જુનાગઢ તા. ૧૫
જૂનાગઢની સિવિલ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં સીસીટીવી કેમેરા લગાવી વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓના સગા તેનું નિરીક્ષણ કરી શકે તે માટે બહાર ડિસ્પ્લે ગોઠવવાની સાથે હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને જરુરી દવાઓનો જથ્થો તાત્કાલિક પૂરો પાડવા રાજ્યના મુખ્યમંત્રીને જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી એ પત્ર પાઠવી ભલામણ કરી છે.
જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી એ રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સહિતના અધિકારીઓને એક પત્ર પાઠવી જણાવ્યું છે કે, જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં તબીબો અને આરોગ્ય કર્મીઓ દ્વારા દદર્ીઓને પૂરી સારવાર અને સગવડતા આપવામાં આવતી નથી તેવી અમારા સુધી ફરિયાદો પહોંચવા પામી છે. ત્યારે જૂનાગઢની સિવિલ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં સીસી કેમેરા લગાવવામાં આવે અને બહારની સાઈડમાં ડિસ્પ્લે લગાવવામાં આવે, જેથી દર્દીઓની તબિયત અને સારવાર ઉપર તેમના આપ્તજનો પૂરતું ધ્યાન આપી શકે.
આ ઉપરાંત જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સિલિન્ડર ન મળતાં એક દદર્ીનું મૃત્યુ થયા હોવાની ફરિયાદ પણ અમારા સુધી પહોંચી છે, ત્યારે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનના સિલિન્ડર, પીપીપી કીટ, માસ્ક, જરુરી દવાનો પુરવઠો અને જરુરી સાધન, સામગ્રી તાત્કાલિક ઉપલબ્ધ કરવામાં આવે તેવી પણ આ પત્રમાં ભીખાભાઈ જોશી તરફથી ભલામણ કરવામાં આવી છે.