ચૈતસિક ગુનાશોધકો

0
45
Share
Share

ડચ પેરાસાઇકોલોજિસ્ટ, સાઇકોમીટરિસ્ટ અને સાઇકિક તરીકે ખ્યાતિ પામેલ જીરાર્ડ ક્રોઇસેટનો જન્મ તારીખ ૧૦-૨-૧૯૦૯ના રોજ નેધરલેન્ડના નોર્થ પ્રીલેન્ડ બરેન ખાતે થયો હતો. ૭૧ વર્ષની ઉમરે ૨૮-૭-૧૯૮૦ના રોજ યુટ્રેક્ટ ખાતે એમનું મરણ થયું હતું. ડચ પરામનોવિજ્ઞાની પ્રો. વિલેમ ટેનહાફે તથા પ્રો. હાન્સ બેન્ડરે એમની ચૈતસિક શક્તિઓ વિશે ઘણા પ્રયોગો કર્યા હતા. કોઇસેટે ડચ પોલીસને ઘણા ગુનાઓ એમની ચૈતસિક શક્તિથી ઉકેલી આપ્યા હતા.૧૯૪૯માં એકવાર એક ગુનાની તપાસ માટે પોલીસે પહેલાં તેમની કસોટી કરી હતી અને પછી તેમાં સફળ થતા તેમની સહાય લીધી હતી. પોલીસ અધિકારીઓએ તેમને કાગળમાં વીંટળાયેલી બે વસ્તુઓ આપી હતી. ક્રોઇસેટે કેવળ સ્પર્શીને એના વિશે કહેવાનું હતું.તેમણે એ ખોલ્યા વિના જ એના પર હાથ મૂકી એની વિગતો જાણી લીધી હતી. તેમણે પોલીસને કહ્યું હતું – આ નાનું પેકેટ છે તેમાં તમાકુની એક ડબ્બી છે. તે ડબ્બી જે ઘરમાંથી આવી છે તે ઘરમાં મધ્યમવર્ગના બે વિકૃત મગજના ભાઇઓ રહે છે. બીજા પેકેટમાં એક કોથળો છે. તે ગાયને ઓઢાડવા માટે ઉપયોગમાં લેવાતો આવ્યો છે. આ બન્ને વસ્તુઓ એક ગુનાની ઘટના સાથે સંકળાયેલી છે. એ બન્ને ભાઇઓ એક અભણ અને ભોળી છોકરીને ભોળવીને એક ગમાણ સુધી લઇ ગયા હતા. તેમણે તેની સાથે દુષ્કર્મ કરી એને મારી નાંખવાની યોજના કરી હતી.મારી નાંખ્યા પછી તેને દાટી દેવી કે પાણીમાં ડુબાડી દેવી એ બાબતે બન્ને ઝગડી પડયા હતા. એ વખતે એ છોકરી ત્યાંથી ભાગી ગઇ હતી અને એના પ્રાણ બચી ગયા હતા. ક્રોઇસેટે કહ્યું તે પ્રમાણે પોલીસે તપાસ કરી તો તેમની વાત એકદમ સાચી પુરવાર થઇ હતી. બેમાંથી એક ગુનેગાર આત્મહત્યા કરશે એવી ભવિષ્યવાણી ક્રોઇસેટે કરી હતી જે પાછળથી સાચી પુરવાર થઇ હતી.જાપાનની પોલીસે મે ૧૯૭૬માં ક્રોઇસેટની મદદ લીધી હતી. મિવા કિ કુચી નામની એક છોકરી ખોવાઇ ગઇ હતી. પોલીસે ક્રોઇસેટને તેનો ફોટો આપ્યો હતો. ક્રોઇસેટે એ ફોટા પર થોડીવાર હાથ મૂકી રાખ્યો હતો અને એના પરથી ’ઈમ્પ્રેશન’ મેળવી કહેવા માંડયું હતું – આ છોકરી જ્યાં રહેતી હતી એના ઘર પાસે એક તળાવ આવેલું છે.એ તળાવ પાસે બોટો લાંગરવાનો એક નાનો ડક્કો છે. એની નજીકમાં કોઇ ઈમારત છે એનો રંગ પીળો છે. મને એ છોકરીની લાશ એ વિસ્તારમાં તરતી દેખાઇ રહી છે. પોલીસે એ તળાવમાં તપાસ કરી તો મિવા કિકુચીની લાશ તળાવના એ ભાગમાંથી જ મળી આવી. ત્યાં બોટો પર સામાન ચડાવવાનો નાનો ડક્કો હતો અને નજીકમાં વોટર સપ્લાય ટાવર હતો જે પીળા રંગે રંગાયેલો જ હતો.જીરાર્ડ ક્રોઇસેટના સમકાલીન વીસમી સદીના ચૈતસિક અંતદ્રૅષ્ટા જાસુસ પીટર હરકોસની (૨૧-૫-૧૯૧૧ – ૧-૬-૧૯૮૮) ખ્યાતિ પણ આ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે વ્યાપેલી છે. નેધરલેન્ડમાં જન્મેલા આ ડચ ચૈતસિકે સ્કૉટલેન્ડ યાર્ડ તથા અન્ય પોલીસોને અવારનવાર મદદ કરી અનેક ગુનાઓના કિસ્સાઓ ઉકેલ્યા હતા. (હરકોસ પણ નિષ્ણાત સાઇકોમીટરિસ્ટ હતો જે ગુનામાં વપરાયેલી વસ્તુઓને સ્પર્શીને ગુનેગારના જીવન વિશે અને ગુનાહિત ઘટના વિશે જાણકારી મેળવી શકતા હતા.)એકવાર એક કેસ સંદર્ભે પોલીસ અધિકારીઓએ તેમને કાંસકી, કાંડા ઘડિયાળ, કાતર, પર્સ અને સિગારેટ લાઈટર જેવી થોડી વસ્તુઓ આપી. તેમણે દરેક વસ્તુ થોડીવાર પોતાના હાથમાં પકડી રાખી. એમના માનસ પટલ પર ચલચિત્રની જેમ થોડા દ્રશ્યો ઊભરવા લાગ્યા. તેમણે એક કાગળ અને પેન્સિલ માગ્યા. એ  આપવામાં આવ્યા એટલે એમણે એક વિસ્તારનો સ્કેચ દોર્યો.એ સાથે એક મકાનની બહારનો અને અંદરનો ભાગ. એક સ્ત્રીનો મૃતદેહ, દૂધની બોટલ અને દારૃ પીતા એક પુરુષનું ચિત્ર પણ દોર્યું. પછી તેમણે કહેવા માંડયું – ’મને રેલવેના પાટા પાસે આવેલું એક મકાન દેખાય છે. એક પહાડની નીચે થોડા વૃક્ષો આવેલા છે ત્યાં આ મકાન છે. મકાન પાસે અનાજ ભરવાનો એક ઓરડો (કોઠાર) આવેલો છે. એ કોઠાર અને મકાનની વચ્ચેના ભાગમાં એક સ્ત્રીનો મૃતદેહ પડેલો છે.એ મૃતદેહ કઇ સ્થિતિમાં છે અને બીજી વસ્તુઓ પણ ક્યાં, કેવી રીતે રહેલી છે તે બધું મેં આ ચિત્રોમાં દોરીને દર્શાવ્યું છે. એ મૃતદેહથી થોડે દૂર એક દૂધની બોટલ પડેલી છે. ચિત્રમાં બતાવ્યો છે એ પુરુષ પેલી મૃત સ્ત્રીનો પતિ છે. એ દારૃડિયો છે. એણે જ દૂધમાં ઝેર ભેળવીને એની પત્નીની હત્યા કરી છે. પોલીસે તેની ધરપકડ કરી હતી અને એણે પોતે હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી હતી.છવ્વીસ વર્ષની સુંદર અમેરિકન અભિનેત્રી શેરોન ટેટ પોલેન્સ્કીની એના ઘરમાં એના ચાર મિત્રોની સાથે નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવી હતી ત્યારે પણ પોલીસે પીટર હરકોસની મદદ લઇ ગુનેગારના સગડ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મેન્સન ફેમિલીના સભ્યો એવા હત્યારાઓ પકડાયા ત્યારે જોવા મળ્યું હતું કે હરકોસે દર્શાવેલા હત્યારાઓ સાથે એ બંધબેસતા આવતા હતા.એનેટ માર્ટિન, ડોરોથી વિલિયમ્સ, જ્યોર્જ એન્ડરસન, સિલ્વિયા, બ્રાઉન, થેરેસા કેપુટો, ચિર કૉફે, એલિસન ડુબોઇ, જ્હોન હોલેન્ડ, જ્યોર્જ એડવર્ડ, જેમ્સ વાન પ્રાઘ, મિશેલ વ્હાઇટડવ, લિસા વિલિયમ્સ જેવા અનેક અર્વાચીન માધ્યમો અને ચૈતસિકોએ ’સાઇકિક ડિટેકશન’નું કાર્ય પણ કર્યું છે.કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોની કાઉન્ટીમાં જન્મેલ એનેટ માર્ટિન (૧૯૩૭-૨૦૧૧) પણ લબ્ધ પ્રતિષ્ઠિત સાઇકિક ડિટેક્ટિવ હતા. તેમણે લગભગ છત્રીસ વર્ષ સુધી ’ચૈતસિક ગુનાશોધક’ તરીકે સફળ કામગીરી કરી હતી. એમને ’ઈન્ટરનેશનલ પેરાનોર્મલ એકનોલેજમેન્ટ એવોર્ડ ફોર ૨૦૦૯’ એનાયત કરાયો હતો. માર્ટિન કાઉન્ટી શેરીફીની ઑફિસમાં એમણે ચૈતસિક રીતે ઉકેલેલા અનેક ગુનાઇત કિસ્સાનો રેકોર્ડ છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here