તોડી આ વિજય મેળવ્યો છે અને તેમના વિજયને તથા અમારી હારને અમે સ્વીકારીએ છીએ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here