જૂનાગઢ, તા.૧૨
હાલ કોરોના મહામારીના કારણે સ્કૂલો શરુ થઇ ન હતી ત્યારે અનેક ખાનગી સ્કૂલો દ્વારા ફિ ભરવા માટે છાત્રો-વાલીઓ સમક્ષ ઉઘરાણી કરવામાં આવી રહી હતી. ત્યારે બીજી તરફ ખારા રણમાં મિઠી વિરડી સમાન સ્કૂલ પણ અસ્તિત્વ ધરાવે છે, જ્યાં શાળાએ શિક્ષણનું મંદિર છે તે કહેવત અને સરકારની ભાર વગરનું ભણતર કહેવત સાર્થક કરી હતી.
આ વાત છે જૂનાગઢની શ્રી સોરઠીયા આહિર વિદ્યાર્થી ભવન ટ્રસ્ટ સંચાલિત મુરલીધર માદ્યમિક શાળાની. હાલ કોરોનાના કારણે આર્થિક રીતે ભાંગી પડેલા વાલીઓની વ્હારે આ શાળા પરિવાર આવ્યો છે. નાણાંના અભાવે છાત્રો શિક્ષણથી વંચિત ન રહે તે માટે શાળામાં ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ધોરણ-૯ના ૪૮ અને ધોરણ ૧૧ સાયન્સના ૪૦ વિદ્યાર્થીઓ મળી કુલ ૮૮ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ અપાયો છે. આવા છાત્રોની ફિ શાળા પરિવારે ભરી આપી છે.
એટલું જ નહી શાળાના આચાર્ય આર.સી.ચાવડાએ ધોરણ ૧૦ના છાત્રો ગણિત વિષય જાતે શીખી શકે તે માટે સેલ્ફ લર્નિંગ મટિરીયલ્સ પીડીએફ સ્વરુપમાં બનાવ્યું છે, જેનો જિલ્લાના અનેક શિક્ષકો અને વિદ્યાર્થીઓ નિઃશુલ્ક લાભ લઇ રહ્યા છે. ખાસ કરીને ૯૪૨૭૪૧૨૨૩૧નંબર પર વોટ્સએપથી આ પીડીએફ મેળવી શકાય છે. વધુમાં સાયન્સના ૨ છાત્રોને દત્તક લઇ તેમના અભ્યાસનો તમામ ખર્ચ પણ હાલ મુરલીધર માધ્યમિક શાળા પરિવાર ઉઠાવી રહ્યો હોવાનું આચાર્ય આર.સી.ચાવડાએ જણાવ્યું છે. ત્યારે અન્ય ખાનગી શાળા આમાંથી કંઇ ધડો લેશે ખરી ??
સોરઠમાં જૈન સાહિત્ય અને ઇતિહાસ વિષય પર નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વેબીનાર યોજાયો
નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ભક્ત કવિ નરસિંહ મહેતાના ઇતિહાસ વિભાગ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાના ઓનલાઇન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
વેબીનારમાં ૧૩૦ સંશોધન પેપર રજૂ કરવામાં આવ્યા હતા. જૈન સાહિત્ય અને ઇતિહાસ વિષય પર યોજાયેલા પરિસંવાદનું ઉદ્ધાટન વિષ્ણુભાઇ પંડયાએ કર્યું હતું. ઇતિહાસની બેઠકનું આયોજન પ્રો. રમેશ ચૌહાણે, સંચાલન લલીત પરમારે તેમજ સાહિત્યની બેઠકનું આયોજન ડો. મિતેષ ખોખાણી, સંચાલન બલરામ ચાવડાએ કર્યું હતું. આ તકે મયંકભાઇ સોની,ભાવનાબેન અજમેરા, ડો. હિમંતભાઇ ભાલોડીયાની ઉપસ્થિતી રહી હતી.
ત્રિમૂર્તિ હોસ્પિટલમાં નિઃશુુલ્ક નેત્રયજ્ઞનું આયોજન
શહેરના નહેરુપાર્ક સોસાયટી,બસ સ્ટેશન પાછળ આવેલ ત્રિમૂર્તિ હોસ્પિટલમાં રાજકોટ સ્થિત રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ૧૬ જાન્યુઆરીએ નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં મોતિયોના ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવશે. કેમ્પનો લાભ લેવા ઇચ્છુક દદર્ીઓને આધાર કાર્ડ,ચૂંટણી કાર્ડની નકલ સાથે ઉપસ્થિત રહેવા ડો. વી.એચ.ધડુકે એક યાદીમાં જણાવ્યું છે.