છેલ્લા પાંચ વર્ષથી જૂનાગઢના મોસ્ક મકબરાના કર્મચારીઓ પગારથી વંચિત

0
24
Share
Share

જુનાગઢ, તા ૧૧

છેલ્લા પાંચ વર્ષથી જૂનાગઢના મોસ્ક મકબરાના કર્મચારીઓ પગારથી વંચિત રહેતા જુમ્મા મસ્જિદ જૂનાગઢના નાયબ ખતીબ મોહમદ અમીન કાદરીએ કલેક્ટર ને રજૂઆત કરી છે.

રાજ્ય સરકારના કાયદા વિભાગ હેઠળના સરકારની ગ્રાંટ હેઠળ ચાલતા જુનાગઢ મોસ્ક મકબરાનું વહીવટ આઝાદી કાળથી આજ દિન સુધી કલેકટર હસ્તક છે. મોસક મકબરાના કુલ ટાઈમ તેમજ સેટઅપ વાળી જગ્યા ઉપર ૧૯૮૨ થી નિમણૂક પામેલા તેમજ અન્ય કર્મચારીઓને પગાર રુપિયા રુ.૩૦૦૦ માસિક વેતન ચુકવણી થાય છે.

આ મોસ્ક મકબરાના કર્મચારીઓને તારીખ ૧-૧-૯૨થી કાયમી કરી સરકારના ધારાધોરણ દરેક લાભો આપવા તેવો હુકમ ન્યાયાલયનો થયેલ તેમજ દર મહિને રેગ્યુલર પગાર મળે તેવી તાકીદ થયેલ છતાં ગ્રાન્ટ ન મંગાવવાના કારકુનના વાંકના હિસાબે તારીખ ૧-૩-૨૦૧૬થી આજદિન સુધી અવાર-નવાર મૌખિક લેખિત રજૂઆત થવા છતાં પણ પગાર નહીં મળતાં મદદનીશ ઔદ્યોગિક કમિશનરને પણ રજૂઆતો કરી પણ ઉકેલ નહિ આવતાં

યોગ્ય હુકમ કરી કરાવી પગાર જમા થાય તે માટે જુમ્મા મસ્જિદ જૂનાગઢના નાયબ ખતીબ મોહમદ અમીન કાદરીએ રજુઆત કરી છે.

સક્કરબાગથી આંબેડકર ચોક

સુધીના રોડનું ખાતમુહૂર્ત કરાયુ

લાંબા સમયથી આ રોડનું કામ ટલ્લે ચડ્યું હતું

જૂનાગઢના સક્કરબાગથી માર્કેટીંગ યાર્ડ થઇ દોલતપરાના ડો.આંબેડકર ચોક સુધીના રોડનું ખાતમુહૂર્ત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેનના હસ્તે કરાયું હતું. જેમાં ૪.૨૯ કરોડના ખર્ચે સીસીરોડ બનાવવામાં આવશે. આ તકે મેયર ધીરુભાઇ ગોહેલ, કમિશનર તુષાર સુમેરા તેમજ અધિકારી,પદાધિકારીઓ અને કોર્પોરેટરની ઉપસ્થિત રહીયા હતા.

અત્રે નોંધનીય છે કે, લાંબા સમયથી આ રોડનું કામ ટલ્લે ચડ્યું હતું.તે દરમિયાન ભાજપના જ કોર્પોરેટરોએ ઉપવાસ ઉપર ઉતર્યા હતા. હવે રોડના કામનું ખાતમુહૂર્ત થયું છે ત્યારે સારુ કામ થાય અને ઝડપી થાય તેવી લોકોની માંગણી અને લાગણી છે.

માછીમારોને કેરોસીનની સબસિડીમાં

મળતી સહાય રૂ.૨૫માંથી ૫૦ કરો

સાગરખેડૂતોની કફોડી હાલત : ડિઝલને વેટમુકત કરવા પણ માંગ

કોરોના, કુદરતી આફતો તેમજ ચાઈનીઝ માર્કેટમાં અવરોધના કારણે ગુજરાતના સાગર ખેડૂતોની કફોડી હાલત થઈ છે.ત્યારે માંગરોળ ખાતે માછીમારોની બેઠક યોજાઇ હતી જેમાં માછીમારોને કેરોસીનની સબસિડીમાં ૨૫ના બદલે ૫૦ સહાય મંજુર કરવા અને ટ્રોલિંગ ફિશીંગમાં વપરાતા ડીઝલને વેટ મુક્ત કરવા સહિતની માંગ કરવામાં આવી હતી.

છેલ્લા બે વર્ષથી વાવાઝોડા તેમજ માર્ચ માસથી કોરોના મહામારી અને ચાઈનીઝ માર્કેટમાં અવરોધ ઉભા થવાને લીધે ગુજરાતના સાગર ખેડૂતો કફોડી હાલતમાં મૂકાયા છે. માછીમારોની સમસ્યાઓ અંગે ચર્ચા માટે  માંગરોળ બંદર ખાતે અખિલ ભારતીય ફિશરમેન એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ વેલજીભાઈ મસાણીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.જેમાં સૌરાષ્ટ્રના વિવિધ બંદરના આગેવાનો, હોળી-બોટ એસો.ના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં વાવાઝોડાના લીધે સીઝન વખતે પરત આવવું પડ્યું હતું. જેમાં ૫ થી ૬ લાખનું નુકસાન થયું હતું. લોકડાઉન દરમિયાન માછલીની કિંમત ૨૫ ટકા થઇ જતા આર્થિક નુકસાન ભોગવવું પડયું હતું બચત કરેલી મરણમૂડી પણ ખર્ચ થઇ ગઇ હોવાની ચિંતા વ્યક્ત થઈ હતી.

આ બેઠકમાં માછીમારોની સ્થિતિ સુધરે તે માટે કેરોસીનમાં ૨૫ રુપિયાની સહાય ને બદલે ૫૦ રુપિયા કરવામાં આવે, ટ્રોલિંગ ફિશિંગમાં વેટ મુક્ત ડીઝલ આપવામાં આવે.હાલ જે ગેસ સિલિન્ડરમાં સહાયની પદ્ધતિ છે તેમ પેમેન્ટ થાય તેમજ માછીમારોને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં મુક્તિ આપવામાં આવે આ ઉપરાંત ત્રણ વર્ષમાં દરિયાઈ સરહદેથી પકડાયેલા ૨૭૦ માછીમારો અને બોટને છોડાવવા રજૂઆત કરાઇ હતી.

આ ઉપરાંત ધામળેજ નજીકના દરિયામાં ડોલરથી અકસ્માત થતાં બે માછીમારોના મોત થયા હતા.આ ટ્રોલર હજુ પોલીસના હાથમાં આવ્યું નથી. આ દુઃખમાં સપડાયેલા પરિવારને આર્થિક સહાય આપવા એક લાખ રાહતનિધિ એકત્ર કરવામાં આવી છે.

જૂનાગઢમાં અયોધ્યામાં રામ મંદિરમાં

યોગદાન આપવા બેઠક યોજાઇ

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં આર્થિક યોગદાન આપવા માટે જૂનાગઢમાં પ્રતિષ્ઠિત નાગરિકોની મંદિરની નિધિ સમિતિ દ્વારા એક બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં ૮૫ પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોટી રાશિ આપવા માટે આહવાન કરાયું હતું.

આ બેઠકમાં સંજયભાઈ કોરડીયાએ રુ.૧,૧૧,૧૫૧ રાશિ સમર્પણ કરવાની ઘોષણા કરી ત્યારે ઉપસ્થિત અમુક મહેમાનોએ આગામી ૧૫ તારીખે તેમની રાશિ જાહેર કરશે તેવી ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોને મંદિર નિધિ સમિતિ દ્વારા અભિયાનને લગતી તમામ માહિતીને આવરી લેતી એક બુકલેટ અર્પણ કરાઇ હતી. તથા આગામી દિવસોમાં તમામ એસોસિયેશનની એક સ્વતંત્ર બેઠક યોજવા પ્રયાસ હાથ ધરવામાં આવશે. તેવું નક્કી કરાયું હતું.

જૂનાગઢની રવિવારી ગુજરી બજારમાં વેપારીઓને જગ્યા ફાળવો

વેપારીઓની મનપાના કમિશનરને રજૂઆત

જૂનાગઢમાં રવિવારે ગુજરી બજારમાં જુના કાપડના વેપારીઓને બેસવા માટે જગ્યા ફાળવવા બાબતે જુનાગઢના ધારાસભ્ય સહિતના નેતાઓએ માંગ કરી છે.

રવિવારે જૂનાગઢ માં ગુજરી બજારમાં જુના કાપડના વેપારીઓને બેસવા માટે જગ્યા ફાળવવા બાબતે મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપી જુના કાપડના વેપારીના રોજી રોટી માટે તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે આ કપડાં ખરીદતા હોય તેમના હિતને ધ્યાને લઇ રવિવારે ગુજરી બજારમાં બેસવાની મંજૂરી આપવામાં આવે તે અંગેની માંગ કરવામાં આવી હતી.

આ બાબતે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, સીપીએમના બટુકભાઈ મકવાણા, જીશાનભાઇ હાલેપોત્રા, વેપારી આગેવાનો અરવિંદભાઈ પાયર,  વગેરે એ મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરી હતી દરમિયાન આ અંગે જૂનાગઢ મનપા કમિશનરે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here