જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા શિક્ષણ નીતિ – તકો અને પડકારો’વિષય પર સંવાદ યોજાશે.

0
15
Share
Share

જીનિયસ સંવાદના ૩૩માં અધ્યાયનો લાભ લેવા અનુરોધ

રાજકોટ તા.૨૧

રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા છેલ્લા આઠ મહિનાથી શિક્ષણ, સામાજીક પ્રશ્નો, આધ્યાત્મિક તેમજ સાંપ્રત સમયના વિષયો ઉપર જીનિયસ સંવાદના માધ્યમથી વિવિધ પ્રશ્નો અંગે તજજ્ઞોના અભિપ્રાય અને તેમના દ્રષ્ટિકોણ લોકો સમક્ષ મુકવાનું આયોજન કરવામાં આવે છે. આ સંવાદ માટે દેશ-વિદેશથી વિષય નિષ્ણાતોને ઓનલાઈન સંવાદ માટે આમંત્રિત કરવામાં આવે છે, જેમાં આગામી રવિવારને તા. ૨૨ નવેમ્બરના દિવસે સવારે ૧૧ઃ૦૦ કલાકે શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો ડો. નવિનભાઈ શેઠ, વાઇસ ચાન્સેલર, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સિન્ડિકેટ સદસ્ય અને યુવા શિક્ષણવિદ ડો. મેહુલભાઈ રૂપાણી દ્વારા ઉચ્ચ શિક્ષણના ઉપલક્ષમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – તકો અને પડકારો’વિષય પર સંવાદ યોજાશે.

આ સંવાદનો લાભ સર્વ જનતાને નિઃશુલ્ક મળી રહે તે માટે સંસ્થાની યુ-ટયુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેઇજના

માધ્યમથી લાઈવ પ્રસારીત કરવામાં આવશે. જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન્સના ચેરમેન અને શિક્ષણવિદ ડી.વી. મહેતાના કહેવા મુજબ પૂરાં ૩૪ વર્ષ પછી દેશને નવી શિક્ષણનીતિ મળી છે. દુનિયા સતત બદલાતી રહે છે અને શિક્ષણનો વિચાર કરવામાં આવે ત્યારે એ બાબત જ ધ્યાનમાં રાખવાની હોય છે કે વિદ્યાર્થીને ફકત આજના જ  નહીં પરંતુ આજથી ૧૦ કે ૧૫ વર્ષ પછીના સમય માટે કેવી રીતે તૈયાર કરી શકાય? આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે મોટા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ધડવામાં આવી હતી.

પહેલું, આપણી શિક્ષણ-વ્યવસ્થા આવનારી યુવા પેઢીને રચનાત્મક, જિજ્ઞાસુ અને સમર્પણથી પ્રેરિત જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે અને બીજું, આપણી શિક્ષણવ્યવસ્થા યુવાનોને દેશમાં સક્ષમ સમાજનું નિર્માણ કરવામાં મદદરૂપ થઈ શકે. આ નવી નીતિમાં વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોત્તરી આધારિત, સંશોધન આધારિત, ચર્ચા આધારિત અને વિશ્લેષણ આધારિત શિક્ષણ પદ્ધતિ પર ભાર મૂકવામાં આવશે જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં રસ વધશે. નવી શિક્ષણ નીતિને લઈને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસક્રમમાં પ્રેકટીકલ નોલેજ અને વોકેશનલ ટ્રેનીંગ જેવી બાબતોને આવરીને કેવા ફેરફારો કરવા પડશે તે જાણવું  રસપ્રદ રહેશે.

વિદ્યાર્થીઓ ઉપરાંત આ નવી શિક્ષણ પધ્ધતિમાં શિક્ષકોને તાલીમ આપવા પર તથા તેમની કુશળતાઓ સતત વિકસાવવા પર પણ ઘણો બધો ભાર મૂકવામાં આવ્યો છે. શાળા કક્ષાએ શિક્ષણ નીતિની તકો અને પડકારો અંગે અગાઉના સંવાદમાં આપણે માર્ગદર્શન મેળવ્યું છે, પરંતુ આ સંવાદ કોલેજ કક્ષા અને ઉચ્ચ શિક્ષણના ઉપલક્ષમાં શિક્ષણ નીતિમાં શું સુધારાઓ રહેશે તે અંગે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો ડો. નવિનભાઈ શેઠ અને ડો. મેહુલભાઈ રૂપાણી પાસેથી જાણીશુ.

આ સંવાદ શ્રેણીમાં ભાગ લેવા જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ અથવા તો જીનિયસ ઈંગલીશ મિડિયમ સ્કૂલ કે જય ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેઇજ પર તેમજ ઇન્સ્ટાગ્રામ પરથી રવિવારને ૨૨ નવેમ્બરના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે જોડાય શકાશે. આ સંવાદના અંતે નિષ્ણાત વકતાઓ પાસેથી મુંજવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવવા કોમેન્ટ સેકશનમાં જઈને આપના પ્રશ્નો આપવા, વકતાઓ દ્વારા તે પ્રશ્નોનો જવાબ આપવા પ્રયત્ન કરશે. સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતા આ સંવાદમાં જોડાવા દરેક પ્રવાહની કોલેજો, ભવનો અને ઇન્સ્ટીટ્યુટસના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સંચાલકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

આ ઓનલાઈન સેશનના સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતા અને સીઇઓ ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં એડમિનિસ્ટ્રેટીવ અને આઈટી હેડ પ્રમોદ જેઠવા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here