જસદણમાં આર્થિક ભીંસથી યુવકનો આપઘાત

0
32
Share
Share

જસદણ, તા.૨૦

જસદણની વડલાવાડી વિસ્તારના યુવકે આર્થીક ભીંસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા પરીવારમાં શોકનુ મોજુ ફરી વળ્યું છે.

વધુ વિગત મુજબ જસદણના વડલાવાડી વિસ્તારમાં રહેતા સંજય ઘુસાભાઈ ભાદાણી નામના યુવકે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા પ્રાથમીક સારવાર જસદણ આપી વધુ સારવાર માટે ગોંડલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ. આ બનાવની પ્રાથમીક તપાસમાં સંજય ભાદાણી મુળ સાણથલી ગામનો રહેવાસી અને હાલ જસદણ ખાતે સ્થાયી થયા હતા. લાંબા સમયથી ધંધો-રોજગાર ન ચાલતા આ પગલુ ભરી લીધાનુ બહાર આવ્યું છે.

બગસરામાં બંધ મકાનમાંથી દોઢ લાખની મતાની ચોરી

બગસરા ખાતે આવેલા સ્વામી વિવેકાનંદ સોસાયટી શેરી નં.૬ માં રહેતા રામકુભાઈ ખોડુભાઈ કહોર નામના ખેડૂતના મકાનમાં અજાણ્યા તસ્કરોએ તાળા તોડી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ મળી રૂા.દોઢ લાખની મતા ચોરી કરી ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

ખાંભાના ભાવરડી ગામે આધેડનો આપઘાત

ખાંભાના તાલુકાના ભાવરડી ગામના વતની અને હાલ સુરત રહેતા ભગુભાઈ મધુભાઈ મોભ નામના ૫૦ વર્ષિય પ્રૌઢે પોતાના વતનમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.

સાવરકુંડલા : બાળકી સાથે અડપલા કરનારને ત્રણ વર્ષની કેદ

સાવરકુંડલા તાલુકાના મોલડી ગામનો વતની અને હાલ નેસડી ખાતે રહેતો સુરેશ ઉર્ફે સુરો બાઘો બલોલીયા નામના શખ્સે બે વર્ષ પૂર્વે માસુમ બાળકીને લલચાવી અડપલા કર્યાની નોંધાયેલા ગુનાનો કેસ અદાલતમાં ચાલતા જેમા બન્ને પક્ષોની લેખીત-મૌખીત રજૂઆત બાદ સરકાર પક્ષ દ્વારા કરાયેલી દલીલો ઘ્યાને લઈ અદાલતે સુરેશ ઉર્ફે સુરાને ત્રણ વર્ષની કેદ અને ભોગ બનનારને રૂા.૫૦ હજારનુ વળતર ચુકવવા હુકમ કર્યો છે.

રાજકોટમાં બાઈકની હડફેટે વૃદ્ધાનુ મોત

રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલી વેલનાથ સોસાયટીમાં રહેતા હંસાબેન પરસોતમભાઈ સેલડીયા નામના ૬૦ વર્ષીય કોળી વૃઘ્ધા ખોખડદળ નદીના પુલ પરથી રસ્તો ક્રોસ કરી રહયા ત્યારે પુરપાટ ઝડપે આવેલા બાઈકે હંસાબેનને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાતા જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હંસાબેનનુ મોત નિપજતા પરીવારમાં શોકનુ મોજુ ફેલાયુ છે.

દ્વારકામાં રીક્ષા પલ્ટી જતા ચાલકનુ મોત

જામનગર તાલુકાના ઢીંચણા ગામે રહેતા મનીષભાઈ ભાણજીભાઈ કટાસીયા નામના ૩૦ વર્ષિય સતવારા યુવાન જેજી૮વી ૨૪૦૩ નંબરની છકડો રીક્ષા લઈ દ્વારકાના એરફોર્સ કેમ્પ નજીકથી પસાર થઈ રહયા હતા ત્યારે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી ખાઈ જતા મનીષભાઈ કટેસીયાનુ મોત નિપજ્યુ હતુ.

લુવારા ગામની કાઠી મહીલા સાથે ગેરવર્તન કરનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ

સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે રહેતા અને ગુજસીટોકના ગુનામાં વોન્ટેન્ડ અશોકભાઈ જયતાભાઈ બોરીચા નામના શખ્સ પોતાના ગામે આવ્યા હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબી અને એસઓજી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ સંજય ગીગાભાઈ પરમારે અશોકભાઈ બોરીચાના બહેન હેમુબેન ખાચર સાથે કરેલા અશોભનિય વર્તનથી કાઠી સમાજમાં રોષ ફેલાયો છે. જે અનુસંધાને ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆત બાદ ભાવનગર રેન્જના આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા તાત્કાલીક અસરથી સંજય પરમારને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

ધ્રોલમાં બેંક, દુકાન અને મંદિરમાં તસ્કરો ત્રાટક્યા

ધ્રોલ શહેરના જામનગર રોડ પર આવેલી જમીન વિકાસ બેંક, સુરભી એગ્રોટેક અને મંદિરમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો છે જેમાં જમીન વિકાસ બેંકના તાળા તોડી બેંકમાં ઘુસી રૂા.૪૨૦૦૦ ની ચોરી કરી ગયા છે. જ્યારે સુરભી એગ્રો જંતુનાશક દવાની દુકાનમાંથી રૂા.૪૦૦ ચોરી ગયા છે જ્યારે  તંબોલેશ્વર મહાદેવ મંદિરમાં છતર ચોરી કરી ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસ સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજની મદદથી તસ્કરોનુ પગેરૂ દબાવ્યું છે.

ચુડામાં વધુ એક વિદ્યાર્થીના અપહરણનો પ્રયાસ

સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા શહેરમાં એક સપ્તાહમાં બે વિદ્યાર્થીના અપહરણના પ્રયાસથી ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. જેમાં ગુલાબનગરમાં રહેતા અકબરભાઈના ૧૬ વર્ષનો પુત્ર સવારે સ્કુલે જવા નીકળ્યો ત્યારે કારમાં આવેલા અજાણ્યા ત્રણ શખ્સોએ સરનામુ પુછવાના બહાને ઘેની પદાર્થ સુંઘાડી અને અપહરણ કરી ગયા હતા બાદ તરૂણને યોગી પેટ્રોલ પંપ પાસે મુકી અપહરણકારો નાસી ગયા હતા. તરૂણ અજાણ્યા યુવાનના બાઈક પાછળ ચુડા આવી પોતાના પર વિતેલી આપવીતી પિતાને વર્ણવતા પરીવારજનો પોલીસ સ્ટેશને ઘસી ગયા હતા અપહૃત તરૂણના પિતાની ફરીયાદ પરથી અજાણ્યા ત્રણ શખ્સો સામે ગુનો નોંધી નાસી છુટેલા અપહરણકારોને ઝડપી લેવા દોડધામ આદરી છે. ચુડામાં એક સપ્તાહમાં બે અપહરણના બનાવોથી કાયદો અને વ્યવસ્થા સામે આંગળી ચીંધાય રહી છે.

લોધીકાના ખીરસરા પાસે કારમાંથી ૧૨૬ બોટલ શરાબ પકડાયો

લોધીકા તાલુકાના મેટોડા પાસે પોલીસ દ્વારા વાહન ચેકીંગ અને પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતુ તે દરમ્યાન પુરપાટ ઝડપે નીકળેલી જીજે૧એચજી ૨૧૩૯ નંબરની કારને પી.એસ.આઈ. કે.એ.જાડેજા સહિતના સ્ટાફ દ્વારા અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે કાર લઈને નાસી છુટતા પોલીસે ફીલ્મી ઢબે પીછો કરતા ચાલક કાર મુકી નાસી છુટતા પોલીસે કારની તલાશી લેતા જેમાંથી રૂા.૬૩૦૦૦ ની કિંમતનો ૧૨૬ બોટલ દારૂ પકડી પાડી બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.

 

ટંકારાના વીરવાવ ગામે યુવકનો આપઘાત

ટંકારા તાલુકાના વીરવાવ ગામે રહેતા અશ્વિનસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નામના ૨૮ વર્ષિય યુવકે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા પ્રથમ રાજકોટ અને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન અશ્વિનસિંહ જાડેજાએ દમ તોડતા પરીવારમાં શોકનુ મોજુ ફેલાયુ છે. પોલીસની પ્રાથમીક તપાસમાં સંતાન પ્રાપ્તી ન થતા આ પગલુ ભરી લીધાનુ ખુલ્યું છે.

કોડીનારના સીંધાજ ગામે નશામાં યુવકે એસીડ પી લેતા મોત

કોડીનારના સીંધાજ ગામે રહેતો લખન ગાંગાભાઈ મકવાણા નામનો ૩૫ વર્ષિય યુવકે નશામાં એસીડી પી લેતા પ્રથમ કોડીનાર, વેરાવળ અને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન લખન મકવાણાનુ મોત નિપજ્યું હતુ. પોલીસની પ્રાથમીક તપાસમાં ત્રણ બહેન અને બે ભાઈમાં વચેટ હતો. લખન મકવાણાના મોતથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here