છોટા પૅકેટ, બડા ધમાકા

0
26
Share
Share

ગરમાગરમ સમાચારો પ્રમાણે ગૂગલ ક્રોમ વિશ્વનું સૌથી લોકપ્રિય અને સૌથી વધુ વપરાતું વેબ બ્રાઉઝર છે. બ્રાઉઝર એટલે જે બટનની મદદથી આપણે ઇન્ટરનેટ સર્ફિંગની શરૂઆત કરીએ છીએ એ. બીજા નંબરે મોઝિલા ફાયરફૉક્સ છે જે એવું જ કામઢું છે, પરંતુ કહે છેને કે અસલી મઝા સબ કે સાથ આતા હૈ, એ જ રીતે વેબ વર્લ્ડમાં સર્ફિંગની મજા પણ ગૂગલ ક્રોમ જેવી બીજે ક્યાંય નહીં. આ મજામાં વધારો કરવા માટે એક્સ્ટેન્શન તરીકે ઓળખાતા પ્રોગ્રામનો ઉપયોગ કરીએ તો કામની મજા અને પ્રોડક્ટિવિટી બન્નેમાં વધારો થાય. એક્સ્ટેન્શન એટલે મોબાઇલ ઍપ્લિકેશન જેવાં જ ટચૂકડાં લટકણિયાં, જે ફ્રીમાં ડાઉનલોડ થાય અને કમ્પ્યુટરના વેબ બ્રાઉઝરના એક ખૂણે પડ્યાં રહીને આપણું કામ આસાન બનાવે.

ગૂગલ ડિક્શનરી : ઇન્ટરનેટ પરનું કોઈ પણ ભાષાનું લખાણ સહેલાઈથી વાંચવું હોય, અંગ્રેજી જેવી કોઈ પણ ભાષાનું શબ્દભંડોળ વધારવું હોય તો આ બેસ્ટ એક્સ્ટેન્શન છે. ગૂગલ ક્રોમના વેબ સ્ટોરમાં જઈને આ એક્સ્ટેન્શન ડાઉનલોડ કરી લો. એક જ ક્લિકમાં આ કામ પતી જશે. બસ, પછી કોઈ પણ વેબસાઇટના કોઈ પણ શબ્દ પર ડબલ ક્લિક કરશો અથવા તો એને સિલેક્ટ કરશો કે તરત જ એ શબ્દનો અર્થ, ઉચ્ચાર અને એને લગતી અન્ય વિગતો હાજર થઈ જશે. ઈવન તમે તમારી ઇચ્છિત ભાષામાં ત્યાં જ એનું ભાષાંતર પણ વાંચી શકશો.

લાસ્ટ પાસ : જીમેઇલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિ્‌વટર, તમારી બૅન્કનાં અકાઉન્ટ જેવી અઢળક સર્વિસો માટે જો તમે એક જ પાસવર્ડ રાખ્યો હોય તો તમારી ઈ-સલામતીનો ભગવાન માલિક છે. આ બધી જ ભાંજગડનો એક સલામત ઉપાય એટલે લાસ્ટ પાસ નામનું એક્સ્ટેન્શન. આ એક્સ્ટેન્શન ડાઉનલોડ કરીને એમાં તમારા બધા પાસવર્ડ સેવ કરી લો. ત્યાર પછી તમારે સો તાળાંની આ માત્ર એક જ ચાવી યાદ રાખવાની, બાકીનું કામ આ એક્સ્ટેન્શન સંભાળી લેશે.કોઈ પણ વેબસાઇટ ખોલતાંવેંત ચારેકોરથી જાતભાતની જાહેર ખબરો ફૂટી નીકળે છે? આપણે બંધ કરતા રહીએ અને દરેક નવા પેજ સાથે આ જાહેર ખબરો ટપકતી જ રહે. આ બધી જ જાહેર ખબરોને ગાયબ કરી દેતો જબરદસ્ત જાદુગર એટલે ઍડબ્લૉક પ્લસ . આ કેવી કામની વસ્તુ છે એનો અનુભવ કરવા માટે ઍડબ્લૉક પ્લસ ડાઉનલોડ કર્યા વિના અને કર્યા પછી એક જ વેબસાઇટ ખોલો એટલે આંખો પહોળી થઈ જાય એવો ફરક સામે આવી જશે. આ એક નાનકડા પ્રોગ્રામે વિશ્વની મસમોટી ઇન્ટરનેટ કંપનીઓના નાકમાં દમ કરી રાખ્યો છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here