
જામનગર,તા.૨૭
જામનગરના મહેશ્વરીનગર વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારે માત્ર ચારેક દિવસના સમયગાળામાં રહસ્યમય ઝેરી તાવમાં પટકાયેલા બે-બે માસુમ પુત્રો ગુમાવતા પરીવાર પર વજ્રઘાત થયો છે.જયારે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. જામનગરમાં મહેશ્વરીનગર વિસ્તારમાં રહેતા અને કારખાનામાં મજુરી કામ કરતા પ્રકાશભાઇ વિંઝોડાના બે વર્ષના માસુમ પુત્ર આર્યનને તાવ આવ્યા બાદ જી.જી.હોસ્પીટલમા઼ દાખલ કરાયો હતો જયાં ગત મંગળવારે તેનુ મૃત્યુ નિપજયુ હતુ.જેના પગલે શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ હતો ત્યાંજ બીજા પુત્ર ધનરાજ(ઉ.વ.૧૦) પણ તાવની બીમારીમાં પટકાતા તેને જી.જી.હોસ્પીટલમાં ખસેડાયો હતો.જયાં સારવાર દરમિયાન શુક્રવારે તેનુ મૃત્યુ નિપજયુ હતુ.
આ અંગે બાળરોગ નિષ્ણાંત ભદ્રેશ વ્યાસે જણાવ્યું છેકે, બીજા તાવમાં સારવાર કરીએ તો પરિણામ મળે પણ આ કિસ્સામાં દરેક પ્રકારની સારવાર કરવા છતાં કોઇ પરિણામ મળ્યું ન હતું. આ તાવનો કોઇ સોર્સ મળ્યો નથી. શંકરટેકરી ઉઘોગનગર વિસ્તારના કારખાનામાં મજુરીકામ કરતા પ્રકાશભાઇએ ગત મંગળવારે નાનો પુત્ર અને શુક્રવારે મોટો પુત્ર ઝેરી તાવમાં ગુમાવ્યા હતા જેના પગલે ચાર દિવસમાં જ બંને વ્હાલસોયા ગુમાવનારા દંપતિ ઘેરા શોકમાં ગરકાવ થયુ હતુ. ચારેક દિવસના ટુ઼ંકા સમયગાળામાં જ શ્રમિક પરીવારે પોતાના બંને વ્હાલસોયા કુલદિપક ગુમાવતા પરીવાર પર આભ તુટી પડયુ હતુ.
આ બનાવના પગલે મૃતકના પરીવાર સહિતના જ્ઞાતિજનો અને આજુ બાજુના લોકોના ટોળા એકત્ર થયા હતા.જે મામલે આખરે તબીબોને જાણ કરાતા બાળકોના વિભાગના વડાને તેઓ મળ્યા હતા જયાં બંને બાળકોના ઝેરી તાવથી મૃત્યુ થયાનુ જણાવાયુ હતુ.જયારે પાણીજન્ય રોગના કારણે આ તાવ થતો હોવાનુ પ્રાથમિક તબકકે તબીબોનુ કહેવુ છે,જોકે,તે તપાસનો વિષય છે બનાવના પગલે માતા-પિતા સહિતના પરીજનોના કરૂણ આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યુ હતુ. સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ચિંતાનુ મોજુ ફરી વળ્યુ હતુ.