જમૈકાના ઓફ સ્પિનર આંદ્રે મેકકાર્થીએ હેટ્રિકની સાથે છ વિકેટ ઝડપી

0
36
Share
Share

જમૈકા,તા.૨૨

જમૈકાના ઓફ સ્પિનર આંદ્રે મેકકાર્થીએ વેસ્ટ ઈન્ડિઝ ડોમેસ્ટિક સુપર ૫૦ કપના મેચમાં બાર્બાડોસ સામે હેટ્રિક લઈ બધાને ચોંકાવી દીધા હતા. તેણે મેચમાં હેટ્રિક લેવાની સાથે ૬ વિકેટ પણ લીધી હતી. તેની બોલિંગને કારણે જમૈકાએ ઓછા રન બનાવ્યા હોવા છતા મેચમાં જીત મેળવી હતી.

આન્દ્રે મેકેર્થીએ આ વર્ષે જાન્યુઆરીમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. તે અત્યાર સુધીમાં બે વનડે મેચ રમ્યો છે. પરંતુ તે એક પણ વિકેટ લઈ શક્યો નથી. પરંતુ તેણે લિસ્ટ-એ ક્રિકેટમાં ચોક્કસપણે આ પરાક્રમ કરી બતાવ્યું છે. બાર્બાડોસની ઇનિંગની ૪૦ મી ઓવરમાં મેકેર્થીએ હેટ્રિક લીધી હતી. તેની ઓવરના ત્રીજા બોલ પર પહેલા તેણે એશ્લે નર્સને બે રને વિકેટકિપરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

તે પછીના બોલ પર તેણે અકીમ જોર્ડનને બોલ્ડ કર્યો અને ત્યારબાદ ઓવરના પાંચમા બોલ પર પણ જોશુઆ બિશપને બોલ્ડ કર્યો હતો. આ તેની કારકિર્દીની પહેલી હેટ્રિક છે. ત્યારબાદ તેણે મેદાનમાં દોડીને આ સફળતાની ઉજવણી કરી. હકિકતમાં જમૈકાએ આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. પરંતુ ટીમ ૫૦ ઓવર પણ રમી શકી ન હતી. જમૈકાએ ૪૫.૩ ઓવરમાં ૨૧૮ રન બનાવ્યા. બાર્બાડોસ તરફથી જોશુઆ બિશપે ૫ અને એશ્લે નર્સે બે વિકેટ લીધી હતી. બાર્બાડોઝની ટીમે જીત માટે જે લક્ષ્ય મળ્યું હતું તેનો પીછો કરવા માટે શરૂઆત સારી રહી હતી. ઓપનર જસ્ટિન ગ્રીવ્સ અને શાઈ હોપે પ્રથમ વિકેટ માટે ૫૨ રન જોડ્યા હતા, પરંતુ ગ્રીવ્સ આઉટ થયા બાદ બાર્બાડોસની ઇનિંગ્સ લથડવા લાગી હતી.

એક સમયે ટીમની ૧૬૩ રનમાં ૬ વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ ઇનિંગની ૪૦ મી ઓવરમાં ઓફ સ્પિનર મેકેર્થી આવ્યો અને તેણે ત્રણ વિકેટ લઈને બાર્બાડોસની આખી ટીમને ૧૬૭ રનમાં ઓલ આઉટ કરી દીધી. ૧૬ રન આપીને ૬ વિકેટ લેનાર મેકેર્થીને ‘મેન ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. મેકેર્થીએ અત્યાર સુધીમાં ૭૧ લિસ્ટ-એ મેચોમાં ૩૬ વિકેટ ઝડપી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here