જસદણ, તા.૨૯
રાજ્યમાં છેલ્લા બે દિવસથી પવન સાથે સખત ઠાર પડી રહ્યો છે જેમાં જસદણ પંથક પણ બાકાત નથી સખત ઠંડીને કારણે આર્થિક સંપન્ન પરિવાર પણ પોતાના બંગલા મકાનમાં ઠારનો અનુભવ કરી રહ્યાં છે ત્યારે ફૂટપાથ પર સ્વિાસ કરતાં ગરીબ નિરાધાર લોકોની કેવી દશા હોય છે? એ વાતને લઈ દયાવાન લોકોની કંપારી છૂટી જાય છે.
જસદણમાં ઘર વગરના લોકોને માટે સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા ન હોવાથી બેઘર લોકોને રાત ફૂટપાથ પર વિતાવવી પડતી હોય છે સખત ઠંડીમાં બેઘર લોકોને મદદરુપ થવા માટે ગત રાત્રીના જગદીશભાઈ પુનાભાઈ રામાણીએ પોતાના સ્વખર્ચે ગરમ ધાબળા લાવી પોતાના મિત્રો હેમલભાઈ પરમાર, યશભાઈ ભરાડ, ડાર્વિનભાઈ ગોરસહિતના મિત્રોએ શહેરના જુદાં જુદાં વિસ્તારોમાં જઈ ફૂટપાથ પર સુતેલા બેધરોને ધાબળા ઓઢાડી હૂંફ આપી હતી.અત્રે નોંધનીય છે કે સેવાના નામે મેવા મેળવનારા લોકોની વચ્ચે જસદણના અનેક યુવાનો સમય અને પૈસા ખર્ચી એક ખરાં અર્થમાં ઈશ્વરીય કાર્ય કરી રહ્યાં છે તે જાણકારોમાં સરાહનીય બન્યુ છે.