જામનગર, તા.૨૯
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા જુદા જુદા આઠ મકાનોમાં રૂા.૩ લાખ ૭ હજારની ચોરી થઈ હતી. જે ચોરીના પ્રકરણમાં સંડોવાયેલા બે આરોપીઓને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે તપાસનો દોર મોરબી અને અમરેલી સુધી લંબાવી બંનેને પકડી પાડયા છે અને સીટી બી.ડીવીઝન પોલીસમાં સોંપી દીધા છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આજથી પાંચ વર્ષ પહેલા જુદા જુદા આઠ મકાનોમાં તાળા તોડીને રોકડ રકમ તેમજ દાગીના સહિત રૂા.૩.૭ લાખની ચોરી થઈ હતી જે ચોરી પ્રકરણમાં જે તે વખતે પોલીસે તપાસનો દોર હાથ ધરી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી પરંતુ આ પ્રકરણમાં મઘ્યપ્રદેશના વતની રગન નવલસિંહ અમલિયાર અને અમરેલીના રમેશ શામજી ભીલાલાની સંડોવણી હોવાનુ ખુલ્યું હતુ. તેથી જામનગરની પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ફરારી આરોપીઓને પકડવા માટેની દોડધામ કરી હતી.
દરમ્યાન મોરબીના ટંકારા નજીક હડમતીયા ગામમાં એક વાડીમાં સંતાયેલા રગન નવલસિંહ નામના પરપ્રાંતિય શખ્સને દબોચી લીધો હતો જ્યારે તેના અન્ય એક સાગરીત અમરેલીના રાંઢીયા ગામના રમેશ સોમજીને અમરેલી પંથકમાં ધામા નાખી પકડી પાડયો હતો. જે બંને આરોપીઓને જામનગર લઈ આવ્યા પછી તેનો કબજો સીટી બી.ડીવીઝન પોલીસમાં સોંપી દેવામાં આવ્યો છે.