મુખ્યમંત્રીના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે અંત સુધી ઉપસ્થિત રહ્યા કોંગી ધારાસભ્ય !
જુનાગઢ તા. ૨૧
જૂનાગઢના કોંગી ધારાસભ્ય મુખ્યમંત્રીના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે મંચ ઉપર પહેલેથી છેલ્લે સુધી ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે અનેક તર્ક વિતકરે થયા હતા. જો કે, કોંગી ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ ચાલુ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રીને રૂબરૂ મળી, જૂનાગઢમાં સિંહ દર્શન સત્વરે શરુ કરવામાં આવે અને ગિરનાર અંબાજી ટુક પર યાત્રિકો માટે જરુરી સગવડ ઊભી કરવામાં નથી આવી તે સત્વરે કરવામાં આવે તેવી પત્ર પાઠવી, મૌખિક રજૂઆત કરી હતી.
આજના જૂનાગઢ ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી મંચ પર સૌથી પહેલા આવી અને બેસ્યા હતા. ત્યારે અનેક તર્ક-વિતકરે ઉપસ્થિત લોકોમાં થઈ રહ્યા હતા. જો કે, મુખ્યમંત્રી મંચ ઉપર આવતા મોકો જોઈ તેમણે એક લેખિત પત્ર મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો. જેમાં તેમણે જૂનાગઢના ઇન્દ્રેશ્વર વિસ્તારમાંથી સરકારે જે સિંહ દર્શન માટેની જાહેરાત કરી છે તે સત્વરે શરુ કરવામાં આવે અને લાખો પર્યટકો ત્યારે રોપવેમાં ગિરનાર ઉપર જઈ રહ્યા છે, ત્યારે અંબાજી ટુક પર કોઈ જાતની સગવડ નથી તે સત્વરે શરુ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
બાદમાં ભીખાભાઈ જોશી એ પત્રકારોને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે આજે જ્યારે જુનાગઢ વિકાસની વાત હતી ત્યારે જૂનાગઢનાં વિકાસ થાય એમાં હું સૌથી વધુ રાજી હોવ સાથોસાથ આજના કાર્યક્રમના નિમંત્રણ કાર્ડમાં પણ મારું નામ છાપવામાં આવેલ છે અને મંચ ઉપર પણ મારી બેઠક વ્યવસ્થા અનામત રખાઇ હતી. જેના કારણે હું આજે લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો હતો પરંતુ હું ક્યારેય ભાજપમાં જવાનો નથી, અગાઉ પણ મને કેબિનેટ મંત્રી અને ૨૫ કરોડ રુપિયાની ભાજપ દ્વારા ઓફર કરવામાં આવી હતી. પરંતુ મારા જેવા રોકડિયા બ્રાહ્મણને લોકોએ વિશ્વાસ સાથે ધારાસભ્ય બનાવ્યો છે ત્યારે હું તેમનો કરજદાર છું અને તેનો વિશ્વાસ હું ક્યારેય નહી તોડું.