ચીન સામે આર્થિક લડાઈ શરૂ કરવા ભારત માટે શ્રેષ્ઠ સમય

0
12
Share
Share

ચીને ભારતના ૨૦ જવાનોની ગલવાન ઘાટીમાં હત્યા કરી એ મુદ્દે લોકોમાં ભારે આક્રોશ છે. સોશિયલ મીડિયા પર લોકો ચીનના બહિષ્કારની વાતો કરી રહ્યા છે. ચીનનો માલ નહીં ખરીદવાની વાતો પણ જોરશોરથી ચાલી રહી છે. ઘણાં ઠેકાણે ચીનનો માલ પણ બાળવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે નરેન્દ્ર મોદી સરકાર ચૂપ બેઠી છે. મોદી ચીન સામે આર્થિક પ્રતિબંધો કે નિયંત્રણો મુદ્દે કશું બોલતા નથી. તેના કારણે પણ ઘણાં લોકોમાં આક્રોશ છે. મોદી સરકાર ચીન સામે શું કરવા માગે છે એવો સવાલ પણ પુછાઈ રહ્યો છે. સરકાર વતી આ સવાલના જવાબ આપવા માટે કોઈ આગળ આવતું નથી તેથી લોકો મૂંઝવણમાં પણ છે.મોદી સરકારના મૌન પાછળનાં કારણ શું છે એ કળવું મુશ્કેલ છે પણ ચીન સામે આર્થિક લડાઈ લડવી પડશે એ નક્કી છે. આજે નહીં તો કાલે પણ એ અંગે મોદી સરકારે નિર્ણય લેવો જ પડવાનો છે. ભારત પરમાણુ સત્તા છે અને દુનિયામાં સૌથી મોટાં લશ્કર ધરાવનારા દેશોમાં એક છે. સામે ચીન પણ પરમાણુ સત્તા છે અને દુનિયામાં સૌથી મોટાં લશ્કર ધરાવનારા દેશોમાં એક છે. આ સંજોગોમાં લશ્કરી રીતે ચીન અને ભારત સરખા બળિયા છે. બે સરખા બળિયા લડે ત્યારે બંનેને મોટું નુકસાન થતું હોય છે એ જોતાં એ વિકલ્પ બહુ સારો નથી.આપણે ભલે ગમે તે કહેતા હોઈએ પણ ચીનની લશ્કરી તાકાત જોતાં ચીનને લશ્કરી રીતે સરળતાથી તોડી શકાય એમ નથી એ કબૂલવું પડે. આ સંજોગોમાં તેની સામે લડવાનો એક માત્ર વિકલ્પ આર્થિક લડાઈ છે. આ લડાઈ ક્યારે શરૂ થશે એ ખબર નથી પણ આ લડાઈ બહુ લાંબી હશે એ સ્પષ્ટ છે. સોશિયલ મીડિયા પર અબુધ લોકો ટીકટોક કે ચીનના માલનો બહિષ્કાર કરવાની જે વાતો કરે છે એ રીતે આ લડાઈ લડી શકાય એમ નથી. એ માટે ભારતે લાંબા ગાળાનું નક્કર આયોજન કરવું પડે અને જોરદાર વ્યૂહરચના પણ ઘડવી પડે. ભારતે બીજા દેશોનો સાથ પણ લેવો પડે ને તો જ ચીનને આર્થિક લડાઈમાં પછાડી શકાય તેમ છે.ભારતના સદનસીબે અત્યારે કોરોના વાઈરસના કારણે ચીન સામે એ લડાઈ શરૂ કરવાનો ભારત પાસે શ્રેષ્ઠ સમય છે. કોરોના વાઈરસનું મૂળ ચીનમાં છે તેથી ચીન સામે વિશ્ર્‌વભરમાં આક્રોશ છે. દુનિયાના મોટા ભાગના દેશ કોરોના વાઈરસને ચીનનું કાવતરું ગણાવી રહ્યા છે. ચીનની મથરાવટી મેલી છે તેથી એવા આક્ષેપ પણ થઈ રહ્યા છે કે ચીને વિશ્ર્‌વનાં મોટાં અર્થતંત્રો પર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે કોરોના વાઈરસના જૈવિક હથિયારનો ઉપયોગ કર્યો છે. ચીન કોરોના મુદ્દે શંકાસ્પદ રીતે વર્તી રહ્યું છે અને ઘણું બધું છૂપાવી રહ્યું છે તેના કારણે આ આશંકા દૃઢ બનતી જાય છે. દુનિયાના દેશો ચીન સામે નારાજ છે. ઘણા દેશો તો ચીન સાથેના સંબંધો પર પ્રતિબંધ મૂકવા સુધીની વાતો કરી રહ્યા છે. ચીન સામેનો આ આક્રોશ અને વિરોધ ભારત માટે ચીન સામે આર્થિક જંગ શરૂ કરવાનું નિમિત્ત બની શકે છે.ભારત માટે સૌથી સારી વાત એ છે કે, અમેરિકા, જાપાન, બ્રિટન, યુરોપિયન યુનિયન વગેરે વિશ્ર્‌વમાં સૌથી શક્તિશાળી ને આર્થિક મહાસત્તા જેવા દેશો ચીનથી નારાજ છે. કોરોના વાઈરસના કારણે સૌથી વધારે નુકસાન અમેરિકાને થયું છે. અમેરિકામાં મૃત્યુઆંક એક લાખને પાર થઈ ગયો છે. અકળાયેલા ડોનલ્ડ ટ્રમ્પે ચીનને ખુલ્લેઆમ ધમકી આપી છે કે, ચીને જાણી જોઈને કોરોના વાઈરસનો ચેપ ફેલાવ્યો હોવાની ખબર પડશે તો અમેરિકા તેની ઔકાત બગાડી નાખશે. ટ્રમ્પે તો અમેરિકાની ટીમને તપાસ માટે વુહાન જવાની મંજૂરી અપાય એવું પણ કહેલું. ચીન તેને માટે તૈયાર ના થતાં અમેરિકાએ ચીન સાથેની વ્યાપાર સમજૂતી રદ કરી નાખવાની ચીમકી આપી છે.બ્રિટન પણ ચીન સામે ગુસ્સે ભરાયેલું છે. બ્રિટને બે કરોડ ડોલર આપીને ચીન પાસેથી ટેસ્ટ કિટ્‌સ ખરીદી હતી. આ બધી કિટ્‌સ નકામી હોવાથી બગડેલા બ્રિટને ચીન સાથેના વ્યાપારી સંબંધો કાપી નાખવાની ચીમકી આપી છે. જાપાન અને ચીન વચ્ચે સારા સંબંધો નથી પણ આર્થિક હિતો સાચવવા બંને વચ્ચે ધમધોકાર વ્યાપાર ચાલે છે. જાપાને ચીન સાથેના વ્યાપાર પર પૂર્ણવિરામ મૂકવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જાપાને ૧ ટ્રિલિયન ડોલરનું પેકેજ પોતાના ઉત્પાદકો માટે બનાવ્યું છે. સંખ્યાબંધ જાપાની કંપનીઓના પ્લાન્ટ ચીનમાં છે. જાપાને આ પ્લાન્ટ ચીનથી બહાર ખસેડવા માટે ૨.૨ અબજ ડોલરની ફાળવણી પણ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની યુનિવર્સિટીઓમાં ચીનના વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધની વિચારણા શરૂ કરી દીધી છે.કોરોના વાઈરસની અસર યુરોપિયન દેશોને પણ વ્યાપક રીતે થઈ છે. ઈટાલી, જર્મની, સ્પેન અને બ્રિટન એ ચારેય દેશોમાં મૃત્યુઆંક મોટો છે. બ્રિટન હવે યુરોપિયન યુનિયનમાં નથી પણ બાકીના ત્રણેય દેશો યુરોપિયન યુનિયનમાં છે. યુરોપિયન યુનિયન અને ચીન વચ્ચે વરસે ૭૫૦ અબજ ડોલરનો વેપાર છે. યુરોપિયન યુનિયને સત્તાવાર રીતે વ્યાપાર સંબંધો અંગે ફેરવિચારણા કરવાની જાહેરાત કરી છે. કોરોના કટોકટી હળવી થાય પછી આ યુરોપિયન યુનિયનના નેતાઓ મળશે અને નિર્ણય લેશે. યુરોપના મોટા ભાગના નેતા ચીનથી ખફા છે તે જોતાં ચીન માટે યુરોપિયન યુનિયનના દરવાજા બંધ થઈ શકે છે. ૧૬ એપ્રિલે યુરોપિયન યુનિયનના સભ્ય દેશોના ટ્રેડ મિનિસ્ટર્સની બેઠક મળી તેમાં નક્કી કરાયું હતું કે, તમામ પ્રકારના પુરવઠા માટે કોઈ ચોક્કસ દેશ પર નિર્ભર ના રહેવું અને આ અવલંબન ઘટાડવું. આ નિર્ણય ચીનના સંદર્ભમાં લેવાયો છે કેમ કે ચીન યુરોપિયન યુનિયનનું સૌથી મોટું સપ્લાયર છે. આ ઘટનાક્રમ ભારત માટે હકારાત્મક છે. ભારત આ દેશો સાથે આર્થિક નિકટતા વધારે તો ચીનને મોટો ફટકો મારી શકે. ચીન આર્થિક તાકાતના જોરે દાદાગીરી કરે છે. ભારત એ તાકાતને જ તોડી નાખે તો ચીનનું સ્થાન લઈ શકે ને આર્થિક મહાસત્તા બની શકે.ચીને ભારતના ૨૦ જવાનોની હત્યા કરી તેની સામે લોકોમાં ભારે આક્રોશ છે. લોકોની લાગણી એવી છે કે, ભારતે ચીન સામે પગલાં લેવાં જ જોઈએ. ચીન આપણને નેપાળ કે શ્રીલંકા જેવા દેશ સમજીને વર્તે ને આપણા સૈનિકોને ભાજીમૂળાની જેમ રહેંસી નાંખે એ બિલકુલ ના ચાલે. લોકો માને છે કે, ચીનને અહેસાસ કરાવવો જ જોઈએ કે ભારત એંદુપેંદુ દેશ નથી કે ચીન મનફાવે એ રીતે તેની સાથે વર્તે ને ભારત કોઈ જવાબ આપ્યા વિના બેસી રહેશે.આ લોકલાગણી વચ્ચે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન સાથેના મુદ્દે સર્વપક્ષીય બેઠક કરી. શનિવારે મોડે લગી ચાલેલી આ બેઠકમાં મોદીએ ચીનના મોરચે શું સ્થિતિ છે તેની માહિતી આપી પણ કશું નક્કર નક્કી થયું નથી. ચીનની લશ્કરી તાકાત ને વધારે તો સામ્રાજ્યવાદી માનસિકતાના કારણે વીસ જવાનોની હત્યાનો બદલો લેવા લશ્કરી પગલાં ભરાય એવી શક્યતા તો છે જ નહીં. મોદીએ ભલે જવાનોનું નૈતિક બળ ટકાવી રાખવા કહી દીધું કે, યથોચિત પ્રસંગે જવાબ અપાશે પણ એ સમય આવવાનો નથી એ સૌને ખબર છે. આ સંજોગોમાં મોદી લશ્કરી પગલાંની જાહેરાત કરશે એવી આશા કોઈ રાખતું નહોતું પણ ચીન સામે આર્થિક સહિતના સંબંધો પર કાપ મૂકવા મુદ્દે મોદી કોઈ નક્કર દરખાસ્ત મૂકશે એવી આશા સૌ રાખીને બેઠેલાં. કમનસીબે આ બેઠકમાં એવી પણ કોઈ જાહેરાત ના થઈ ને સૌ વાતોનાં વડાં કરીને વેરાઈ ગયા.દેશમાં લોકો આ સ્થિતિને કઈ રીતે લેશે એ ખબર નથી પણ આ માહોલમાં જનરલ વી.કે. સિંહે એક ઈન્ટરવ્યૂ આપ્યો ને તેમા તેમણે જે વાતો કરી છે એ આપણી આંખો ઉઘાડનારી છે. જનરલ સિંહ દેશના ભૂતપૂર્વ લશ્કરી વડા છે પણ એ મુદ્દો બહુ મહત્વનો નથી. લશ્કરમાંથી નિવૃત્ત થયેલા લોકો કંઈ પણ બોલે તેને લોકો જ ગંભીરતાથી નથી લેતાં ત્યારે સરકાર ગંભીરતાથી લે એવી તો આશા ના જ રખાય. જો કે, જનરલ સિંહ માત્ર ભૂતપૂર્વ લશ્કરી વડા હોત તો તેમની વાતને લોકોએ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી જ નાંખી હોત પણ એ મોદી સરકારમાં પ્રધાન પણ છે તેથી તેમની વાતને ગંભીરતાથી લેવી પડે.આ દેશના વીસ જવાનોને ચીનના લશ્કરે રહેંસી નાંખ્યા તેના કારણે દેશનાં લોકોનું લોહી ઉકળી જ ઉઠ્યું છે પણ લોકો જાણે છે કે, ચીન સામે લશ્કરી પગલાં ઉપાય નથી. ચીન પાકિસ્તાન કે મ્યાનમાર નથી કે આપણું લશ્કર તેની સરહદમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી આવી શકે. ચીનની લશ્કરી તાકાત અમાપ છે. આપણે તેને પહોંચી ના વળીએ એવું નથી પણ એક વાર લશ્કરી કાર્યવાહી શરૂ થાય પછી આપણે આરપારની લડાઈ જ લડવી પડે. જે નુકસાન થવું હોય એ થાય, જેટલાં લોકો મરવાં હોય એટલાં મરે પણ ચીનને સીધું કરવું જ છે એમ માનીને તૂટી પડીએ તો એ લડાઈ લડાય. એવો સમય આવ્યો નથી તેથી લશ્કરી પગલાંનો તો સવાલ જ નથી પણ આર્થિક પગલાં ચોક્કસ ભરી શકાય. એ સિવાય આપણે બીજું કરી પણ શું શકીએ?જનરલે સિંહે જે ઉપાય બતાવ્યો એ યોગ્ય જ છે તેમાં શંકા નથી પણ સવાલ એ છે કે, એ પગલાં ભરે કોણ ? ને તેનાથી મોટો સવાલ એ છે કે, આ પગલાં ભરાશે ક્યારે ? આ બંને સવાલોના જવાબ નરેન્દ્ર મોદી જ આપી શકે ને મોદી તો આ મામલે કશું બોલતા નથી. સર્વપક્ષીય બેઠકમાં તેમણે બીજી બધી વાતો કરી પણ આ મુદ્દે ફોડ જ ના પાડ્યો. લોકો ચીની ચીજો બાળીને આક્રોશ બતાવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર ચીનનો માલ નહીં ખરીદવાના હાકલાપડકારા પણ થઈ રહ્યા છે. જો કે મોદી સુધી એ આક્રોશ કે હાકલાપડકારા પહોંચતા જ નથી એવું લાગે છે. મોદી સ્થિતપ્રજ્ઞ બનીને બેઠા છે તેથી લોકો મૂંઝાણા છે. આપણે આટલી ધમાધમી કરી નાંખીએ ને ચીન પર કોઈ આર્થિક પ્રતિબંધો જ ના આવે તો શું ?મોદીની સર્વપક્ષીય બેઠકના કારણે દેશમાં લોકો બીજી એક વાતે પણ મૂંઝાણા હતા કે, ખરેખર ચીના ભારતની સરહદમાં ઘૂસ્યા હતા કે નહોતા ઘૂસ્યા ? આ મૂંઝવણનું કારણ મોદી સરકાર વતી જ આવેલાં સાવ વિરોધાભાસી નિવેદનો છે. આ બેઠકમાં મોદીએ બધા રાજકીય પક્ષોને સધિયારો આપ્યો કે, ચીન આપણી સરહદમાં ઘૂસ્યું નથી કે આપણી કોઈ ચોકી પર કબજો પણ કર્યો નથી. આપણા સૈનિકોએ ચીન સામે બહાદુરી બતાવીને દેશની સરહદનું રક્ષણ કર્યું છે એવી ખાતરી પણ મોદીએ આપી.મોદીની આ વાતના કારણે જ મૂંઝવણ ઉભી થઈ ગઈ કેમ કે, હજુ ચાર દાડા પહેલાં જ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કબૂલેલું કે, ચીને ભારતની સરહદમાં ઘૂસણખોરી કરી છે. ઈન્ડિયન આર્મી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ભારત-ચીન સંઘર્ષ મુદ્દે આપેલા નિવેદનમાં એવું જ કહેલું કે, ચીને ભારતની સરહદમાં ઘૂસણખોરી કરી છે. આ બધાંએ જે નિવેદનો આપેલાં તેના પરથી એવું ચિત્ર ઉપસેલું કે, ભારતે ચીનને પાછા હટવા કહેલું ને એ માટે ચીના માની પણ ગયેલા પણ સોમવાર સાંજ લગી હટ્યા નહીં ત્યારે ભારતીય લશ્કરની ટુકડી તેમને સમજૂતીની યાદ અપાવવા ગઈ. એ વખતે પહેલાંથી કરેલી ગોઠવણ પ્રમાણે ચીના ભારતીય જવાનો પર તૂટી પડ્યા. તેમના પર પથ્થરો, સળિયા વગેરેથી હુમલા કરીને તેમની હત્યા કરી. તેમને બચાવવા ગયેલા બીજા સૈનિકો પર પણ હુમલા થયા ને તેમાં ભારતીય જવાનો શહીદ થયા.મોદીએ જે વાત કરી એ તેનાથી બિલકુલ અલગ હતી ને તેના કારણે કકળાટ થયા પછી પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓ) દ્વારા સ્પષ્ટતા કરાઈ કે, મોદીએ જે વાત કરી છે એ ૧૫ જૂનની સ્થિતિએ છે. મતલબ કે, ૧૫ જૂનની ઘટના પછી ચીનનું લશ્કર ભારતીય સરહદમાં નથી ને કોઈ ભારતીય ચોકી પર પણ ચીનનો કબજો નથી. મોદીની વાતનાં મનફાવે એવાં ખોટાં તોફાની અર્થઘટન કરવાની કોશિશ કરાઈ હોવાની સ્પષ્ટતા પણ પીએમઓ દ્વારા કરાઈ છે. કૉંગ્રેસે આ મુદ્દો ઉઠાવેલો ને કૉંગ્રેસે જ રાજનાથની કબૂલાતની વીડિયો સોશિયલ મીડિયા પર મૂકેલો તેથી પીએમઓનો ઈશારો કોની તરફ છે એ કહેવાની જરૂર નથી.પીએમઓની સ્પષ્ટતા પછી લોકોની આ મૂંઝવણ દૂર થઈ હશે એવી આશા રાખીએ. ૧૫ જૂન પહેલાં જે કંઈ થયું એ બદલી શકાય એમ નથી પણ અત્યારે ચીનનું લશ્કર ભારતમાં ને ખાસ તો ગલવાન ખીણ વિસ્તારમાં ના ઘૂસેલું હોય એ મુદ્દો મહત્ત્વનો છે. તેના કારણે આપોઆપ જ ગલવાન ખીણ વિસ્તાર ભારતનો છે એ સાબિત થઈ જાય છે. એ સિવાય ચીનનું લશ્કર પારોઠનાં પગલાં શું કરવા ભરે ? ભારતનો આ વિસ્તાર પર વરસોથી કબજો છે ને આજની તારીખે પણ કબજો છે એ જ સાબિત કરે છે કે, ચીના ખોટા છે. બાકી એ લોકો સામેથી ખસી જાય એ વાતમાં માલ જ નથી.જો કે ચીનનું લશ્કર અત્યારે ખસી ગયું તેના કારણે એ મુદ્દો પતી જતો નથી. ચીનની દાનત સાવ ખોરા કોપરા જેવી છે.

ચીન બીજા દેશોના વિસ્તારો બથાવી પાડવામાં માને છે ને ભારતના વિસ્તારો પર તો તેનો ડોળો વરસોથી છે. ચીન ધીરે ધીરે આવા વિસ્તારોનો આંકડો પણ વધારતું જાય છે. આ ચીનની માનસિકતા છે ને એ માનસિકતા ચીન બદલે એમ નથી એ જોતાં આજે નહીં તો કાલે પાછો ડખો થવાનો જ છે. ચીનને સખણા રહેવાની ટેવ જ નથી ને તેના બધા પાડોશીઓને આ વાતનો પાકો અનુભવ છે. ભારતને પણ છે જ એ જોતાં ભારતે ભવિષ્યમાં ચીન આવાં નાટક કરશે એ માટે તૈયાર રહેવું પડશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here