રાજકોટ,તા.૨૨
જસદણ પંથકમાં ચાલતા ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરી ચાર શખ્સને પકડી પાડ્યા છે. સોમ પીપળિયાના દિનેશ કુકા ડાભીએ તેના મકાનમાં નકલી વિદેશી દારૂની ફેક્ટરી ચાલુ કરી હોવાની જિલ્લાની સ્પે.ઓપરેશન ગ્રૂપને માહિતી મળી હતી. જેના આધારે દરોડો પાડી દિનેશ ઉપરાંત રાજસ્થાનના પંકજ માનજી પાટીદાર, સુરેશ જાંગીડ અને વીંછિયાના હસમુખ ઉર્ફે હસો કુંભાર ઉર્ફે ભગતને પકડી પાડ્યા હતા.
મકાનમાંથી તમામ સામગ્રી, નકલી શરાબ ભરેલી ૧૩૯૪ બોટલ, કેરબામાં ભરેલો નકલી દારૂ મળી ૯.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બ્રાન્ડેડ વિદેશી દારૂની અસલી બોટલો, ઢાંકણા, લેબલ અને બોક્સ સહિતનો સામાન અન્ય રાજ્યોમાંથી લઇ આવતા હતા. કુખ્યાત બૂટલેગર હસમુખે સાગરીતો સાથે મળી બે દિવસ પહેલા જ ફેક્ટરી ચાલુ કરી હોવાની કબૂલાત આપી છે. નકલી દારૂ તૈયાર થયા બાદ બોટાદ, ભાવનગર સહિતના શહેરોમાં વેચાણ કરવાના હતા.
પીઆઇ ગોહિલે જણાવ્યું કે, નકલી શરાબ બનાવવા કાચો માલ અન્ય રાજ્યોમાંથી લઇ આવતા હતા. તેઓ સ્પિરિટની અંદર વ્હિસ્કી જેવું લાગતું ફ્લેવર અને રંગને પાણીમાં ભેળવી તૈયાર કરતા. વિદેશી દારૂ અસલી જ લાગે તે માટે બ્રાન્ડેડ કંપનીની શરાબની બોટલ, સ્ટિકર, ઢાંકણા લગાવી સીલ મારતા. નકલી શરાબમાં આલ્કોહોલનું ૪૨ ટકા પ્રમાણ રાખતા હોવાનું ચારેય આરોપીએ કહ્યું છે.