જામજોધપુર : સખપુર ગામે પાણીની ડોલમાં ડુબી જતા દોઢ વર્ષનાં બાળકનું મોત

0
21
Share
Share

જામનગર, તા.૨૩

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સખપુર ગામમાં વાડી વિસ્તારમાં કરૂણ કિસ્સો બન્યો છે. એક શ્રમિક પરિવારના દોઢ વર્ષના માસૂમ બાળકનું અકસ્માતે પાણીની ડોલમાં ઊંધા માથે પડી જતા ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ નિપજ્યું છે.

મૂળ મઘ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના કાલોદેવી ગામના વતની અને હાલ જામજોધપુર તાલુકાના સુખપુર ગામના ખેડૂત જગદીશભાઈ ધોકિયાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા કાતિયાભાઈ ગુલાબભાઈ ભૂરિયા નામના આદિવાસી મજુરનો દોઢ વર્ષનો પુત્ર ઈશ્વર કાતીયાભાઈ ભુરીયા વાડી વિસ્તારમાં પોતાના ઘર નજીક રમી રહ્યો હતો જ્યાં પાણીની ડોલ ભરેલી હતી ત્યાં એકા એક ડોલની અંદર ઊંધા માથે પડી જતા ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નિપજ્યું હતુ. આ બનાવ અંગે મૃતક ઈશ્વરના પિતા કાતિયાભાઈએ પોલીસને જાણ કરતા જામજોધપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાનો ઘરમાંથી કોહવાયેલો મૃતદેહ મળ્યો

જામનગર શહેરના બર્ધનચોક સંઘાડિયા બજારમાં રહેતી ગીતાબેન જયદેવભાઈ જોશી નામની મહિલાનું મૃત્યુ થયું હતુ અને તેણીનો કોહવાયેલો મૃતદેહ તેણીના ઘરમાંથી મળી આવતા ભારે ચકચાર જાગી છે. આ મહિલાનું મૃત્યુ ત્રણેક દિવસ પહેલા થયું હોવાનુ પ્રાથમિક તારણ છે. પોલીસ ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તેણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલી દઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દાઝેલી યુવતિનું સારવારમાં મોત

જામનગરના કાલાવડ નાકા બહાર મહારાજા સોસાયટી શેરી નંબર ૪ માં રહેતી મલેકાબેન અસગર અલી વોરા નામની ૪૫ વર્ષની પરિણીતા મહિલા ગત તા.૨ જાન્યુ.ના દિવસે પોતાના ઘરે ચા બનાવવા જતા અકસ્માતે દાઝી જવાથી તેણીને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેણીનું મૃત્યુ નીપજ્યું છે.

માનસિક અસ્થિર યુવાનનું તળાવમાં ડૂબી જતા મોત

જામનગરમાં રણમલ તળાવના પાછલા ભાગમાં લાખોટા મિગ કોલોની સામેના ભાગમાં આજે બપોરે એક માનવ મૃતદેહ તરી રહ્યો હોવાની માહીતીના આધારે ફાયર શાખાની ટીમે ઘટના સ્થળે દોડી જઈ પાણીમાં તરી રહેલા એક મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોલીસને સુપરત કર્યો હતો.

પોલીસની તપાસ દરમિયાન મૃતકના ખિસ્સામાંથી એક આધારકાર્ડ મળી આવ્યું હતુ. જેમાં હસમુખ લખુભાઈ ચાવડા (ઉ.વ.૨૮) નામ લખ્યું હતુ અને તેનો ફોટો હતો. જે મૃતકનો જ હોવાનું ઘ્યાનમાં આવ્યું હતુ. પોલીસે મૃતકના પરિવારજનોની શોધખોળ ચલાવી હતી અને મૃતકના ભાઈએ સ્થળ પર આવીને મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. મૃતક યુવાન ખંભાળીયા પંથકનો વતની હોવાનુ જાણવા મળ્યું હતુ. જ્યારે પોતે માનસિક અસ્થિર હોવાથી ઘર છોડીને અવારનવાર ચાલ્યો જતો હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસને બનાવના સ્થળે મૃતકના કપડા-સાબુ વગેરે મળી આવતા પોતે કપડા ધોવા આવ્યો હશે, અને તળાવમાં ડૂબી ગયો હશે તેવું પણ અનુમાન લગાવાયું છે. પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણ મળ્યું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here