જૂનાગઢ, તા.૧૩
માળિયા હાટીના તાલુકાના જૂથળ ગામે બકરા ચરાવવા ગયેલા એક માલધારી વૃદ્ધના પરત ફરતી વખતે બે બકરા ચેક ડેમમાં પડી જતા તેને બચાવવા ડેમમાં પડયા હતા. જો કે, એક બચ્ચાને તેમણે બચાવી લીધુ હતુ પણ બીજું બકરું બચાવવા જતા તેમનુ મોત નિપજ્યું હતુ. માળિયા હાટીના તાલુકાના જૂથળ ગામના પુંજાભાઈ સરમણભાઈ કોડિયાત (ઉ.વ.૮૫) સાંજે પોતાના બકરા ચરાવીને પરત આવતા હતા. માર્ગમાં હોકળા પાસે એક ચેક ડેમમાં તેમના બે બકરા પડી ગયા હતા. પુંજાભાઈએ બંને બકરાને બચાવવા ચેક ડેમમાં ઝંપલાવ્યું હતુ. આથી એક બકરી બચી ગઈ જ્યારે બીજી બકરીને બચાવવા જતા બકરી અને પૂંજાભાઈ બંને ડૂબી જતા ચેક ડેમમાં જ મોત નિપજ્યા હતા. દુર્ભાગ્યે આ ઘટનાની એ વખતે કોઈને ખ્યાલ નહોતો આવ્યો પણ બાકીના બકરા રાબેતા મુજબ ઘેર આવી ગયા હતા પણ પુંજાભાઈ ન આવતા અને એક બકરું ઓછું હોવાથી ઘરના સભ્યોએ ગામ લોકો સાથે મળી શોધખોળ શરૂ કરી હતી. આથી ચકડેમમાં તેમના બુટ અને લાકડી તરતા દેખાયા હતા. બાદમાં ડેમમાં તપાસ કરતા પુંજાભાઈ અને બકરાનો મૃતદેહ દેખાયો હતો. આથી બંનેને બહાર કાઢયા હતા અને પુંજાભાઈના મૃતદેહને પીએમ માટે માળિયા હાટીના સરકારી દવાખાને લઈ જવાયો હતો.