જૂનાગઢ :બેંકના કેશ વોલ્ટમાંથી ૧.૩૦ કરોડ કાઢી નકલી નોટો મૂકી

0
23
Share
Share

એકિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંકના મેનેજર અને બેંકમાં જ કામ કરતા ચાર સાથીદારોની ધરપકડ કરવામાં આવી

જૂનાગઢ, તા. ૨૩

જૂનાગઢમાં આવેલી એક સ્મોલ ફાઈનાન્સ બેંકના કેશ વોલ્ટમાંથી ૧.૩૦ કરોડ રૂપિયા કાઢી લઈ તેના બદલે બાળકોને રમવાની નકલી નોટો મૂકી દીધી હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો હતો. પોલીસે આ મામલે આ બેંકના જ મેનેજર અને તેના ચાર સાથીદારોની ધરપકડ કરી છે. આ ચાર શખસો પણ બેંકના કર્મચારી છે.

જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલી એકિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંકમાં ઓડિટ હાથ ધરાયું હતું. આ બેંકની મેઈન શાખા ચેન્નઈમાં છે. સુરતથી ઓડિટ કરવા આવેલા અધિકારીઓને ઓડિટ દરમિયાન આ સમગ્ર કૌભાંડ જાણ થઈ હતી. બેંકના કેશ વોલ્ટમાં કરોડો રૂપિયા પડ્યા હતા. તે રૂપિયામાં બાળકોને રમવાની નકલી નોટો ઘુસાડી દેવામાં આવી હતી. ઓડિટરે આ નકલી નોટો ગણતા તે ૧.૩૦ કરોડની નકલી નોટો ઘુસાડવામાં આવી હોવાનું જણાયું હતું. બેંક દ્વારા મેનેજર સુનિલ ઘોષને આ રૂપિયા અંગે પૂછવામાં આવ્યું હતું, પરંતુ તેના દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. ત્યારબાદ બેંકના રિજનલ મેનેજર મહેન્દ્ર ભરખડાએ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકમાં ૧.૩૦ કરોડની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, આ નકલી રૂપિયા બેંકના મેનેજરે જ મૂક્યા હતા અને તેના બદલે અસલી રૂપિયા લઈ લીધા હતા. એવી પણ વિગત સામે આવી છે કે, સટ્ટામાં રૂપિયા ગુમાવ્યા બાદ મેનેજરે બેંકના કેશ વોલ્ટમાંથી આ રૂપિયા ઉપાડી લીધા હતા. તેને આ કામમાં બેંકના જ ચાર કર્મચારીઓએ મદદ કરી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું.પોલીસે આ મામલે મેનેજર ઘોષ અને તેને આ કૌભાંડમાં સાથ આપનારા બેંકના જ ચાર કર્મચારીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં એવી પણ વાત બહાર આવી છે કે, આટલી મોટી સંખ્યામાં બાળકોને રમવાની નકલી નોટો મેનેજરે એમેઝોન પરથી મંગાવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here