ચોટીલાનાં રાજવી પરીવારનાં જોરૂભાઈનાં અવસાનથી પંથકમાં ઘેરો શોક

0
30
Share
Share

સુરેન્દ્રનગર, તા.૨૪

ચોટીલાના રાજવી સ્વ.ગોદડબાપુ પીઠુબાપુ ખાચરના સૌથી નાના પુત્ર જોરૂભાઈ ખાચરનું તા.૨૩ સપ્ટેમ્બર આસો સુદ સાતમ (પરસોતમ માસ) બુધવારે વહેલી સવારે અચાનક દુઃખદ અવસાન થતા સમગ્ર ચોટીલા શહેર અને પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી.

આ રાજવી પરીવારના સ્વ.શાંતુભાઈ ગોદડબાપુ ખાચર, સ્વ.ભગુભાઈ ગોદડબાપુ ખાચરના નાનાભાઈ તથા ચોટીલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયદીપભાઈના પિતા અને જયવીરભાઈ શાંતુભાઈ ખાચર, બલવીરભાઈ શાંતુભાઈ ખાચરના કાકા સ્વ.જોરૂભાઈની અંતિમયાત્રા દરમ્યાન ચોટીલા તથા આસપાસના ગામોની તમામ જ્ઞાતિના લોકો, આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ દરમ્યાન લોકોની આંખોમાંથી સતત અશ્રુધારા વહેતી જોવા મળી હતી.

ચોટીલાની કોઠારી શેરીમાં રહેતા અને કાઠી દરબાર સમાજના પીઢ અગ્રણી જોરૂભાઈ ખાચરના અણધાર્યા અવસાનના સમાચાર સાંભળી કોઠારી શેરી, મોચી બજાર, આંબલી ચોક, દરબારગઢ, આણંદણપુર રોડ, માર્કેટ યાર્ડ વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. જોરૂભાઈ ખાચર ખુબજ ધાર્મિક સ્વભાવના હતા.

અને જૈનોના ચોટીલામાં આવેલ દેરાસર, મોચી બજારમાં ભોલેશ્વર મહાદેવના મંદિર, હરીમાધવબાપુના ભંગની ધારના મંદિરમાં નિયમીત દર્શને જતા હતા અને દર વર્ષે ભાઈબીજની મથુરા, હરિદ્વારની યાત્રા સહિત અનેકવાર કુંભના મેળામાં પણ સાધુ સંતોના દર્શને ગયા હતા. જ્યારે દર વર્ષે ફાગણ માસની પુનમ પ્રસંગે પગપાળા ચાલીને દ્વારકાધીશના દર્શને પણ જતા હતા.

સ્વ.જોરૂભાઈ ખાચરે પોતાના ખુબજ નિખાલસ અને મળતાવડા સ્વભાવના કારણે સમગ્ર ચોટીલા પંથકમાં તેઓએ ખુબજ માન અને આદર પ્રાપ્ત કર્યા હતા. ધાર્મિક સ્વભાવ ધરાવતા અને સાધુસંતો તથા અભ્યાગતોને આદર આપનાર સ્વ.જોરૂભાઈ ખાચર પોતાના રાજવી પરિવારના કુળદેવી ચામુંડા માતાજી માં અપાર શ્રદ્ધા ધરાવતા હતા. સ્વ.જોરૂભાઈ ખાચરના અણધાર્યા અવસાનના કારણે સમગ્ર ચોટીલા તથા આસપાસના ગામડાઓમાં સુમસામ વાતાવરણ અને ગમગીનીનો માહોલ છવાયો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here